Banaskantha Ambaji Temple : વૈષ્ણોદેવી ધામમાં 51 શક્તિપીઠની પવિત્ર માટીથી બનેલા શ્રીયંત્રનું પ્રતિષ્ઠાપન કરાયું

Banaskantha Ambaji Temple : જમ્મુ-કાશ્મીરના કટરા સ્થિત પવિત્ર માતા વૈષ્ણોદેવી ધામમાં અંબાજી મંદિર ટ્રસ્ટ અને અમદાવાદના જય ભોલે ગ્રુપના સંયુક્ત ઉપક્રમે બે વિશિષ્ટ શ્રીયંત્રોનું વિધિવત્ પ્રતિષ્ઠાપન કરવામાં આવ્યું છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 24 Oct 2026 03:12 PM IST
Banaskantha Ambaji Temple : વૈષ્ણોદેવી ધામમાં 51 શક્તિપીઠની પવિત્ર માટીથી બનેલા શ્રીયંત્રનું પ્રતિષ્ઠાપન કરાયુંBanaskantha Ambaji Temple : વૈષ્ણોદેવી ધામમાં 51 શક્તિપીઠની પવિત્ર માટીથી બનેલા શ્રીયંત્રનું પ્રતિષ્ઠાપન કરાયું

Panchdhatu Shri Yantra Installed

Banaskantha Ambaji Temple : આ ધાર્મિક આયોજનમાં અંદાજે 70 કિલો પંચધાતુમાંથી નિર્મિત શ્રીયંત્ર તેમજ દેશની 51 શક્તિપીઠોની પવિત્ર માટીમાંથી તૈયાર કરાયેલા વિશેષ શ્રીયંત્રનું અર્પણ કરવામાં આવ્યું હતું. વૈષ્ણોદેવી મંદિરના મુખ્ય પૂજારીના સાનિધ્યમાં વૈદિક મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે બંને શ્રીયંત્રોનું ગર્ભગૃહમાં પ્રતિષ્ઠાપન સંપન્ન થયું હતું. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અને અંબાજી મંદિર ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

આ આયોજનનું વિશેષ આકર્ષણ દેશની 51 શક્તિપીઠોમાંથી એકત્રિત કરાયેલી પવિત્ર માટીમાંથી તૈયાર કરાયેલું શ્રીયંત્ર રહ્યું હતું. ધાર્મિક માન્યતા અનુસાર, શક્તિપીઠો માતા સતીની ઉપાસના સાથે જોડાયેલાં પવિત્ર સ્થાનો છે. આ તમામ શક્તિધામોની માટીને એકત્ર કરીને શ્રીયંત્ર તૈયાર કરવાની પહેલને દેશની શક્તિ-ઉપાસનાની પરંપરાને એકસાથે જોડતા પ્રતીક તરીકે રજૂ કરવામાં આવી છે.

51 શક્તિપીઠની પવિત્ર માટીથી બનેલા શ્રીયંત્રનું પ્રતિષ્ઠાપન

આ ઉપરાંત, માતા ત્રિપુરસુંદરીની સાધનાના પ્રતીક તરીકે પંચધાતુમાંથી બનાવેલું શ્રીયંત્ર પણ વૈષ્ણોદેવી માતાના ચરણોમાં અર્પણ કરવામાં આવ્યું હતું. આયોજકોના જણાવ્યા અનુસાર, બંને શ્રીયંત્રોને શારદીય નવરાત્રિના પ્રથમ દિવસે દક્ષિણ ભારતના શ્રી શૃંગેરી શારદા પીઠમ્ ખાતે પરમ પૂજ્ય જગદ્ગુરુ શંકરાચાર્ય શ્રી શ્રી વિધુશેખર ભારતી મહાસ્વામીજી દ્વારા પૂજિત કરાવી આશીર્વાદ પ્રાપ્ત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે મિહિર પટેલે અંબાજી મંદિર ટ્રસ્ટ વતી જય ભોલે ગ્રુપ અમદાવાદ, દીપેશભાઈ અને તેમની ટીમ તેમજ શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડના પ્રશાસનનો આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર આયોજનમાં ધાર્મિક સંસ્થાઓ અને સેવાભાવી કાર્યકરોનો સહયોગ રહ્યો હતો.

અંબાજી ટ્રસ્ટની પહેલથી વૈષ્ણોદેવી મંદિરમાં વિશેષ ધાર્મિક અર્પણ

ગુજરાતનું અંબાજી ધામ અને જમ્મુ-કાશ્મીરનું વૈષ્ણોદેવી ધામ દેશભરના લાખો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનાં મહત્ત્વપૂર્ણ કેન્દ્રો છે. આ પહેલ દ્વારા બંને શક્તિધામો વચ્ચે ભક્તિ, સંસ્કૃતિ અને આધ્યાત્મિક પરંપરાનો સેતુ રચવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. 51 શક્તિપીઠોની માટી એકત્ર કરવાથી લઈને વૈષ્ણોદેવી ધામમાં શાસ્ત્રોક્ત વિધિથી શ્રીયંત્રોની સ્થાપના સુધીની આ સમગ્ર પ્રક્રિયા આયોજકોની ધાર્મિક શ્રદ્ધા અને સમર્પણનું પ્રતીક બની છે.

આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અને અંબાજી મંદિર ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલ, ટ્રસ્ટના વહીવટદાર કૌશિકભાઈ મોદી તથા જય ભોલે ગ્રુપના દીપેશભાઈ સહિત ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : Sundhiya Health Centre : વડનગરના સૂંઢિયામાં ₹6.4 કરોડના આધુનિક આરોગ્ય કેન્દ્રનું ઈ-લોકાર્પણ, ગ્રામજનોને મળશે સુવિધા

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે