Surat Annapurna Khodaldham : સુરતના વેલંજા ખાતે 300 વીઘામાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ, નરેશ પટેલને પણ અન્નપૂર્ણા ધામમાં આવકાર : મુકેશ પટેલ



Surat Annapurna Khodaldham
Surat Annapurna Khodaldham : સુરતના વેલંજા ખાતે 300 વીઘામાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ, નરેશ પટેલને પણ અન્નપૂર્ણા ધામમાં આવકાર : મુકેશ પટેલ



Surat Annapurna Khodaldham
Surat Annapurna Khodaldham : પાટીદાર અગ્રણી મુકેશ પટેલે આ અંગે નિવેદન આપતાં જણાવ્યું કે સુરતના વેલંજા વિસ્તારમાં અંદાજે 300 વીઘા જમીનમાં આ ધામ બનાવવાની યોજના છે. જોકે, મંદિર માટે જમીન સંબંધિત પ્રક્રિયા હાલ ચાલુ હોવાનું અને જમીન અંગેની કામગીરી પૂર્ણ થયા બાદ નિર્માણ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું.
મુકેશ પટેલના જણાવ્યા અનુસાર, સુરતમાં મોટી સંખ્યામાં પટેલ સમાજના લોકો વસે છે, પરંતુ લેઉવા પટેલ સમાજ માટે વિશેષ આસ્થાકેન્દ્રની જરૂરિયાત અનુભવાઈ હતી. સમાજના લોકો સાથે ચર્ચા અને સર્વે દરમિયાન તેમની જરૂરિયાતો તથા સમસ્યાઓ સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 10થી 15 જેટલા બિઝનેસમેન એકત્ર થયા અને સમાજ માટે સેવાકાર્યો કરવાની પ્રેરણાથી અન્નપૂર્ણા ધામનો વિચાર આગળ વધ્યો.
300 વીઘા જમીનમાં ધામ બનાવવાની વાત
તેમણે સ્પષ્ટતા કરી હતી કે આ ધામ કોઈ એક વ્યક્તિ વિશેષ માટે બનાવવામાં આવતું નથી. તેનો મુખ્ય હેતુ સમાજના નાના અને જરૂરિયાતમંદ લોકો સુધી મદદ પહોંચાડવાનો છે. ગામડાંમાં વૃદ્ધોની સેવા, મહિલાઓને રોજગારીની તકો, મહિલા સશક્તિકરણ અને વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવા જેવી પ્રવૃત્તિઓ પર ભાર મૂકવાની યોજના છે. મુકેશ પટેલે જણાવ્યું કે પાટીદાર સમાજનો ખેડૂત પરિવાર સાથે ગાઢ સંબંધ છે અને અન્નપૂર્ણા માતાજી અન્નનાં દેવી તરીકે પૂજાય છે.
આ ભાવનાને કેન્દ્રમાં રાખીને ધામનું નામ ‘શ્રી અન્નપૂર્ણા ખોડલધામ’ રાખવાની વાત કરવામાં આવી છે. ધામ સાથે જોડાયેલી સંસ્થાઓ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવાની પણ યોજના છે.
જમીનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નિર્માણ અંગે સત્તાવાર જાહેરાત થશે
ખોડલધામ સાથે સંકળાયેલા નરેશ પટેલ અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં મુકેશ પટેલે જણાવ્યું કે તેમની સાથે કોઈ વિવાદ નથી અને નરેશ પટેલ અન્નપૂર્ણા ધામમાં આવવા ઇચ્છે તો તેમનું સ્વાગત છે. મંદિરના પ્રમુખ તરીકે જયંતી એકલારાનું નામ જાહેર કરવામાં આવ્યું હોવાનું પણ જણાવાયું છે. સાથે જ સરદાર પટેલ એકેડેમી અને અન્ય સંસ્થાઓ મારફતે સેવાકીય કામગીરીને આગળ વધારવાની વાત કરવામાં આવી છે.
હાલ આ પ્રસ્તાવિત ધામ માટે જમીનની પ્રક્રિયા ચાલી રહી છે. જમીન સંબંધિત તમામ કામગીરી પૂર્ણ થયા બાદ નિર્માણ અંગેની સત્તાવાર જાહેરાત થવાની છે. હવે આ યોજના ક્યારે સાકાર થાય છે અને સેવાકીય પ્રવૃત્તિઓને કઈ રીતે અમલમાં મૂકવામાં આવે છે, તેના પર સૌની નજર રહેશે.

Vivek Shah
વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે





