Police Panchat : લો બોલો રિટાચર્ડ પોલીસ કર્મીએ PI નું 3 લાખનું કરી નાખ્યું ? 2 પોલીસ સ્ટેશનની દિવાળી કેમ બગડી?

GROWTH NOW NEWS ડિજીટલ દ્વારા દર રવિવારે સ્પેશિયલ સ્ટોરી પોલીસ પંચાયત પ્રસિદ્ધ કરવામાં આવે છે, જેમાં તમને અમદાવાદ શહેર પોલીસની ગુપ્ત વાતો વાંચવા મળશે.
Vivek Shah
Vivek ShahUpdated on: 25 Oct 2026 07:23 AM IST
Police Panchat : લો બોલો રિટાચર્ડ પોલીસ કર્મીએ PI નું 3 લાખનું કરી નાખ્યું ? 2 પોલીસ સ્ટેશનની દિવાળી કેમ બગડી?Police Panchat : લો બોલો રિટાચર્ડ પોલીસ કર્મીએ PI નું 3 લાખનું કરી નાખ્યું ? 2 પોલીસ સ્ટેશનની દિવાળી કેમ બગડી?

Police Panchat

પોલીસ પંચાતમાં દર અઠવાડિયે GROWTH NOW NEWS દ્વારા પોલીસ વિભાગમાં ચાલતી ચર્ચાઓ, અમુક એવી ઈન્ટર્નલ ઘટનાઓ કે જે કદાચ લાગે નાની પણ બહાર પડે તો નોંધ લેવા જેવી બની જાય. આ એક એવી રેગ્યુલર કોલમ છે કે જેના માધ્યમથી અમે પોલીસ વિભાગનું જ ધ્યાન દોરીને ક્યાંક ત્રુટી રહી ગઈ હોય તો તેને સરખી કરવા માટેનું પરિબળ બની રહેવા માંગીએ છે. વાંચો આ વખતે શું ખાસ છે પોલીસ પંચાતમાં.

એક રિટાયર્ડ પોલીસકર્મીએ PIનું 3 લાખનું બક્કલ ઉડાવ્યું કે શું!

સાબરમતી પોલીસ સ્ટેશન અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમની નજીક એક વિશાળ પોલીસ સ્ટેશન આવ્યું છે અને આ પોલીસ સ્ટેશનમાં અગાઉ વહિવટ કરતા અને હાલમાં રિટાયર્ડ પોલીસકર્મીએ સટ્ટાના બહાને અને રૂપિયાની જરૂર છે તેમ કહી એક સટોડિયા પાસેથી રૂપિયા 3 લાખ ઉઘરાવી દીધા હોવાની વાત સામે આવી છે, મારે રૂપિયાની જરૂર છે એમ કહી બુકીને બોલાવ્યો અને પીઆઈના નામે રૂપિયા લઈ લીધા હોવાની વાત સામે આવી છે, તો આ પોલીસકર્મી અગાઉ પણ વિવાદમાં આવ્યો હતો અને તેણ બિંદાસ પણ રૂપિયા લઈ લીધા છે.

પીઆઈને રૂપિયાની જરૂર નથી અને પીઆઈએ કોઈ બુકીને પણ બોલાવ્યા નથી તેમ છત્તા બેફામ રીતે પીઆઈનું નામ વટાવીને નવીન રીતે આ રૂપિયા ઉઘરાવી લીધા હોવાની વાત સામે આવી છે, તો પીઆઈએ બોલાવીને ખખડાવ્યા તેમ છત્તા આ પોલીસકર્મીને કંઈ ફરક પડયો ન હતો અને બિંદાસ રીતે પીઆઈને જવાબ પણ આપતો હતો, રિટાયર્ડ તો થઈ ગયા પણ કોઈના નામે બુચ મારવાની ટેવ હજી ગઈ નથી એમને, જરા સુધરી જાવ સુધરી જાવ અને હજી તમારે નવા પોલીસ સ્ટેશન બન્યા તેમાં વહિવટ પણ લેવો છે?

