Ladakh Development Projects: લદ્દાખના વિકાસને મળશે નવી ગતિ, PM મોદીએ રૂપિયા 3,350 કરોડના 5 પ્રોજેક્ટનું કર્યું લોકાર્પણ


Ladakh Development Projects
Ladakh Development Projects: લદ્દાખના વિકાસને મળશે નવી ગતિ, PM મોદીએ રૂપિયા 3,350 કરોડના 5 પ્રોજેક્ટનું કર્યું લોકાર્પણ


Ladakh Development Projects
Ladakh Development Projects: લદ્દાખની કનેક્ટિવિટી, વીજળી, હવાઈ સેવા અને જળસંગ્રહ વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે કેન્દ્ર સરકારે મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓક્ટોબરના રોજ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી આશરે રૂપિયા 3,350 કરોડની પાંચ મુખ્ય વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને લોકાર્પણ કર્યું. આ પ્રોજેક્ટથી સ્થાનિક લોકોની સુવિધાઓ વધવાની સાથે લદ્દાખમાં પ્રવાસનને પણ વેગ મળવાની અપેક્ષા છે.
આ પ્રોજેક્ટમાં સૌથી મહત્ત્વપૂર્ણ 298 કિલોમીટર લાંબો નિમૂ-પદુમ-દારચા માર્ગ છે. બોર્ડર રોડ્સ ઓર્ગેનાઈઝેશન (BRO) દ્વારા તૈયાર કરાયેલો આ માર્ગ લેહના નિમૂને હિમાચલ પ્રદેશના દારચા સાથે જોડે છે અને ઝંસ્કાર ખીણમાંથી પસાર થાય છે. આ માર્ગ શરૂ થવાથી લદ્દાખ પહોંચવા માટે પ્રવાસીઓને વધુ એક વૈકલ્પિક રસ્તો મળશે. મનાલી-લેહ અને શ્રીનગર-લેહ માર્ગ ઉપરાંત આ નવો રૂટ મુસાફરીને વધુ સુગમ બનાવવામાં મદદરૂપ બની શકે છે.
લેહ એરપોર્ટ પર વધશે સુવિધાઓ
વડાપ્રધાન મોદીએ લેહના કુશોક બકુલા રિમ્પોચે એરપોર્ટના નવા પેસેન્જર ટર્મિનલનું પણ ઉદ્ઘાટન કર્યું. આશરે રૂપિયા 640 કરોડના ખર્ચે તૈયાર થયેલું આ ટર્મિનલ 23,800 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે અને વાર્ષિક 35 લાખ મુસાફરોને સંભાળવાની ક્ષમતા ધરાવે છે. તેમાં જિયોથર્મલ ઊર્જાનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ઊર્જા બચત અને કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં મદદરૂપ થશે.
વીજળી અને જળસંગ્રહને પ્રોત્સાહન
લદ્દાખમાં ઊર્જા માળખાને મજબૂત કરવા માટે 9 મેગાવોટની હાનુ લઘુ જળવિદ્યુત પરિયોજના અને 66 કે.વી.ની દાહ-હાનુ-ખાલ્ત્સી ટ્રાન્સમિશન લાઇન શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત, લેહના સિંધુ ઘાટ ખાતે ભારતના પ્રથમ પેટ્રોગ્લિફ સંરક્ષણ પાર્કનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જ્યાં પ્રાચીન શૈલચિત્રો અને પથ્થરો પરની કોતરણીને સુરક્ષિત રાખવામાં આવશે. પ્રોજેક્ટ હિમ સરોવર હેઠળ 40 ગામોમાં 40 જળાશયો પણ તૈયાર કરવામાં આવ્યાં છે. આ પાંચ વિકાસ પરિયોજનાઓથી લદ્દાખમાં પરિવહન, પ્રવાસન, ઊર્જા, સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ અને જળસંગ્રહ ક્ષેત્રે સુધારો થવાની આશા છે.
આ પણ વાંચો : Tarn Taran Murder Case: પંજાબ પોલીસની મોટી કાર્યવાહી, તરનતારન હત્યાકાંડનો મુખ્ય આરોપી ગુરલાલ સિંહ હરિયાણાથી ઝડપાયો





