Get News Alerts

Never miss breaking news updates.

ISRO : 36 હજાર કિમી ઉપરથી પાકિસ્તાન-ચીન પર નજર રાખશે, EOS-05 બનશે ભારતની ‘Eye in the Sky’

ISRO એટલે કે ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા કે જેણે એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી GSLV-F17 રોકેટે ભારતના અદ્યતન અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ EOS-05ને સફળતાપૂર્વક
Vivek Shah
Vivek ShahUpdated on: 04 Sep 2026 07:38 AM IST
ISRO : 36 હજાર કિમી ઉપરથી પાકિસ્તાન-ચીન પર નજર રાખશે, EOS-05 બનશે ભારતની ‘Eye in the Sky’ISRO : 36 હજાર કિમી ઉપરથી પાકિસ્તાન-ચીન પર નજર રાખશે, EOS-05 બનશે ભારતની ‘Eye in the Sky’

ISRO

ISRO : આ સેટેલાઇટને ભારતનો જિયોસિંક્રોનસ ઓર્બિટ માટે તૈયાર કરાયેલો પ્રથમ સમર્પિત ઈમેજિંગ સેટેલાઇટ ગણાવવામાં આવી રહ્યો છે. 27 કલાકના કાઉન્ટડાઉન બાદ રોકેટે વહેલી સવારે 2:55 વાગ્યે બીજા લોન્ચ પેડ પરથી ઉડાન ભરી હતી.

આશરે 2367 કિલોગ્રામ વજન ધરાવતા EOS-05ને GSLV-F17 દ્વારા નિર્ધારિત સબ-જિયોસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટમાં સફળતાપૂર્વક સ્થાપિત કરવામાં આવ્યો. ISROના જણાવ્યા અનુસાર, લોન્ચ બાદ આશરે 18 મિનિટમાં સેટેલાઇટને તેની નિર્ધારિત ઓર્બિટમાં પહોંચાડવામાં આવ્યો હતો.

ISROનો EOS-05 રાખશે બારીક નજર

આ મિશનની સૌથી મોટી ખાસિયત એ છે કે EOS-05 પૃથ્વીથી આશરે 36,000 કિલોમીટર ઊંચાઈએ જિયોસિંક્રોનસ ઓર્બિટમાં કામ કરશે. આ ઊંચાઈએ સેટેલાઇટ પૃથ્વીની પરિભ્રમણ ગતિ સાથે તાલમેલ જાળવી શકે છે. મિશન સાથે જોડાયેલા વૈજ્ઞાનિકોએ તેને ‘Eye in the Sky’ એટલે કે ‘આકાશમાં આંખ’ તરીકે ઓળખાવ્યું છે. EOS-05 દ્વારા મળનારી તસવીરો અને ડેટા ભારત માટે વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ બની શકે છે.

સેટેલાઇટ રિયલ-ટાઈમ અથવા લગભગ રિયલ-ટાઈમ અર્થ ઓબ્ઝર્વેશન ડેટા પૂરો પાડવાની ક્ષમતા ધરાવશે. તેનો ઉપયોગ સરહદી વિસ્તારો પર નજર રાખવા ઉપરાંત કૃષિ, હવામાનની દેખરેખ, આપદા વ્યવસ્થાપન અને અન્ય મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં થઈ શકે છે.

EOS-05 બનશે ભારતની ‘Eye in the Sky’

ISRO પ્રમુખ વી. નારાયણને મિશનની સફળતા અંગે ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું કે GSLV-F17એ એડવાન્સ્ડ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ-05ને ચોકસાઈપૂર્વક તેની નિર્ધારિત ઓર્બિટમાં સ્થાપિત કર્યો છે. તેમણે જણાવ્યું કે સેટેલાઇટ કાર્યરત થયા બાદ ભારતને જિયો-ઓર્બિટમાંથી મહત્વપૂર્ણ વ્યૂહાત્મક ડેટા ઉપલબ્ધ થશે. GSLV-F17 ભારતના જિયોસિંક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલની 19મી ઉડાન છે. ત્રણ તબક્કાવાળા આ રોકેટની ઊંચાઈ 51.7 મીટર છે અને તેનો ત્રીજો તબક્કો ક્રાયોજેનિક છે.

આ મિશન અગાઉના GSLV-F10/EOS-03 મિશન બાદ ખાસ મહત્વ ધરાવે છે. 2021માં તે મિશન ક્રાયોજેનિક અપર સ્ટેજમાં ખામીના કારણે નિષ્ફળ ગયું હતું. ત્યારબાદ લાંબા અંતરાલ પછી થયેલા આ સફળ પ્રક્ષેપણે ISROની વિશ્વસનીયતા અને ટેકનિકલ ક્ષમતાને વધુ મજબૂત કરી છે. EOS-05 સાથે ભારતની સ્પેસ સર્વેલન્સ અને અર્થ ઓબ્ઝર્વેશન ક્ષમતામાં એક મહત્વપૂર્ણ નવો અધ્યાય શરૂ થયો છે.

આ પણ વાંચો : Gujarat Latest News Live : દેશભરમાં આજે જન્માષ્ટમી મહોત્સવ રંગેચંગે ઉજવાશે

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.