Gujarat માં POCSO કેસોમાં ઐતિહાસિક ન્યાય, પાંચ વર્ષમાં 1785 ચુકાદા, 908 ને આજીવન કેદ અને 16 ને ફાંસીની સજા


Gujarat Police Pocso Case
Gujarat માં POCSO કેસોમાં ઐતિહાસિક ન્યાય, પાંચ વર્ષમાં 1785 ચુકાદા, 908 ને આજીવન કેદ અને 16 ને ફાંસીની સજા


Gujarat Police Pocso Case
Gujarat : આ નીતિના પરિણામે રાજ્યમાં POCSO (પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સિસ) હેઠળના કેસોમાં ન્યાય પ્રક્રિયા અભૂતપૂર્વ ઝડપે આગળ વધી રહી છે. આ પ્રકારના કેસોમાં સાયન્ટિફિક એવિડન્સ કલેક્શન સહિત ગુનાની ટોપ ટુ બોટમ લેવલે સંવેદનાપૂર્વક ઇન્વેસ્ટિગેશનની પોલીસની પધ્ધતિ ગુનેગારોને મજબૂત સજા અપાવવા મહત્વપૂર્ણ સાબિત થઈ છે.
તાજેતરમાં ગાંધીનગરના કલોલ ખાતે પોક્સો કોર્ટે 15 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપીને પોલીસે ચાર્જશીટ રજૂ કર્યાના માત્ર 72 કલાકમાં કુદરતી આયુષ્યના અંત સુધીની આજીવન કેદ ફટકારીને એક દાખલારૂપ ચુકાદો આપ્યો છે.
48 પોકસો કેસમાં સજાના ચુકાદા આવ્યા
રાજ્યમાં વર્ષ 2022 થી ઓગસ્ટ 2026 દરમિયાન પોક્સો અદાલતો દ્વારા કુલ 1785 ચુકાદા આપવામાં આવ્યા છે. જેમાં 908 ગુનેગારોને આજીવન કેદ અને 16 નરાધમોને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. અદાલતી ચુકાદાઓની સંખ્યામાં વર્ષ દર વર્ષે નોંધપાત્ર વધારો થયો છે જેમાં વર્ષ 2022 માં 194 ચુકાદામાં 107 આરોપીઓને આજીવન કેદ, વર્ષ 2025 માં 499 ચુકાદામાં 340 આરોપીઓને આજીવન કેદ, વર્ષ 2026 ઓગસ્ટ સુધીમાં એટલે કે ચાલુ વર્ષે આઠ મહિનામાં 346 ચુકાદામાં 241 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. નોંધનીય છે કે, માત્ર ઓગસ્ટ મહિનાના એક જ મહિનામાં 48 પોક્સો કેસમાં સજાના ચુકાદા આવ્યા છે તે પૈકી 35 ને આજીવન કેદની સજા ફટકારાઈ છે.
કડકમાં કડક સજા અપાવી ઉદાહરણ બેસાડયું સમાજમાં
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, “ગુજરાતમાં દીકરીઓ તરફ કુદ્રષ્ટિ કરનારા કોઈપણ નરાધમ માટે કોઈ દયા કે છૂટછાટ હોઈ જ ન શકે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે POCSO કેસો માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ્સ અને સુદ્રઢ કાયદાકીય માળખું ઊભું કર્યું છે, જેના પરિણામે આજે પીડિતા અને તેના પરિવારને મહિનાઓ કે વર્ષો નહીં પરંતુ ગણતરીના દિવસોમાં ઝડપી ન્યાય મળી રહ્યો છે. માત્ર 72 કલાકમાં ચાર્જશીટથી ચુકાદા સુધી પહોંચવું એ ગુજરાત પોલીસની ઉત્કૃષ્ટ અને વૈજ્ઞાનિક તપાસ તેમજ ન્યાયતંત્રના કડક અને પ્રશંસનીય અભિગમનું પરિણામ છે. હું ગુજરાત પોલીસ અને ન્યાયતંત્રને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું. અમારો સ્પષ્ટ સંકલ્પ છે કે આવા ગુનેગારોને સમાજમાં દાખલો બેસે તેવી કડકમાં કડક સજા અપાવીને જ જંપીશું.”
પોકસોના કેસમાં ચાર્જશીટ વહેલી કરવામાં આવે છે
રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે જણાવ્યું છે કે, આ પ્રકારના કેસોમાં અત્યંત સંવેદનશીલતાની સાથે સાથે જરૂરી ઝડપ અને કડકાઈ દાખવીને પોલીસ દ્વારા ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે છે. પીડિતા કે પીડિતાના પરિવારને ઝડપી ન્યાય મળે તે માટે પોલીસ દ્વારા ખાસ કરીને ઇન્વેસ્ટિગેશન દરમિયાન ‘સઘન તપાસ, કડક કાર્યવાહી અને ઝડપી ન્યાય’ના ત્રિ-સૂત્ર પર ફોકસ કરવામાં આવે છે. પોક્સો કેસોમાં ત્વરિત ચાર્જશીટ સાથે પ્રત્યેક કેસ ઝડપી અદાલત સુધી પહોંચે તેનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસ દ્વારા મોટાભાગના કેસોમાં 45 દિવસની અંદર ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી રહી છે, જેના કારણે કોર્ટ ટ્રાયલ વિના વિલંબે શરૂ થઈ શકે છે અને આરોપીઓને રેકોર્ડ સમયમાં કડક સજા અપાવી શકાય છે.
140 પોક્સો ગુનામાં પોલીસે એક દિવસથી લઈને 15 દિવસમાં ચાર્જશીટ કરી
છેલ્લા પાંચ વર્ષમાં 140 પોક્સો ગુનામાં પોલીસે એક દિવસથી લઈને 15 દિવસમાં ચાર્જશીટ કરી છે. 16 થી 30 દિવસમાં તપાસ પૂર્ણ કરીને 1339 ગુનાઓમાં ચાર્જશીટ કરી દેવાઈ છે. તેવી જ રીતે 31 થી 45 દિવસની ચાર્જશીટ કરી હોય તેવા 5463 ગુનાઓ છે. જે પોલીસ દ્વારા આ પ્રકારના કેસોમાં દાખવવામાં આવતી ગંભીરતા અને તેમાં તપાસની ઝડપ દર્શાવે છે. રાજ્ય સરકારના સુદ્રઢ કાયદાકીય માળખા અને પોલીસ-પ્રોસિક્યુશનના સંકલનથી ગુજરાતમાં દીકરીઓની સુરક્ષા વધુ મજબૂત બની છે અને ગુનેગારોમાં કાયદાનો ડર સ્થાપિત થયો છે.
આ પણ વાંચો : Dang Police ની મોટી કાર્યવાહી, કોર્ટના આદેશ બાદ ₹9.87 લાખનો દારૂનો મુદ્દામાલ નષ્ટ કરાયો

Vivek Shah
વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે





