Mehsana News: બહુચરાજીમાં ગાયકવાડ સરકાર વખતની પરંપરા યથાવત, દશેરાના દિવસે બહુચર માતાજીને પહેરવાયો 300 કરોડ રૂપિયાનો નવલખો હાર


Mehsana News
Mehsana News: બહુચરાજીમાં ગાયકવાડ સરકાર વખતની પરંપરા યથાવત, દશેરાના દિવસે બહુચર માતાજીને પહેરવાયો 300 કરોડ રૂપિયાનો નવલખો હાર


Mehsana News
Mehsana News: શક્તિપીઠ બહુચરાજીમાં આજે દશેરાના પવિત્ર દિવસે એક અનોખી પરંપરા નિભવવામાં આવી. વડોદરાના રાજવીએ ભેટ આપેલ અતિ મૂલ્યવાન નવલખો હાર માતાજીને પહેરાવવામાં આવ્યો. આ હાર વર્ષમાં માત્ર એક જ દિવસ, દશેરાના દિવસે જ માતાજીના શણગારની શોભા વધારે છે. આ અણમોલ હાર અને દશેરાની વિશેષ ઉજવણી પર એક નજર.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે માતાજીની ભવ્ય પાલખી યાત્રા યોજાઈ
સુપ્રસિદ્ધ શક્તિપીઠ મહેસાણાના બહુચરાજી સ્થિત મા બહુચરાજીના મંદિરે આજે માતાજીને કરોડોની કિંમતનો નવલખો હાર પહેરાવવામાં આવ્યો. દર વર્ષની જેમ આજે હાર પહેરાવ્યા બાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે માતાજીની ભવ્ય પાલખી યાત્રા યોજાઈ. મુખ્ય મંદિરથી આ યાત્રા સમી વૃક્ષ સુધી નીકળી, જ્યાં માતાજીને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું.આ હારની વિશેષતા એ છે કે તેની અંદાજિત કિંમત રૂપિયા 300 કરોડથી પણ વધુ આંકવામાં આવી રહી છે, અને સુરક્ષાના કારણોસર તે વર્ષમાં માત્ર દશેરાના પર્વે બહાર આવે છે.
હાર વર્ષો પહેલા માનાજીરાવ ગાયકવાડ દ્વારા ભેટ અપાયેલો છે
બાલા ત્રિપુરા સુંદરી મા બહુચરનું આ ભવ્ય મંદિર ઐતિહાસિક મહત્વ ધરાવે છે. વડોદરાના રાજવી માનાજીરાવ ગાયકવાડે ઈ.સ. 1783માં આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. આ મંદિરોમાં માતાજીને નીતનવીન શણગાર કરવાની પ્રથા ગાયકવાડ સમયથી ચાલી આવે છે, પણ આ તમામમાં નવલખો હારનું સ્થાન સર્વોપરી છે. આ હાર પણ વર્ષો પહેલા માનાજીરાવ ગાયકવાડ દ્વારા ભેટ અપાયેલો છે. ત્યારથી દર વર્ષે દશેરા દિવસે જ આ હાર માતાજીને પહેરાવવાની પરંપરા અવિરત ચાલે છે. નવલખા હારના ઈતિહાસ પર નજર કરીએ તો લગભગ 300 વર્ષ પૂર્વે માનાજીરાવ ગાયકવાડને પાઠાનો રોગ મટી જતાં તેમણે માતાજીને આ હાર ભેટ આપ્યો હતો. તે સમયે તેનું મૂલ્ય નવ લાખ રૂપિયા હતું, જેથી તે નવલખો હાર તરીકે ઓળખાયો. સમય જતાં આ હારનું મૂલ્ય આજે રૂપિયા 300 કરોડથી વધુનું થયું છે.
પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાયું
આ હાર પ્રથમ નજરે ભલે સામાન્ય લાગે, પરંતુ લીલા, વાદળી અને સફેદ રંગના નીલમથી તૈયાર થયેલો આ હાર નજીકથી જોનારને અચંબિત કરી દે છે. હારમાં જડાયેલા પ્રત્યેક નીલમનું મૂલ્ય કરોડોમાં છે. આ કારણોસર જ આ હાર આખું વર્ષ સલામત સ્થળે રાખવામાં આવે છે. દશેરાના દિવસે મંદિરના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં જ તેને માતાજીના શણગારમાં લેવાય છે. જ્યારે માતાજીની પાલખી યાત્રા નીકળે છે અને તેમને ગાર્ડ ઓફ ઓનર અપાય છે, ત્યારે આ નવલખો હાર જોઇને ભક્તો માટે તે એક અનોખી અને યાદગાર ક્ષણ બની જાય છે. દેવી-દેવતાઓના ચરણે ભેટ ધરાવવાની પ્રથા વર્ષો જૂની છે, પરંતુ સમગ્ર ગુજરાતના મંદિરોમાં સૌથી મોંઘી ભેટ પૈકીની એક આ નવલખો હાર બહુચરાજી મંદિરને પ્રાપ્ત થયેલ છે. આ જ કારણે બહુચરાજી મંદિરની કુલ સંપત્તિ કરોડોને આંબી ગઈ છે, અને મા બહુચરનું આ ધામ લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે.
આ પણ વાંચો: Aravalli News: મોડાસામાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ, સામાન બળીને ખાક





