CIE Manufacturing: કેન્દ્રીય કેબિનેટની 11,000 કરોડની યોજનાને મંજૂરી, બાંધકામ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાધનોના સ્વદેશી ઉત્પાદનને મળશે વેગ

CIE Manufacturing: કેન્દ્ર સરકારે 11,000 કરોડ રૂપિયાની યોજનાને મંજૂરી આપી છે, જેનાથી બાંધકામ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાધનોના સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન મળશે.
Nancy Shukal
Nancy Shukal
CIE Manufacturing: 11,000 કરોડની યોજનાને કેબિનેટની મળી મંજૂરીCIE Manufacturing: 11,000 કરોડની યોજનાને કેબિનેટની મળી મંજૂરી

CIE Manufacturing: 11,000 કરોડની યોજનાને કેબિનેટની મળી મંજૂરી

CIE Manufacturing: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે, 25 નવેમ્બરે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં બાંધકામ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ ઈકોસિસ્ટમને પ્રોત્સાહન આપતી યોજનાને મંજૂરી આપવામાં આવી છે. રૂપિયા 11,000 કરોડના નાણાકીય પ્રાવધાન ધરાવતી આ યોજનાનો હેતુ ભારતમાં બાંધકામ અને માળખાગત સુવિધાઓમાં વપરાતાં સાધનોનું સ્થાનિક ઉત્પાદન વધારવાનો અને આત્મનિર્ભર ભારત અભિયાનને મજબૂત કરવાનો છે.

કેન્દ્રીય મંત્રીમંડળના નિવેદન અનુસાર, આ યોજનાનો અમલ ભારે ઉદ્યોગ મંત્રાલય દ્વારા કરવામાં આવશે. તેના હેઠળ બાંધકામ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાધનો (CIE) તેમજ તેનાં વિવિધ કમ્પોનન્ટ્સના ઘરેલું ઉત્પાદનને પ્રોત્સાહન આપવામાં આવશે. આ સિવાય દેશમાં સમર્પિત પરીક્ષણ સુવિધા પણ વિકસાવવામાં આવશે, જેથી ભારતીય ઉત્પાદકોને વૈશ્વિક બજારમાં સ્પર્ધા કરવામાં મદદ મળી શકે.

8 વર્ષ સુધી અમલમાં રહેશે યોજના

આ યોજના નાણાકીય વર્ષ 2026-27થી 8 વર્ષ માટે અમલમાં રહેશે. શરૂઆતનાં બે વર્ષ એટલે કે 2026-27થી 2027-28 દરમિયાન ઉત્પાદન એકમોની સ્થાપના કરવામાં આવશે. ત્યારબાદ 2028-29થી 2032-33 5 પાંચ વર્ષ માટે પ્રોત્સાહન રકમનું વિતરણ થશે. અંતિમ વર્ષ 2033-34માં 2032-33ના વધારાના વેચાણના આધારે પ્રોત્સાહનોની પતાવટ કરવામાં આવશે.

યોજનાના 2 મુખ્ય ઘટકો છે. પ્રથમ ઘટક હેઠળ પાત્ર બાંધકામ સાધનો અને કમ્પોનન્ટ્સના ઉત્પાદકોને વધારાના વેચાણના આધારે સેલ્સ-લિંક્ડ ઈન્સેન્ટિવ (SLI) આપવામાં આવશે. 5 વર્ષના સમયગાળામાં પ્રોત્સાહનનો દર 13 ટકાથી 8 ટકા સુધી રહેશે.

બીજા ઘટક હેઠળ દેશમાં આધુનિક CIE પરીક્ષણ કેન્દ્રો સ્થાપવા માટે રૂપિયા 375 કરોડ સુધીની નાણાકીય સહાય આપવામાં આવશે. આ સહાય વાયેબિલિટી ગેપ ફંડિંગ (VGF)ના સ્વરૂપમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ક્રેનથી લઈને ટનલ બોરિંગ મશીનના ઉત્પાદનને પ્રોત્સાહન

સરકારના જણાવ્યા અનુસાર, રસ્તા, બંદરો, આવાસ અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં વધતા રોકાણને કારણે બાંધકામનાં સાધનોની માગ વધી રહી છે. આ યોજનાથી શિપ-ટુ-શોર ક્રેન, ટનલ બોરિંગ મશીન (TBM), હાઈડ્રોલિક એક્સકેવેટર, ઓફ-હાઈવે ટ્રક સહિત અદ્યતન ટેક્નોલોજી આધારિત સાધનોના ઉત્પાદનને પ્રોત્સાહન મળશે.

આ ઉપરાંત દેશમાં વિશ્વસ્તરીય પરીક્ષણ અને પ્રમાણન સુવિધાઓ વિકસાવવામાં આવશે, જેથી સ્થાનિક ઉત્પાદકો આંતરરાષ્ટ્રીય ગુણવત્તાના ધોરણોને પૂર્ણ કરી શકે.

ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું બજાર

હાલમાં બાંધકામ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાધનોના ક્ષેત્રમાં ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું બજાર છે. આ મામલે માત્ર ચીન અને અમેરિકા ભારતથી આગળ છે. નાણાકીય વર્ષ 2024-25માં આ ઉદ્યોગનું કદ અંદાજે 97,500 કરોડ રૂપિયા હતું.

ઉદ્યોગના અંદાજ મુજબ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આવાસ ક્ષેત્રમાં વધતા રોકાણને કારણે આગામી વર્ષોમાં આ બજાર બમણાથી વધુ થઈ શકે છે. નાણાકીય વર્ષ 2029-30 સુધીમાં બજારનું કદ અંદાજે 2,28,100 કરોડ રૂપિયા સુધી પહોંચવાની શક્યતા છે.

આ પણ વાંચો: IMD Weather Forecast: દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસની આગાહી, ઉત્તર ભારતમાં ઠંડીનો ચમકારો વધશે