બે પોલીસ સ્ટેશનની દિવાળી બગડી કે શું?

અમદાવાદ શહેરમાં આવેલા બે પોલીસ સ્ટેશનમાં ડ્રાય માહોલ સર્જાયો છે, અચાનક ઉચ્ચ અધિકારીએ સર્જીકલ સ્ટ્રાઈક કરતા વિસ્તારમાં સોપો પડી ગયો છે અને વહિવટદાર પણ ચિંતામાં મૂકાયા છે કે હવે કરવું તો શું કરવું અને દિવાળી કંઈ રીતે કાઢીશું, ત્યારે ગીતા મંદિરની નજીક અને એરપોર્ટની નજીક આવેલા બે પોલીસ સ્ટેશનમાં ડ્રાય માહોલ છે, કેમકે દારૂ અને જુગારના અડ્ડા તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યા છે, ઉચ્ચ અધિકારીએ પીઆઈનો વારો પાડી દીધો હોવાની વાત સૂત્રો તરફથી મળી છે.

તો કામગીરીને લઈ ઉચ્ચ અધિકારી નારાજ હોવાની વાત પણ સામે આવી છે. તો દિવાળીનો સમય પણ નજીક છે અને ઉચ્ચ અધિકારીઓ અને અન્ય અધિકારીઓની વર્ધી કેમ કાઢીશું તેને લઈ વહિવટદારો પણ ચિતિંત થયા છે, ત્યારે આ બે વિસ્તારમાં કંઈક નવા જુની થાય તેવી પણ શકયતાઓ સેવાઈ રહી છે, તો આ બે પોલીસ સ્ટેશનના વહિવટદારોની ઉંઘ પણ ઉડી ગઈ છે અને દિવાળી પહેલા જ ફટાકડા ફૂટી ગયા હોવાની ચર્ચા પોલીસ બેડામાં ચર્ચાઈ રહી છે.

હંસપુરા પોલીસ સ્ટેશનમાં નવા વહિવટદાર ચૌધરી સાહેબ વિસ્તારમાં દબદબો જરૂર રાખશે

અમદાવાદ શહેરમાં વસ્ત્રાલ, હંસપુરા અને મોટેરા પોલીસ સ્ટેશન નવા બન્યા છે અને આ 3 પોલીસ સ્ટેશનમાં પીઆઈની નિમણૂંક પણ પોલીસ કમિશનરે કરી છે, પોલીસ સ્ટેશન નવું હોય કે જુનું હોય પણ વહિવટદાર વિના પીઆઈને ના ચાલે, હા હંસપુરા પોલીસ સ્ટેશનમાં પીઆઈની નિમણૂંક કરવામાં આવી છે અને વહિવટદાર તરીકે અનિકેત ચૌધરી સાહેબે ચાર્જ સંભાળી લીધો છે, તો અનિકેત ભાઈની નોકરી ટ્રાફિક-જી ડિવિઝનમાં અને વહિવટ હંસપુરાનો લીધો છે, તો હવે અનિકેત ભાઈ નોકરી કરવા ટ્રાફિક-જી ડિવિઝનમાં જશે કે નહી તેને લઈ ચર્ચા ઉઠી છે, તો અનિકેત ચૌધરીને અમદાવાદ શહેરના મોટા વહિટદારોના આશીર્વાદથી આ વહિવટ મળ્યો હોવાની વાત સૂત્રો તરફથી સામે આવી છે.

થોડા રૂપિયાના ભાગમાં અનિકેતભાઈનું નસીબ પણ કામ કરી ગયું છે, ત્યારે અનિકેતભાઈની ઉપર પણ મુખ્ય વહિવટદાર હોવાની વાત પોલીસબેડામાં ચર્ચાઈ રહી છે પણ તે મોહરૂ બનવા માંગતા નથી, તો અનિકેતભાઈ વહિવટ લીધો એનો વાંધો નહી પણ વિસ્તારમાં બુમ ના પડાવતા, જરા જોજો અને સંભાળજો.

