Junagadh Crime News : જૂનાગઢમાં સોશિયલ મીડિયા પર મિત્રતા કરી યુવતીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મનો આરોપ, 3 આરોપીની પોલીસે કરી ધરપકડ



Social Media Love Trap
Junagadh Crime News : જૂનાગઢમાં સોશિયલ મીડિયા પર મિત્રતા કરી યુવતીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મનો આરોપ, 3 આરોપીની પોલીસે કરી ધરપકડ



Social Media Love Trap
Junagadh Crime News : અન્ય જિલ્લામાંથી જૂનાગઢમાં અભ્યાસ માટે આવેલી યુવતીની ફરિયાદના આધારે પોલીસે મુખ્ય આરોપી સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. સમગ્ર મામલે હવે SOG દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, યુવતી છેલ્લા દોઢેક વર્ષથી જૂનાગઢમાં રહીને કોલેજમાં અભ્યાસ કરતી હતી અને ભાડાના મકાનમાં રહેતી હતી. એપ્રિલ 2024 દરમિયાન ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને સ્નેપચેટ મારફતે યુવતીનો સંપર્ક તાલાળાના ચિત્રાવડ ગામના ફરાજ ઉર્ફે ઇમ્તિયાઝ કાદરભાઈ સુમરા સાથે થયો હતો.
આરોપીએ શરૂઆતમાં પોતે અપરિણીત હોવાનું જણાવી લગ્ન કરવાની અને જીવનભર સાથે રહેવાની લાલચ આપી હોવાનો આક્ષેપ છે. ફરિયાદ મુજબ, ત્યારબાદ આરોપી પોતાના મિત્રની મદદથી યુવતીને જૂનાગઢના કાળવા ચોક નજીક આવેલી હોટેલ પેરામાઉન્ટમાં લઈ ગયો હતો, જ્યાં તેની સાથે શારીરિક સંબંધ બાંધવામાં આવ્યો હોવાનો આરોપ છે.
ઓળખ છુપાવી યુવતીને ધમકાવ્યાનો આક્ષેપ
યુવતીએ બાદમાં આરોપીની સોશિયલ મીડિયા પ્રોફાઇલ તપાસતાં તેની ઓળખ અને વૈવાહિક સ્થિતિ અંગે અલગ વિગતો સામે આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. યુવતીએ સંબંધ આગળ વધારવાની ના પાડ્યા બાદ આરોપીએ તેની જાણ બહાર મોબાઇલ અને વોટ્સએપ હેક કર્યા હોવાનો પણ આરોપ છે. ત્યારબાદ યુવતી કોની સાથે વાત કરે છે તે બાબતે ડરાવી-ધમકાવી અલગ-અલગ સ્થળોએ લઈ જઈ દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે.
પોલીસના જણાવ્યા મુજબ, યુવતી ગર્ભવતી બન્યા બાદ પેટમાં દુખાવાનું બહાનું બતાવી તેને અન્ય એક મિત્રની મદદથી ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં યુવતીની જાણ બહાર ગર્ભપાત કરાવવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ છે. આ સમગ્ર ઘટનામાં અન્ય વ્યક્તિઓની સંડોવણી છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.
ત્રણ આરોપીઓની ધરપકડ, SOG કરશે તપાસ
આ મામલે જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 64(2)(m), 69, 319(2), 89 તથા IT એક્ટની કલમ 66 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ફરાજ ઉર્ફે ઇમ્તિયાઝ સુમરા, સોહેબ અને અશફાકની ધરપકડ કરી છે. આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જણાવાયું છે. કેસની વધુ તપાસ SOGના પોલીસ ઇન્સ્પેક્ટરને સોંપવામાં આવી છે.
ગર્ભપાત કરાવવાના આક્ષેપના સંદર્ભમાં સંબંધિત તબીબ તથા અન્ય સંભવિત મદદગારોની ભૂમિકા અંગે પણ તપાસ કરવામાં આવશે. આ ઘટનાએ સોશિયલ મીડિયા પર અજાણી વ્યક્તિઓ સાથે સંપર્ક કરતી વખતે સાવચેતી રાખવાની જરૂરિયાત ફરી ઉજાગર કરી છે. હાલ તમામ આરોપો તપાસ હેઠળ છે અને કેસમાં આગળની કાર્યવાહી પોલીસ તપાસ તથા કોર્ટની પ્રક્રિયાને આધારે થશે.

Vivek Shah
વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે





