Ahmedabad News: એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, દુબઈથી આવેલા મુસાફરની ટ્રોલી બેગમાંથી 133.450 ગ્રામ સોનું ઝડપાયું


Ahmedabad News
Ahmedabad News: એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, દુબઈથી આવેલા મુસાફરની ટ્રોલી બેગમાંથી 133.450 ગ્રામ સોનું ઝડપાયું


Ahmedabad News
Ahmedabad News: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે સોનાની દાણચોરી સામે મોટી કાર્યવાહી કરી છે. દુબઈથી આવેલા એક મુસાફરની ટ્રોલી બેગમાંથી સોનાની પેસ્ટ સ્વરૂપે છુપાવવામાં આવેલું 133.450 ગ્રામ સોનું જપ્ત કરવામાં આવ્યું છે. જપ્ત કરાયેલા સોનાની બજાર કિંમત રૂપિયા 20.12 લાખથી વધુ હોવાનું જાણવા મળ્યું છે.
આ મુસાફર દુબઈથી અમદાવાદ આવ્યો હતો
મળતી માહિતી મુજબ, અમદાવાદ કસ્ટમ્સની એર ઈન્ટેલિજન્સ યુનિટ (AIU)ની ટીમે એરપોર્ટ પર શંકાસ્પદ હિલચાલના આધારે એક મુસાફરને અટકાવ્યો હતો. આ મુસાફર દુબઈથી અમદાવાદ આવ્યો હતો. તપાસ દરમિયાન તેની ટ્રોલી બેગની અંદર કપડાના પેચમાં સોનાની પેસ્ટ છુપાવવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. કસ્ટમ્સ અધિકારીઓએ બેગની ઝીણવટભરી તપાસ કરતાં સોનાની પેસ્ટ મળી આવી હતી. ત્યારબાદ પેસ્ટને ઓગાળવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયા બાદ 24 કેરેટનું 133.450 ગ્રામ સોનું પ્રાપ્ત થયું હતું. તેની અંદાજિત બજાર કિંમત ₹20.12 લાખથી વધુ આંકવામાં આવી છે.
કસ્ટમ્સ વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ
આ મામલે ઉત્તર પ્રદેશના 29 વર્ષીય યુવક સામે કાર્યવાહી કરવામાં આવી છે. વિદેશથી સોનું લાવીને કસ્ટમ્સની નજરથી બચવા માટે તેને પેસ્ટના સ્વરૂપમાં છુપાવવામાં આવ્યું હોવાની વિગતો સામે આવી છે. જોકે, સોનાની દાણચોરી પાછળના હેતુ અને આ કૃત્યમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે અંગે તપાસ ચાલુ છે. ઉલ્લેખનીય છે કે, વિદેશથી સોનાની દાણચોરી રોકવા માટે એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગની AIU ટીમ દ્વારા મુસાફરો અને તેમના સામાન પર સતત નજર રાખવામાં આવે છે. શંકાસ્પદ કિસ્સાઓમાં સઘન તપાસ કરીને સોનું તથા અન્ય પ્રતિબંધિત વસ્તુઓ જપ્ત કરવામાં આવે છે. અમદાવાદ કસ્ટમ્સ વિભાગ દ્વારા હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસમાં સોનાના સ્ત્રોત, તેની હેરફેર અને સંભવિત દાણચોરીના નેટવર્ક અંગે વધુ વિગતો બહાર આવવાની શક્યતા છે.





