Russia Ukraine war: યુદ્ધવિરામ છતાં રશિયાના હુમલા ચાલુ! યુક્રેનના ઊર્જા ક્ષેત્ર પર 76 હુમલા, 2નાં મોત



Russia Ukraine war
Russia Ukraine war: યુદ્ધવિરામ છતાં રશિયાના હુમલા ચાલુ! યુક્રેનના ઊર્જા ક્ષેત્ર પર 76 હુમલા, 2નાં મોત



Russia Ukraine war
Russia Ukraine war: યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત બાદ પણ હુમલા અટક્યા ન હોવાનો યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ દાવો કર્યો છે. તેમના જણાવ્યા અનુસાર, ઊર્જા ક્ષેત્રમાં યુદ્ધવિરામની જાહેરાત બાદ રશિયાએ યુક્રેનના ઊર્જા, તેલ અને ગેસ ક્ષેત્રોને નિશાન બનાવીને 76 વખત હુમલા કર્યા છે. શનિવારે રાત્રે થયેલા હુમલામાં બે લોકોનાં મોત થયાં છે, જ્યારે 12 લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે.
અનેક વિસ્તારોમાં વીજળીના સબસ્ટેશનો પર હુમલા
ઝેલેન્સ્કીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જણાવ્યું કે વિન્નિત્સિયા, ઝાયટોમિર, ખ્મેલનિત્સ્કી અને ઓડેસા વિસ્તારોમાં વીજળીના સબસ્ટેશનોને નિશાન બનાવવામાં આવ્યાં હતાં. આ હુમલાઓને કારણે હજારો પરિવારો વીજળી વિના રહેવા મજબૂર બન્યા છે.
વીજળી પુરવઠો ફરી શરૂ કરવા માટે કર્મચારીઓ અને સમારકામની ટીમો દિવસ-રાત કામ કરી રહી છે. ઝેલેન્સ્કીના જણાવ્યા અનુસાર, રશિયાએ કેટલાક વિસ્તારોમાં રહેણાક ઇમારતો પર પણ હુમલા કર્યા હતા, જેમાં જાનહાનિ થઈ છે.
એક સપ્તાહમાં હજારો ડ્રોન અને હવાઈ બોમ્બથી હુમલા
ઝેલેન્સ્કીએ દાવો કર્યો કે છેલ્લા એક સપ્તાહમાં રશિયાએ યુક્રેન પર આશરે 2,700 હુમલાખોર ડ્રોન, 1,700 હવાઈ બોમ્બ અને 66 મિસાઇલો છોડી હતી. તેમના જણાવ્યા અનુસાર, આ મિસાઇલોમાંથી મોટાભાગની બેલિસ્ટિક મિસાઇલો હતી. આ હુમલાઓમાં ઊર્જા માળખાને મુખ્ય નિશાન બનાવવામાં આવ્યું હતું.
રવિવારે સવારે વોલિન વિસ્તારમાં આવેલા એક કૃષિ ઉદ્યોગ પર પણ હુમલો થયાની માહિતી તેમણે આપી હતી. ઘટનાસ્થળે જરૂરી સેવાઓની ટીમો કામગીરી કરી રહી હોવાનું જણાવાયું હતું.
રશિયા પર દબાણ લાવવાની ઝેલેન્સ્કીની અપીલ
ઝેલેન્સ્કીએ અમેરિકા સમક્ષ રશિયા પરના પ્રતિબંધો અને બંને દેશો વચ્ચે થયેલી સમજૂતીઓના સંદર્ભમાં રશિયાના વલણની સમીક્ષા કરવાની અપીલ કરી હતી. તેમણે દાવો કર્યો કે રશિયા તરફથી શાંતિ માટે સકારાત્મક પગલાં લેવામાં આવ્યાં નથી.
યુક્રેનના રાષ્ટ્રપતિએ વધુમાં કહ્યું કે યુદ્ધ ચાલુ રહેવાનું મુખ્ય કારણ રશિયાનું વલણ છે. તેમના મતે, શાંતિની શક્યતા ઊભી કરવા માટે રશિયા પર દબાણ વધારવું જરૂરી છે. આ તમામ આંકડા અને દાવા ઝેલેન્સ્કી દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી પર આધારિત છે.






