Get News Alerts

Never miss breaking news updates.

Valsad Vagh River Bridge Closed : વલસાડના ટીટુમાળમાં 6 મહિનાથી વાઘ નદીનો પુલ બંધ, 15થી 20 ગામોના લોકો મુશ્કેલીમાં

Valsad Vagh River Bridge Closed : વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ટીટુમાળ ગામ નજીક વાઘ નદી પરનો પુલ છેલ્લા છ મહિનાથી બંધ હોવાના કારણે સ્થાનિક લોકોની મુશ્કેલીઓ વધી રહી છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 15 Oct 2026 12:23 PM IST
Valsad Vagh River Bridge Closed : વલસાડના ટીટુમાળમાં 6 મહિનાથી વાઘ નદીનો પુલ બંધ, 15થી 20 ગામોના લોકો મુશ્કેલીમાંValsad Vagh River Bridge Closed : વલસાડના ટીટુમાળમાં 6 મહિનાથી વાઘ નદીનો પુલ બંધ, 15થી 20 ગામોના લોકો મુશ્કેલીમાં

Valsad Vagh River Bridge Closed

Valsad Vagh River Bridge Closed : પુલ બંધ રહેતાં આસપાસનાં 15થી 20 ગામોના લોકોને અવરજવરમાં હાલાકી ભોગવવી પડતી હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે. લાંબા સમયથી સમસ્યાનો ઉકેલ નહીં આવતાં હવે સ્થાનિકોમાં તંત્ર સામે નારાજગી જોવા મળી રહી છે.

ગ્રામજનોના જણાવ્યા મુજબ, વાઘ નદી પરનો પુલ જર્જરિત બનતાં તેને વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો. જોકે, પુલ બંધ થયા બાદ સ્થાનિક લોકો માટે અવરજવરનો પ્રશ્ન ઊભો થયો છે. અન્ય માર્ગે જવા માટે આશરે 15 કિલોમીટરનો વધારાનો ચકરાવો કાપવો પડતો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસરની ચિંતા

આ પરિસ્થિતિને કારણે રોજિંદા કામ માટે બહાર જતા શ્રમિકોને સમય અને ઇંધણનો વધારાનો ખર્ચ સહન કરવો પડે છે. વાપી, સેલવાસ અને દમણ જેવા વિસ્તારોમાં મજૂરી માટે જતા કામદારોને પણ મુશ્કેલી પડતી હોવાની રજૂઆત કરવામાં આવી છે. પુલ બંધ રહેતાં ટુકવાડા હાઈસ્કૂલમાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓની અવરજવર પણ મુશ્કેલ બની હોવાની ફરિયાદ છે. લાંબો રસ્તો કાપવો પડતો હોવાથી વિદ્યાર્થીઓને સમયસર શાળાએ પહોંચવામાં મુશ્કેલી પડી શકે છે.

ગ્રામજનોના મતે, આ સમસ્યાનો વહેલી તકે ઉકેલ લાવવો જરૂરી છે, જેથી બાળકોના શિક્ષણ પર વિપરીત અસર ન પડે. આ ઉપરાંત, કોઈ વ્યક્તિ બીમાર પડે અથવા તાત્કાલિક સારવારની જરૂર ઊભી થાય ત્યારે હોસ્પિટલ સુધી પહોંચવામાં વિલંબ થવાની શક્યતા અંગે પણ સ્થાનિકોએ ચિંતા વ્યક્ત કરી છે.

ડેપ્યુટી સરપંચે ઉઠાવ્યા સવાલો

આ મામલે ટીટુમાળના ડેપ્યુટી સરપંચ વિજય ગોંડે તંત્ર સમક્ષ સમસ્યાનો ઉકેલ લાવવાની માંગ કરી છે. ગ્રામજનોનો સવાલ છે કે પુલ બંધ કર્યા બાદ અવરજવર માટે પૂરતી વૈકલ્પિક વ્યવસ્થા કેમ કરવામાં આવી નથી અને નવા પુલનું કામ ક્યારે શરૂ થશે. ગ્રામજનોની મુખ્ય માગ છે કે નવા પુલનું કામ વહેલી તકે શરૂ કરવામાં આવે. ત્યાં સુધી અવરજવર માટે વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થા કરવામાં આવે અને વિદ્યાર્થીઓ તથા સામાન્ય મુસાફરોને રાહત આપવા એસ.ટી. બસ સેવા શરૂ કરવામાં આવે.

સમસ્યાનો ઝડપથી ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે. હવે સંબંધિત તંત્ર આ રજૂઆતને ધ્યાનમાં લઈને ક્યારે કાર્યવાહી કરે છે અને પુલના કામ અંગે શું નિર્ણય લે છે તેના પર સૌની નજર છે.

આ પણ વાંચો : Rajkot Robbery Murder Case : રાજકોટ લૂંટ વિથ મર્ડર કેસમાં મોટો ખુલાસો, પોલીસે આરોપીઓને ઉદયપુરથી દબોચ્યા

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે