Get News Alerts

Never miss breaking news updates.

India space weapons treaty: અંતરિક્ષમાં હથિયારોની તૈનાતી પર પ્રતિબંધની માંગ, બંધનકર્તા વૈશ્વિક સંધિ પર આપ્યો ભાર

India space weapons treaty: અંતરિક્ષમાં વધતા સૈન્યકરણ અને હથિયારોની તૈનાતીથી ઊભા થતા જોખમો વચ્ચે ભારતે મહત્વપૂર્ણ માંગ કરી છે.
Nisha Parmar
Nisha ParmarUpdated on: 21 Oct 2026 11:47 AM IST
India space weapons treaty: અંતરિક્ષમાં હથિયારોની તૈનાતી પર પ્રતિબંધની માંગ, બંધનકર્તા વૈશ્વિક સંધિ પર આપ્યો ભારIndia space weapons treaty: અંતરિક્ષમાં હથિયારોની તૈનાતી પર પ્રતિબંધની માંગ, બંધનકર્તા વૈશ્વિક સંધિ પર આપ્યો ભાર

India space weapons treaty

India space weapons treaty: અંતરિક્ષમાં વધતા સૈન્યકરણ અને હથિયારોની તૈનાતીથી ઊભા થતા જોખમો વચ્ચે ભારતે મહત્વપૂર્ણ માંગ કરી છે. ભારતે અંતરિક્ષમાં હથિયારોની તૈનાતી પર પ્રતિબંધ મૂકવા માટે વ્યાપક, કાયદાકીય રીતે બંધનકર્તા અને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકાર્ય સંધિ કરવાની હિમાયત કરી છે. રાજ્યસભાના સાંસદ સુધા મૂર્તિએ સંયુક્ત રાષ્ટ્રમાં આ મુદ્દે ભારતનો અભિગમ રજૂ કરતાં જણાવ્યું કે અંતરિક્ષની સુરક્ષા અને સ્થિરતા માટે તમામ પ્રકારના જોખમોને એકસાથે ધ્યાનમાં લેવા જરૂરી છે.

ભારતે કેવી સંધિની માંગ કરી?

સુધા મૂર્તિના જણાવ્યા અનુસાર, ભારત એવી આંતરરાષ્ટ્રીય સંધિને પ્રાથમિકતા આપે છે, જે કાયદાકીય રીતે બંધનકર્તા હોય, તમામ દેશો માટે સ્વીકાર્ય હોય અને જેના અમલીકરણની ચકાસણી કરી શકાય. તેમણે ભાર મૂક્યો કે આ પ્રકારની સંધિ બહુપક્ષીય વાટાઘાટો દ્વારા તૈયાર થવી જોઈએ.

તેમણે જણાવ્યું કે અંતરિક્ષમાં સુરક્ષા સંબંધિત જોખમો, દેશો વચ્ચે ગેરસમજ, ખોટા અંદાજ અને બળપ્રયોગની વ્યાખ્યા જેવા મુદ્દાઓ પર એકસાથે વિચાર કરવો જરૂરી છે. કેટલાક જોખમો પર જ ધ્યાન કેન્દ્રિત કરીને અન્ય જોખમોને અવગણવાથી સમસ્યા વધુ જટિલ બની શકે છે.

જિનીવામાં વાટાઘાટો યોજવા ભારતનો આગ્રહ

ભારતે આ મુદ્દે વાટાઘાટો માટે જિનીવામાં આવેલા સંયુક્ત રાષ્ટ્રના નિઃશસ્ત્રીકરણ પરિષદ (Conference on Disarmament)ને યોગ્ય મંચ ગણાવ્યો છે.

સુધા મૂર્તિએ કહ્યું કે અંતરિક્ષમાં હથિયારોની દોડ અટકાવવા માટે કયા ઉપાયો અપનાવવા જોઈએ તે અંગે દેશો વચ્ચે મતભેદ છે. ભારત અંતરિક્ષમાં હથિયારોની તૈનાતી રોકવા માટેની પ્રસ્તાવિત સંધિના મુસદ્દાને આગળની ચર્ચા માટે આધારરૂપ માને છે.

અમેરિકા અને રશિયા વચ્ચે પણ મતભેદ

ચીન અને રશિયાએ વર્ષ 2008માં અંતરિક્ષમાં હથિયારોની તૈનાતી રોકવા માટે સંધિનો મુસદ્દો રજૂ કર્યો હતો. જોકે, અમેરિકાએ તેનો વિરોધ કર્યો હતો. અમેરિકાનો મત હતો કે મુસદ્દામાં કેટલીક બાબતો સ્પષ્ટ નથી, પૃથ્વી પરથી કાર્યરત એન્ટી-સેટેલાઇટ સિસ્ટમથી ઊભા થતા જોખમોને પૂરતું આવરી લેવામાં આવતાં નથી અને ચકાસણીની વ્યવસ્થા પણ અપૂરતી છે.

વર્ષ 2024માં અમેરિકા અને જાપાને અંતરિક્ષમાં પરમાણુ હથિયારોની તૈનાતી રોકવા માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જોકે, રશિયાએ તેને વીટો કર્યો હતો.

કાયદાકીય સંધિનો વિકલ્પ નહીં, પૂરક બને અન્ય પગલાં

ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે તમામ દેશોને લાગુ પડે તેવા બિનભેદભાવપૂર્ણ આંતરરાષ્ટ્રીય ધોરણો, પારદર્શિતા અને વિશ્વાસ વધારવાનાં પગલાં માટે પણ તૈયાર છે. જોકે, ભારતના અભિગમ મુજબ આવા પગલાં કાયદાકીય રીતે બંધનકર્તા સંધિના વિકલ્પ બનવાને બદલે તેને પૂરક હોવા જોઈએ.

અંતરિક્ષમાં ઉપગ્રહો અને બેવડા ઉપયોગવાળી ટેક્નોલોજીનો વધતો ઉપયોગ ધ્યાનમાં લેતાં, વૈશ્વિક સ્તરે સહમતી અને અસરકારક ચકાસણી વ્યવસ્થા ઊભી કરવી આ ચર્ચાનો મુખ્ય પડકાર બની રહ્યો છે.

આ પણ વાંચો : India US trade agreement પર ટ્રમ્પનું મોટું નિવેદન: ‘જૂના કરારોથી અલગ હશે’, સમજૂતી નજીક હોવાનો દાવો

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.