ટ્રાફિકમાં બધુ બંધ છે તો પણ વહિવટદારોને ખુરશીનો મોહ છૂટતો નથી

અમદાવાદ શહેરમાં સ્થળ પર મેમો આપવાની અને દંડની કામગીરી શહેર પોલીસ કમિશનરે બંધ કરાવી છે, જો તમે ટ્રાફિકના નિયમોનો ભંગ કરશો તો ઓનલાઈન મેમો તો આવશે જ પણ સ્થળ પર મેમો આપવાની કામગીરી બંધ છે, પહેલા એવી સિસ્ટમ હતી કે ટ્રાફિકમાં સારા પોઈન્ટ પર નોકરી કરવી હોય તો વહિવટદાર કહે તેને જ પીઆઈ ત્યાં મૂકતા હતા અને સારી મલાઈ પણ મળતી હતી.

દિવાળીનો સમય છે અને ટ્રાફિકમાં વહિવટ કરતા વહિટદારો પણ અકળાયા છે કે, બજારમાંથી મીઠાઈ પણ આવતી નથી અને વર્ધીઓ પણ અધિકારીઓની ચાલુ જ છે, કંઈ મળતું નથી તેમ છત્તા વહિવટદારો સીટ છોડતા નથી, મહત્વની વાત તો એ છે કે, કંઈ મળતું નથી તેમ છત્તા અધિકારીઓના પગ કેમ દબાવતા હશે તેમ સમજાતું નથી. ટ્રાફિકમાં હાલમાં કંઈ છે નહી તેમ છત્તા જે વહિવટદારો છે તે તો એમના એમ જ છે તેમને કોઈ ફરક પડતો જ નથી અને વહિવટદારનો ટેગ લઈને ફરી રહ્યાં છે.

શાબાશ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને સુરત ક્રાઈમ બ્રાન્ચ,જેણે ડ્રગ્સનું ઓપરેશન પાર પાડયું

અમદાવાદ અને સુરત ક્રાઈમ બ્રાન્ચે સંયુક્ત ઓપરેશનમાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પરથી દિલ્હી-યુપીના 3 શખસોને ઝડપ્યા છે. તેમની કારમાંથી ચોકલેટ-એનર્જી ડ્રિન્ક્સના પેકિંગમાં છુપાવેલું 4.531 કિલો હેરોઇન અને 2.497 કિલો મેફેડ્રોન મળી કુલ રૂ. 25.65 કરોડથી વધુનો ડ્રગ્સ જથ્થો જપ્ત કરાયો છે. આ નેટવર્ક અફઘાનિસ્તાનથી ડ્રોન મારફતે ડ્રગ્સ ઘુસાડતું હતું. રાજ્યને નશા મુક્ત બનાવવાના અભિયાન હેઠળ સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ અને અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે સંયુક્ત ઓપરેશન પાર પાડીને આંતરરાષ્ટ્રીય સ્તરે નશીલા પદાર્થોની હેરાફેરી કરતી ગેંગના 3 સાગરીતોને ઝડપી લીધા છે.

અમદાવાદ શહેર પોલીસ કમિશનર જ્યારે સુરત શહેરના પોલીસ કમિશનર હતા, ત્યારથી મળેલી સૂચના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ છેલ્લા દોઢ વર્ષથી આ ગેંગ પર વોચ રાખી રહ્યા હતા. આ દરમિયાન 21મી ઓક્ટોબરના રોજ સુરત ક્રાઈમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળી હતી કે આ ગેંગના શખસો મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો લઈને અમદાવાદ આવી રહ્યા છે. આ માહિતીના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ સાથે સંકલન સાધી અલગ-અલગ ટીમો રચી ઓપરેશનને પાર પાડયું હતુ.

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે