Get News Alerts

Never miss breaking news updates.

UGC વિવાદમાં મોટો વળાંક, નડ્ડા સાથે બેઠક બાદ 3 અઠવાડિયામાં ફરી ચર્ચા

UGC : દિલ્હીના જંતર-મંતર ખાતે 20 સપ્ટેમ્બરે યોજાનારી પ્રસ્તાવિત ‘UGC રોલબેક સવર્ણ મહાપંચાયત’ હાલ માટે મોકૂફ રાખવામાં આવી છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 20 Sep 2026 07:56 AM IST
UGC વિવાદમાં મોટો વળાંક, નડ્ડા સાથે બેઠક બાદ 3 અઠવાડિયામાં ફરી ચર્ચાUGC વિવાદમાં મોટો વળાંક, નડ્ડા સાથે બેઠક બાદ 3 અઠવાડિયામાં ફરી ચર્ચા

UGC

UGC : આ નિર્ણય કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને ક્ષત્રિય કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવત સહિતના પ્રતિનિધિમંડળ વચ્ચે થયેલી બેઠક બાદ લેવામાં આવ્યો છે. નડ્ડાના જણાવ્યા અનુસાર, બંને પક્ષો વચ્ચે વાતચીત સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં થઈ હતી અને સરકાર પ્રતિનિધિમંડળ દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પર ગંભીરતાથી વિચાર કરશે. આગામી ત્રણ અઠવાડિયામાં ફરી બેઠક યોજવાની વાત પણ સામે આવી છે.

નડ્ડા સાથે બેઠક બાદ UGC રોલબેક મહાપંચાયત મોકૂફ

મહત્વનું છે કે, આ બેઠક મહાપંચાયત શરૂ થવાના થોડા કલાકો પહેલાં નવી દિલ્હીમાં નડ્ડાના નિવાસસ્થાને યોજાઈ હતી. બેઠકમાં રાજ શેખાવત ઉપરાંત સમૃદ્ધ સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શુભાંશુ સિંહ રાજપૂત, અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભાના IT સેલના અધ્યક્ષ આર.કે. સિંહ, ક્ષત્રિય કરણી સેનાની મહિલા વિંગની રાષ્ટ્રીય અધ્યક્ષ એડવોકેટ સંગીતા સિંહ અને સવર્ણ મહાપંચાયત સમિતિના કાનૂની સલાહકાર એડવોકેટ હિમાંશુ શર્મા સામેલ હતા. કેન્દ્રીય રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહ પણ બેઠકમાં હાજર રહ્યા હતા.

બેઠક બાદ જેપી નડ્ડાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે રાજ શેખાવત અને તેમના પ્રતિનિધિમંડળ સાથે તેમના દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. નડ્ડાએ કહ્યું કે સરકાર તેમની માંગણીઓ પર યોગ્ય રીતે વિચાર કરશે અને આગામી ત્રણ અઠવાડિયામાં ફરી બેઠક યોજાશે. આ નિવેદન બાદ પ્રસ્તાવિત મહાપંચાયતને હાલ માટે ટાળવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

3 અઠવાડિયામાં ફરી બેઠક

આ મહાપંચાયતનો મુખ્ય મુદ્દો આરક્ષણ નીતિ અને તાજેતરમાં જાહેર કરાયેલા UGC (Promotion of Equity in Higher Education Institutions) Regulations, 2026ને લઈને કરણી સેના તથા અન્ય સંગઠનો દ્વારા વ્યક્ત કરવામાં આવેલી ચિંતાઓ હતી. આયોજકો દ્વારા આ નિયમોમાં ફેરફાર અથવા રોલબેકની માંગ સાથે જંતર-મંતર પર કાર્યક્રમ યોજવાની તૈયારી કરવામાં આવી હતી. આ પહેલાં દિલ્હી પોલીસ દ્વારા 20 સપ્ટેમ્બરના પ્રસ્તાવિત કાર્યક્રમને મંજૂરી આપવામાં આવી ન હતી.

આ નિર્ણયને પડકારતી અરજી ક્ષત્રિય કરણી સેના દ્વારા દિલ્હી હાઈકોર્ટમાં કરવામાં આવી હતી. 16 સપ્ટેમ્બરે હાઈકોર્ટે આ મામલે તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો, જ્યારે અગાઉ 7 સપ્ટેમ્બરે કોર્ટે દિલ્હી પોલીસને નવી અરજી પર નિર્ણય લેવા કહ્યું હતું. હવે નડ્ડા સાથેની બેઠક બાદ મહાપંચાયત મોકૂફ રાખવામાં આવી છે. આગામી ત્રણ અઠવાડિયામાં સરકાર અને પ્રતિનિધિમંડળ વચ્ચે થનારી બેઠકમાં આ મુદ્દાઓ પર આગળની ચર્ચા થવાની છે.

આ પણ વાંચો : Gujarat Latest News Live : ગુજરાતમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે