Indian Railway: IRCTCનો નવો રેકોર્ડ, એક જ દિવસમાં 20 લાખથી વધુ રેલવે ટિકિટ બુક; જાણો કેવી રીતે શક્ય બન્યું



Indian Railway
Indian Railway: IRCTCનો નવો રેકોર્ડ, એક જ દિવસમાં 20 લાખથી વધુ રેલવે ટિકિટ બુક; જાણો કેવી રીતે શક્ય બન્યું



Indian Railway
Indian Railway: ભારતીય રેલવેની ઓનલાઈન ટિકિટ બુકિંગ સેવા IRCTCએ એક દિવસમાં 20 લાખથી વધુ ટિકિટ બુક કરવાનો નવો રેકોર્ડ બનાવ્યો છે. IRCTCના જણાવ્યા અનુસાર 7 સપ્ટેમ્બર 2026ના રોજ કુલ 20,06,353 ટિકિટ બુક કરવામાં આવી હતી. તહેવારોની સિઝન દરમિયાન એડવાન્સ રિઝર્વેશન પિરિયડ (ARP) હેઠળ વધેલી બુકિંગને આ રેકોર્ડનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે.
અગાઉનો રેકોર્ડ પણ તૂટ્યો
IRCTCના આંકડા અનુસાર, અગાઉ એક દિવસમાં સૌથી વધુ આશરે 18.40 લાખ ટિકિટ બુક કરવાનો રેકોર્ડ હતો. હવે પ્રથમ વખત એક દિવસમાં 20 લાખનો આંકડો પાર થયો છે. આ ઉપરાંત 8 સપ્ટેમ્બરે પણ આશરે 19.50 લાખ ટિકિટ બુક થઈ હતી. રેલવેના જણાવ્યા મુજબ મુસાફરોમાં ઓનલાઈન ટિકિટ બુકિંગનો ક્રેઝ સતત વધી રહ્યો છે અને લોકો અગાઉની સરખામણીએ ઈન્ટરનેટ દ્વારા રિઝર્વ ટિકિટ બુક કરવાનું વધુ પસંદ કરી રહ્યા છે.
89 ટકા રિઝર્વ ટિકિટ ઓનલાઈન બુક થાય છે
IRCTCના આંકડાઓ દર્શાવે છે કે હાલમાં રિઝર્વ ટિકિટોમાંથી આશરે 89 ટકા ટિકિટ ઓનલાઈન બુક થઈ રહી છે. જ્યારે માત્ર લગભગ 11 ટકા રિઝર્વ ટિકિટ ઓફલાઈન માધ્યમથી બુક કરવામાં આવે છે. આ આંકડા રેલવે ટિકિટ બુકિંગમાં ડિજિટલ માધ્યમના વધતા ઉપયોગને દર્શાવે છે.
નવા સર્વરથી સિસ્ટમની ક્ષમતા વધી
IRCTCએ ટિકિટ બુકિંગ સિસ્ટમને વધુ ઝડપી અને મજબૂત બનાવવા માટે જૂના સર્વરોને બદલે નવા સર્વર લગાવ્યા છે. NGet Refresh હેઠળ કરવામાં આવેલા ફેરફારોથી સિસ્ટમની ક્ષમતા લગભગ બમણી થઈ હોવાનો IRCTCનો દાવો છે. આ ઉપરાંત 15 જુલાઈ 2026થી નવું બીટા ઈન્ટરફેસ પણ શરૂ કરવામાં આવ્યું છે. તેમાં સ્લીપર, એસી 3 ટિયર અને એસી 2 ટિયર જેવી કેટેગરીમાં સીટની ઉપલબ્ધતા એક જ સ્ક્રીન પર જોવા મળે છે. જેના કારણે મુસાફરો માટે ટિકિટ બુકિંગની પ્રક્રિયા વધુ સરળ બની છે.
BOT ટ્રાફિકમાં 55થી 65 ટકાનો ઘટાડો
IRCTC દ્વારા ટિકિટ બુકિંગ સિસ્ટમમાં Anti-BOT અને CDN ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. IRCTCના જણાવ્યા અનુસાર આ ટેક્નોલોજીના ઉપયોગથી BOT ટ્રાફિકમાં આશરે 55થી 65 ટકા સુધીનો ઘટાડો થયો છે. આ ઉપરાંત ફેક વેબસાઇટ અને નકલી એપ્લિકેશન સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેથી મુસાફરોને સુરક્ષિત ઓનલાઈન બુકિંગનો અનુભવ મળી શકે.
એજન્ટોની ટિકિટ બુકિંગ પર નવા નિયમો
IRCTCના જણાવ્યા અનુસાર અધિકૃત એજન્ટો, જેમ કે YTSK અને RTSA, સવારે 8 વાગ્યાથી 8:10 વાગ્યા સુધી ARP ટિકિટ બુક કરી શકતા નથી. આ ઉપરાંત 12 ઓક્ટોબર 2025થી ઓપનિંગ ARP વિન્ડોમાં ટિકિટ બુક કરવા માટે આધાર વેરિફાઈડ યુઝર હોવું ફરજિયાત કરવામાં આવ્યું છે.
3.04 કરોડ ફેક યુઝર ID બંધ
ખોટી રીતે ટિકિટ બુક કરવાની પ્રવૃત્તિ પર નિયંત્રણ મેળવવા માટે IRCTCએ ફેક યુઝર ID સામે પણ કાર્યવાહી કરી છે. IRCTCના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં 3.04 કરોડ યુઝર ID બંધ કરવામાં આવી છે, જ્યારે 6.33 કરોડ ID રી-વેલિડેશન માટે મોકલવામાં આવી છે. આ ઉપરાંત 16,041 શંકાસ્પદ ઈમેલ ડોમેન બ્લોક કરવામાં આવ્યા છે. IRCTCનું કહેવું છે કે ટેક્નોલોજીમાં કરવામાં આવેલા સુધારા અને ફેક બુકિંગ સામેની કાર્યવાહીથી ટિકિટ બુકિંગ સિસ્ટમની ક્ષમતા અને ઝડપમાં નોંધપાત્ર સુધારો જોવા મળી રહ્યો છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]




