Get News Alerts

Never miss breaking news updates.

Arvalli News : સરકારી નોકરી અપાવીશું કહી રૂ.88 લાખ પડાવ્યા, બંટી-બબલી સામે ગુનો નોંધી પોલીસે તપાસ કરી શરૂ

Arvalli News : મોડાસામાં સરકારી નોકરી અપાવવાના નામે રૂ.88 લાખની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 30 Aug 2026 09:25 AM IST
Arvalli News : સરકારી નોકરી અપાવીશું કહી રૂ.88 લાખ પડાવ્યા, બંટી-બબલી સામે ગુનો નોંધી પોલીસે તપાસ કરી શરૂArvalli News : સરકારી નોકરી અપાવીશું કહી રૂ.88 લાખ પડાવ્યા, બંટી-બબલી સામે ગુનો નોંધી પોલીસે તપાસ કરી શરૂ

Arvalli News

Arvalli News : મોડાસાના સોનીવાડા વિસ્તારમાં રહેતી 22 વર્ષીય આર્ચીબેન કડિયાએ મુકેશભાઈ વાલજીભાઈ પટેલ અને તેમની પત્ની વર્ષાબેન મુકેશભાઈ પટેલ વિરુદ્ધ મોડાસા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, આશરે ચાર વર્ષ અગાઉ ફરિયાદી પરિવારની આરોપી દંપતી સાથે ઓળખાણ થઈ હતી.

ત્યારબાદ ઓગસ્ટ 2025 દરમિયાન મુકેશભાઈ પટેલ અને તેમની પત્ની ફરિયાદીના ઘરે આવ્યા હતા. આ દરમિયાન મુકેશભાઈએ પોતે સ્પોર્ટ્સ વિભાગમાં અધિકારી તરીકે ઓર્ડર થવાનો હોવાનું જણાવી ફરિયાદીના ભાઈ મિતુલભાઈ તેમજ ફરિયાદીની બે માસીના દીકરાઓને સરકારી નોકરી અપાવવાની વાત કરી હતી.

₹88 લાખ આપ્યા અને સરકારી નોકરીના નામે ઠગાઈ

આરોપીઓએ એક વ્યક્તિ દીઠ રૂ.25 લાખનો ખર્ચ થશે તેમ કહી ત્રણ વ્યક્તિઓ માટે કુલ રૂ.75 લાખની માંગણી કરી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. શરૂઆતમાં એડવાન્સ રકમ આપ્યા બાદ સમયાંતરે વધુ રકમની માંગણી કરવામાં આવી હતી.

ફરિયાદી અને પરિવારજનો દ્વારા અલગ-અલગ તારીખે રોકડ તેમજ ઓનલાઈન વ્યવહાર મારફતે રૂપિયા ચૂકવવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે. એટલું જ નહીં, રૂપિયા ચૂકવવા માટે ઘરેણાં ગીરવે મૂકવામાં આવ્યા, માતાના દાગીના વેચવામાં આવ્યા તેમજ સંબંધીઓ અને ઓળખીતાઓના નામે લોન લેવામાં આવી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.

દાગીના ગીરવે મૂકી રૂપિયા આપ્યા

ફરિયાદ મુજબ, ફરિયાદીએ પોતાના મંગેતરના નામે રૂ.10 લાખની લોન અને મંગેતરના મિત્રના નામે રૂ.14 લાખની લોન મેળવી આરોપીઓને ચૂકવી હતી. આરોપીઓ રોકડમાં રૂપિયા આપવાનું કહેતા અને ઓનલાઈન વ્યવહારથી ઉપરના અધિકારીઓને રૂપિયા આપવામાં મુશ્કેલી પડશે તેમ કહેતા હોવાનો પણ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.

સમય પસાર થવા છતાં નોકરીના ઓર્ડર ન મળતાં પરિવારજનોએ આરોપીઓ પાસે રૂપિયા પરત માંગ્યા હતા. દરમિયાન 19 જુલાઈ 2026ના રોજ આરોપીઓ મોડાસાની વૃંદાવન સોસાયટી ખાતેનું મકાન ખાલી કરીને અન્યત્ર જતા રહ્યા હોવાનું પરિવારને જાણવા મળ્યું હતું.

મોડાસા રૂલર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ

ત્યારબાદ શામળાજી રોડ પર આવેલા કિટલી કાફે ખાતે આરોપીઓ સાથે મુલાકાત થઈ હતી. રૂપિયા પરત માંગતા આરોપીઓએ રૂ.88 લાખમાંથી રૂ.60 લાખ ઉપરી અધિકારીને આપી દીધા હોવાનું જણાવ્યું હતું અને હાલ પૈસાની સગવડ ન હોવાથી સગવડ થતાં રૂપિયા પરત આપવાની વાત કરી હતી. જોકે આજદિન સુધી રૂપિયા પરત ન મળતાં આખરે આર્ચીબેન કડિયાએ મોડાસા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે સમગ્ર મામલે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે. આરોપો અંગે પોલીસ તપાસ બાદ હકીકત સ્પષ્ટ થશે.

આ પણ વાંચો : PM Modi In Uzbekistan : PM મોદીની ઉઝબેકિસ્તાન યાત્રા શરૂ, વેપારથી ડિજિટલ કનેક્ટિવિટી સુધી થશે મહત્વની ચર્ચા

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.