Police Panchat : દિવાળી આવી ઉઘરાણી લાવી ! ઈન્ફોસિટી પોલીસ મથકમાં બદલી થયા પછી પણ કર્મચારીને છુટો નથી કરાયો?



Police Panchat
Police Panchat : દિવાળી આવી ઉઘરાણી લાવી ! ઈન્ફોસિટી પોલીસ મથકમાં બદલી થયા પછી પણ કર્મચારીને છુટો નથી કરાયો?



Police Panchat
પોલીસ પંચાતમાં દર અઠવાડિયે GROWTH NOW NEWS દ્વારા પોલીસ વિભાગમાં ચાલતી ચર્ચાઓ, અમુક એવી ઈન્ટર્નલ ઘટનાઓ કે જે કદાચ લાગે નાની પણ બહાર પડે તો નોંધ લેવા જેવી બની જાય. આ એક એવી રેગ્યુલર કોલમ છે કે જેના માધ્યમથી અમે પોલીસ વિભાગનું જ ધ્યાન દોરીને ક્યાંક ત્રુટી રહી ગઈ હોય તો તેને સરખી કરવા માટેનું પરિબળ બની રહેવા માંગીએ છે. વાંચો આ વખતે શું ખાસ છે પોલીસ પંચાતમાં.
દિવાળીના ઉઘરાણા પોલીસે અત્યારથી જ શરૂ કરી દીધા!
એક તરફ નવરાત્રિનો માહોલ જામ્યો છે તો બીજી તરફ સૌથી મોટો તહેવાર દિવાળી આવી રહ્યો છે, ત્યારે પોલીસ પણ નવરાત્રિની સુરક્ષા સાથે દિવાળીના તહેવારની તૈયારી કરવા લાગી છે, પણ શેની તૈયારી તો હા તૈયારી ઉઘરાણાની છે અને પોલીસે ધીરે ધીરે આ ઉઘરાણા શરૂ કરી દીધા છે. વહિવટદાર બજારમાં ફરતા થઈ ગયા છે અને ઉઘરાણા ધીમી ગતિએ શરૂ કરી દીધા છે. મોટા વેપારીઓ અને બુકીઓ પાસેથી પોલીસે ધીરે ધીરે ઉઘરાણા શરૂ કરી દીધા છે.
પોલીસ સ્ટેશનના ખર્ચાના નામે આ ઉઘરાણા શરૂ કરવામાં આવ્યા હોવાની વાત સામે આવી છે, ત્યારે આખા વર્ષનું કઈ સમજો અને પોલીસ તો તમારી મદદે જ છે તેમ કહી ઉઘરાણા શરૂ કરી દીધા હોવાની વાત બજારમાં વહેતી થઈ છે. જેવો વેપારી અને જેવો માણસ તેની સાથે તેવો સારો વ્યવહાર કરીને પોલીસે ખિસ્સા ભરવાનું કામ શરૂ કર્યુ છે અને અધિકારીઓને પણ મજા પડી જશે અને દિવાળીમાં સારૂ પેકેજ પણ મળે તો નવાઈ નહી.
SPએ આશિષસિંહની બદલી તો કરી પણ કોણ તેમને છૂટા નથી કરતું?
ગાંધીનગરના ઈન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં વર્ષોથી એક હથ્થું શાસન ચલાવતા આશિષસિંહ કે જેઓ ઈન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા અને એક હથ્થું વહિવટ પણ ધમધમાવી રહ્યાં છે, એસપી દ્વારા તેમની બદલી કરવામાં આવી છે પણ પીઆઈ તેમને છૂટા નહી કરતા હોવાની વાત ગાંધીનગર પોલીસબેડામાં ચર્ચાઈ રહી છે ત્યારે આશિષસિંહને એવા તો કોના આશિર્વાદ છે કે તેમને છૂટા કરવામાં આવતા નથી, એવું તો આશિષસિંહ શું કરી રહ્યાં છે કે, પીઆઈને પણ આશિષસિંહ સિવાય ચાલતું નથી.
તો આશિષસિંહને આશિષ આપી છૂટા કરવામાં આવે તો અન્ય પોલીસને પણ હાશકારો થાય, આશિષસિંહે અત્યારસુધીમાં તો મલાઈ અને હલવો ઘણું બધુ ખાધું છે પણ કહેવાય છે ને કે સત્તાનો નશો અને ખુરશીનો નશો કંઈક અલગ જ હોય છે તેવું ચિત્ર ઉપસી આવ્યું છે, આશિષસિંહ તમને તો ઉપરી અધિકારીના આશિર્વાદ છે પણ નાની પોલીસનું પણ ધ્યાન રાખશો તો એમના પણ આશિષ તમને મળશે.
હંસપુરા અને મોટરા પોલીસ સ્ટેશનનો વહિવટ મેળવવા વિસ્તારના જુના વહિવટદારોએ PIના પગ પકડી લીધા
