Valsad Teacher Sucide : કપરાડાના શિક્ષક શંકરભાઈ જાદવના મોતથી શિક્ષક આલમમાં આક્રોશ, પરિવારને મળશે ₹5 લાખની સહાય



Valsad Teacher Sucide
Valsad Teacher Sucide : કપરાડાના શિક્ષક શંકરભાઈ જાદવના મોતથી શિક્ષક આલમમાં આક્રોશ, પરિવારને મળશે ₹5 લાખની સહાય



Valsad Teacher Sucide
Valsad Teacher Sucide : ઓનલાઇન કામગીરીના અસહ્ય માનસિક તણાવથી કંટાળીને તેમણે આપઘાત કર્યો હોવાનો આક્ષેપ સામે આવ્યા બાદ આ મામલે રાજ્યભરમાં પ્રત્યાઘાતો પડ્યા છે. શિક્ષકના અવસાન બાદ શિક્ષક સંઘો દ્વારા વિરોધ નોંધાવી તેમની સમસ્યાઓ તરફ સરકારનું ધ્યાન દોરવામાં આવી રહ્યું છે.
શંકરભાઈ જાદવને શ્રદ્ધાંજલિ આપવા અને શિક્ષકોની લાગણીઓ વ્યક્ત કરવા માટે મંગળવારે જિલ્લાભરના શિક્ષકો દ્વારા મૌન રેલી યોજવામાં આવી હતી. હાલર તળાવથી કલેક્ટર કચેરી સુધી નીકળેલી આ રેલીમાં મોટી સંખ્યામાં શિક્ષકો જોડાયા હતા. રેલીના અંતે કલેક્ટરને આવેદનપત્ર સોંપી શિક્ષકોની સમસ્યાઓ અંગે રજૂઆત કરવામાં આવી હતી.
ક્યુઆર કોડ મારફતે પણ પરિવારને આર્થિક મદદ પહોંચાડવાની કામગીરી
આ ઘટનાક્રમ વચ્ચે ગુરુવારે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા દિવસી ગામે સ્વ. શંકરભાઈ જાદવના નિવાસસ્થાને પહોંચ્યા હતા. તેમણે પરિવારજનોની મુલાકાત લઈને સાંત્વના પાઠવી હતી અને પરિવારને આ મુશ્કેલ સમયમાં સહકાર આપવાની ખાતરી આપી હતી. આ પ્રસંગે દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે સ્વ. શંકરભાઈ જાદવ બે લાખ શિક્ષકોના વિશાળ પરિવારના સભ્ય હતા અને તેમનું અકાળે અવસાન સૌ માટે મોટો આઘાત છે.
સુસાઈડ નોટમાં ઓનલાઇન કામગીરીનો ઉલ્લેખ હોવાના મુદ્દે તેમણે શિક્ષણ મંત્રી અને રાજ્ય સરકાર સાથે સીધી વાતચીત કરી હોવાનું પણ જણાવ્યું હતું. શિક્ષક સંઘ દ્વારા સ્વ. શંકરભાઈની સ્મૃતિ જળવાઈ રહે તે માટે કપરાડા શિક્ષક ક્રેડિટ મંડળીના કેમ્પસમાં તેમની પ્રતિમા સ્થાપિત કરવાની જાહેરાત કરવામાં આવી છે.
ઓનલાઇન કામગીરીના મુદ્દે શિક્ષક સંઘે સરકાર સમક્ષ રજૂઆત કરી
આ ઉપરાંત, તાલુકા શિક્ષક મંડળી દ્વારા પરિવારને ટૂંક સમયમાં પાંચ લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. જિલ્લા અને તાલુકા શિક્ષક સંઘ દ્વારા ઓનલાઇન ક્યુઆર કોડ મારફતે પણ પરિવારને સીધી આર્થિક મદદ પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. શ્રદ્ધાંજલિ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સૌએ બે મિનિટનું મૌન પાળીને દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.
આ પ્રસંગે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી જૈમિનકુમાર પટેલ, કપરાડા શિક્ષક સંઘના મહામંત્રી અને રાજ્ય કો-ઓર્ડિનેટર આનંદ પટેલ, જિલ્લા સંઘ પ્રમુખ જયેશ ગરાસિયા, કપરાડા પ્રમુખ બિપિન પટેલ, નાનાપોંઢા પ્રમુખ મિતેષ પટેલ, મહામંત્રી જયવદન એસ. પટેલ સહિત શિક્ષક સંઘના હોદ્દેદારો, દિવસી ગામના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. શંકરભાઈ જાદવના અવસાન બાદ ઓનલાઇન કામગીરી અને શિક્ષકો પરના કાર્યભાર અંગે ચર્ચા ફરી તેજ બની છે. શિક્ષકોની કામગીરી સંબંધિત સમસ્યાઓ અંગે સરકાર દ્વારા શું પગલાં લેવામાં આવે છે, તેના પર હવે સૌની નજર છે.

Vivek Shah
વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે





