Surat News: કાપોદ્રામાં કારીગરો વચ્ચે 500 રૂપિયાની લેતીદેતીના મામલે મારામારી, ઔદ્યોગિક વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો


Surat News
Surat News: કાપોદ્રામાં કારીગરો વચ્ચે 500 રૂપિયાની લેતીદેતીના મામલે મારામારી, ઔદ્યોગિક વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો


Surat News
Surat News: સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં કારીગરોના બે જૂથ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. માત્ર 500 રૂપિયાની લેતીદેતીના મામલે થયેલી આ મારામારી બાદ વિસ્તારમાં રવિવારની રજાના વિવાદને લઈને કારખાના બંધ કરાવવામાં આવી રહ્યા હોવાની અફવા ફેલાઈ હતી. જેના કારણે ઔદ્યોગિક વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ધારાસભ્ય કુમાર કાનાણી પણ પોલીસ સ્ટેશન દોડી ગયા
મળતી માહિતી મુજબ, કારીગરોના બે જૂથ વચ્ચે 500 રૂપિયાની લેતીદેતીને લઈને વિવાદ થયો હતો. આ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં બંને જૂથ વચ્ચે મારામારી થઈ હતી. જોકે, આ ઘટના બાદ એવી અફવા ફેલાઈ હતી કે રવિવારની રજાના વિવાદને કારણે કારખાનાં બંધ કરાવવામાં આવી રહ્યા છે. આ અફવાના પગલે આસપાસના એમ્બ્રોડરીના કારખાના પણ બંધ થઈ ગયા હતા. કારખાના બંધ થતાં અનેક ખાતાધારકો કાપોદ્રા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ઘટનાની જાણ ધારાસભ્ય કુમાર કાનાણી સુધી પહોંચતાં તેઓ પણ પોલીસ સ્ટેશન દોડી ગયા હતા. બીજી તરફ, ખોટી અફવાને કારણે ઔદ્યોગિક એકમો બંધ થતાં તંત્ર પણ સક્રિય થયું હતું.
પોલીસે અફવાનું ખંડન કર્યું
સમગ્ર મામલે પોલીસે સ્પષ્ટતા કરી હતી કે કારીગરો વચ્ચે થયેલી મારામારીને શ્રમિક આંદોલન સાથે કોઈ લેવાદેવા નથી. 500 રૂપિયાની લેતીદેતીના વિવાદને કારણે આ ઘટના બની હતી અને તેને રવિવારની રજાના મુદ્દા સાથે જોડવી યોગ્ય નથી. ધારાસભ્ય કુમાર કાનાણીએ પણ જણાવ્યું હતું કે રજાના વિવાદને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જરૂરિયાત ઊભી થશે તો પોલીસ બંદોબસ્તમાં વધુ વધારો કરવાની ખાતરી પણ આપવામાં આવી છે.
આ ઘટનાને પગલે ઔદ્યોગિક વિસ્તારમાં ફેલાયેલી અફવાઓને કારણે કારખાનાં બંધ થતાં વેપાર અને રોજગારને અસર થવાની સ્થિતિ ઊભી થઈ હતી. જોકે, પોલીસે મામલો શ્રમિક આંદોલન સાથે સંબંધિત ન હોવાનું સ્પષ્ટ કરતાં લોકોને અફવાઓથી દૂર રહેવા અને સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવા અપીલ કરી છે.
આ પણ વાંચો: Amreli: વડિયામાં સસ્તા અનાજનો બિનઅધિકૃત જથ્થો ઝડપાયો, રૂપિયા 58,000નો મુદ્દામાલ સીઝ





