Get News Alerts

Never miss breaking news updates.

Amreli માં 5 વર્ષના બાળકનું અપહરણ, 15 કલાકમાં 170 CCTV ફૂટેજ ચકાસી પોલીસે આરોપીને ઝડપી પાડ્યો

Amreli જિલ્લાના મોટા આંકડિયા વિસ્તારમાંથી પાંચ વર્ષના બાળકના અપહરણની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. મધ્યપ્રદેશના પરપ્રાંતિય ખેત મજૂર પરિવારના પાંચ વર્ષના પુત્રનું બાઈક પર અપહરણ કરવામાં આવ્યું હતું.
Vivek Shah
Vivek ShahUpdated on: 10 Sep 2026 08:14 AM IST
Amreli માં 5 વર્ષના બાળકનું અપહરણ, 15 કલાકમાં 170 CCTV ફૂટેજ ચકાસી પોલીસે આરોપીને ઝડપી પાડ્યોAmreli માં 5 વર્ષના બાળકનું અપહરણ, 15 કલાકમાં 170 CCTV ફૂટેજ ચકાસી પોલીસે આરોપીને ઝડપી પાડ્યો

Amreli Police

Amreli : ઘટનાની જાણ થતાં જ અમરેલી પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી અને ગણતરીના કલાકોમાં બાળકને શોધી કાઢી પરિવારને સોંપવામાં સફળતા મેળવી હતી. મળતી માહિતી મુજબ, આરોપી લલિતને બાળકના પિતા સાથે ઓળખાણ હતી.

આ ઓળખાણનો લાભ લઈને આરોપી બાળકને પોતાની સાથે બાઈક પર લઈ ગયો હતો અને ત્યારબાદ ફરાર થઈ ગયો હતો. પરિવારને બાળક ગુમ થયાની જાણ થતાં પોલીસને જાણ કરવામાં આવી હતી.

બાઈકના નંબર પરથી ઝડપાયો આરોપી

બાળકની શોધખોળ માટે અમરેલી પોલીસે તાત્કાલિક વિવિધ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે ઘટનાસ્થળથી લઈને સંભવિત માર્ગો પરના CCTV કેમેરાના ફૂટેજ ચકાસવાનું શરૂ કર્યું હતું. બાળકને સુરક્ષિત રીતે શોધી કાઢવા માટે માત્ર 15 કલાકના સમયગાળામાં આશરે 170 જેટલા CCTV ફૂટેજની તપાસ કરવામાં આવી હતી.

આ કેસમાં સૌથી મહત્વની બાબત એ હતી કે અપહરણ કરનાર આરોપી મોબાઈલ ફોનનો ઉપયોગ કરતો ન હતો. જેના કારણે પોલીસ માટે મોબાઈલ લોકેશનના આધારે આરોપીને શોધવો શક્ય નહોતો. જોકે, પોલીસે હિંમત હાર્યા વિના બાઈક નંબરને મહત્વની કડી બનાવી તપાસ આગળ ધપાવી હતી.

પોલીસે અલગ-અલગ સીસીટીવી ફૂટેજના આધારે કામગીરી કરી

અમરેલી નેત્રમ તેમજ ગાંધીનગર સ્ટેટ કંટ્રોલ નેત્રમની મદદ પણ પોલીસ તપાસમાં કારગત સાબિત થઈ હતી. CCTV ફૂટેજ અને બાઈક નંબરના આધારે પોલીસે આરોપીની હિલચાલ અંગે મહત્વની માહિતી મેળવી હતી અને તપાસને આગળ વધારી હતી. અંતે પોલીસને સફળતા મળી અને ગોંડલના વીરપુર વિસ્તારમાંથી અપહરણ કરનાર લલિતને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપીના કબજામાં રહેલા પાંચ વર્ષના બાળકને પોલીસે સુરક્ષિત રીતે મુક્ત કરાવ્યું હતું.

બાળકને સુરક્ષિત રીતે તેના પરિવારજનોને સોંપવામાં આવતા પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો. ઘટનાની ઝડપી તપાસ અને બાળકને ટૂંકા સમયમાં શોધી કાઢવા બદલ અમરેલી પોલીસની કામગીરીની પ્રશંસા થઈ રહી છે. આ સમગ્ર કેસમાં 170 જેટલા CCTV ફૂટેજની તપાસ, બાઈક નંબરની કડી અને અમરેલી તથા ગાંધીનગર નેત્રમની મદદ પોલીસ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ હતી. પોલીસે હવે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને અપહરણ પાછળના અન્ય કોઈ કારણો અથવા સંડોવણી અંગે પણ તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Arvalli : ધારાસભ્ય પી.સી. બરંડાની રજૂઆત રંગ લાવી, પાંચ ગામોના તળાવોમાં છોડાયું પાણી

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.