અમદાવાદ પોલીસમાં નવા 3 પોલીસ સ્ટેશનને મંજૂરી મળી ગઈ છે અને જે તે પોલીસ સ્ટેશનમાં પીઆઈને નિમણૂંક પણ આપી દીધી છે, ત્યારે હંસપુરા અને મોટેરા પોલીસ સ્ટેશનનો વહિવટ મેળવવા માટે જૂના વહિવટદારો સક્રિય થયા છે, વિસ્તાર મોટો હોવાથી કંઈક પ્રસાદ સારો મળશે તેવી આશા સાથે નવરાત્રિના સમયમાં વહિવટદારોએ પીઆઈને ફોન કરી મુલાકાતનો સમય પણ માંગ્યો છે અને અન્ય પીઆઈની ભલામણો પણ શરૂ કરી દીધી છે.
ત્યારે હંસપુરામાં તો વહિવટદાર નક્કી પણ થઈ ગયો હોવાની વાત સૂત્રો તરફથી સામે આવી રહી છે, તો મોટેરા પોલીસ સ્ટેશનમાં રિટાયર્ડ પોલીસકર્મી વહિવટ લેવા માટે રાત દિવસ એક કરી રહ્યાં છે, તો વહિવટદાર તો રાખવવાના જ છે પણ કોને વહિવટ આપવો અને કોની પર વિશ્વાસ મૂકવો એ તો પીઆઈ જ નક્કી કરશે.
નવરાત્રિમાં ઉચ્ચ અધિકારીઓ પાસની વર્ધી ભરાવતા વહિવટદારો લાલઘૂમ થઈ ગયા
નવરાત્રિનો સમય હોય એટલે સૌ કોઈને પાસ જોઈએ અને મફતના પાસ લેવા કોને ના ગમે ભલે ને પછી પાસ મેળવી માણસો અન્યને પાસ આપી દે પણ નવરાત્રિમાં પાસ તો જોઈએ જ, અમદાવાદ શહેરમાં એસજી હાઈવે પર ઘણા પાર્ટી પ્લોટમાં સારા ગરબા થાય છે અને આ ગરબામાં પાસ તો જોઈએ તો જ એન્ટ્રી થાય, તો પાસના ચક્કરમાં ઘણા વહિવટદારોએ અધિકારીઓના ફોન પણ ઉપાડવાના બંધ કરી દીધા છે તો ઘણા વહિવટદારો કહી રહ્યાં છે કે, શું પાસ આપીએ પાસ તો અધિકારીઓ માટે છે, તો પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ઘણા પોલીસકર્મીઓને પણ તેમના વિસ્તારમાં થતા ગરબાના પાસ મળતા નથી અને ઢીલા મોઢે ઘરે પરત ફરવું પડે તેવો વારો આવ્યો છે.
અને આ વાત સત્ય છે, ત્યારે નાની પોલીસને પણ ગરબામાં જઉં હોય પરિવાર સાથે તો પોલીસ સ્ટેશનના વહિવટદાર પાસે પાસની માંગણી કરે પણ ડિવિઝન, ઝોન, અને અન્ય એજન્સીઓના પીઆઈ ધરાઈને પાસ ઉઘરાવી લેતા હોય છે જેના કારણે વહિવટદારો પણ ચિંતામાં મૂકાતા હોય છે કે અમારા સબંધમાં કોને કોને પાસ આપવા અને કોને નહી આપવા.
નવરાત્રિમાં એસજી હાઈવે પર ટ્રાફિકના ના થાય તેને લઈ ટ્રાફિક પોલીસે આયોજન તો કર્યુ પણ નિષ્ફળતા સામે ઉભરી આવી કે શું?
અમદાવાદ શહેર વિકસિત શહેર છે પણ તેની સામે શહેરનો ટ્રાફિક અમદાવાદ પોલીસ માટે પડકારજનક છે, અમદાવાદ શહેરમાં નવરાત્રિના ગરબા એસજી હાઈવે પર આવેલા પાર્ટી પ્લોટમાં સૌથી વધારે થતા હોય છે અને પોલીસે પણ ટ્રાફિક ના થાય તેને લઈ આયોજન કર્યુ. આઈપીએસ અધિકારીઓ પણ ફિલ્ડમાં ઉતર્યા અને પ્લાન નક્કી કર્યો પણ તે પ્લાન પ્રમાણે જોવા જઈએ તો હાલની સ્થિતિ કંઈક અલગ છે, શહેરમાં સાંજે 7 વાગતાની સાથે જાણે વાહનોનો જામ થતો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે.
કયાં કારણોસર આ ટ્રાફિક દિવસેને દિવસે વધતો જાય છે તે ખબર પડતી નથી, ગરબા રમવા જઉં હોય તો ઘરે થી પણ બે કલાક પહેલા નીકળીએ તો સારૂ રહેશે તેવું શહેરીજનો વિચારતા હોય છે પણ જેવા એસજી હાઈવે પર આવો તો તમને ટ્રાફિકની લાંબી લાઈનો જોવા મળતી હોય છે ત્યારે આ ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે શું કરવું તે હવે પોલીસતો ઠીક પણ શહેરજનો પણ આ સમસ્યાથી કંટાળી ગયા છે.

Vivek Shah
વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે





