Business News: અદાણી ગ્રુપે રૂપિયા 3,050 કરોડમાં ખરીદી સ્માર્ટ મીટર કંપની, પાવર સેક્ટરમાં વધશે દબદબો


Adani Group Acquires Intellismart Infrastructure
Business News: અદાણી ગ્રુપે રૂપિયા 3,050 કરોડમાં ખરીદી સ્માર્ટ મીટર કંપની, પાવર સેક્ટરમાં વધશે દબદબો


Adani Group Acquires Intellismart Infrastructure
Business News: દેશના પાવર સેક્ટરમાં પોતાની હાજરી વધુ મજબૂત બનાવવા માટે ગૌતમ અદાણીના નેતૃત્વ હેઠળના અદાણી ગ્રુપે મોટું અધિગ્રહણ કર્યું છે. અદાણી ગ્રુપની કંપની અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ (AESL)એ સ્માર્ટ મીટર ક્ષેત્રે કાર્યરત ઈન્ટેલીસ્માર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું અધિગ્રહણ પૂર્ણ કર્યું છે. આ સમગ્ર સોદો રૂપિયા 3,050 કરોડમાં થયો છે. કંપનીએ શુક્રવારે શેરબજારને આ અંગેની સત્તાવાર માહિતી આપી હતી. આ અધિગ્રહણથી દેશમાં સ્માર્ટ મીટરિંગના વ્યવસાયમાં અદાણી ગ્રુપની પકડ વધુ મજબૂત બનશે.
CCIએ આ સોદાને મંજૂરી આપી
આ સોદા હેઠળ અદાણી એનર્જી સોલ્યુશન્સે ઈન્ટેલીસ્માર્ટની 100 ટકા ઈક્વિટી શેર મૂડી હસ્તગત કરી છે. આ હિસ્સો નેશનલ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (NIIF) અને એનર્જી એફિશિયન્સી સર્વિસિસ લિમિટેડ (EESL) પાસેથી ખરીદવામાં આવ્યો છે. સોદામાં NIIF પાસે રહેલા વૈકલ્પિક રીતે પરિવર્તનીય ડિબેન્ચર્સ (OCD)નું રિડેમ્પશન પણ સામેલ છે. આ અધિગ્રહણની શરૂઆત જૂન મહિનામાં થઈ હતી. તે સમયે AESLએ ઈન્ટેલીસ્માર્ટમાં સંપૂર્ણ હિસ્સો ખરીદવા માટે બાઈન્ડિંગ એગ્રીમેન્ટની જાહેરાત કરી હતી. ત્યારબાદ 30 ઓક્ટોબરના રોજ ભારતીય સ્પર્ધા પંચ (CCI)એ આ સોદાને મંજૂરી આપી હતી. મંજૂરી મળ્યા બાદ હવે સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થઈ છે.
ભારતનું સ્માર્ટ મીટર બજાર 219.7 મિલિયન ડોલરનું
ઈન્ટેલીસ્માર્ટ દેશમાં એડવાન્સ્ડ મીટરિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (AMI) ઉપલબ્ધ કરાવે છે. કંપની વીજળીના સ્માર્ટ મીટર ઉપરાંત સ્માર્ટ ગેસ મીટર સ્થાપિત કરવાના ક્ષેત્રમાં પણ કાર્યરત છે. બીજી તરફ અદાણી એનર્જી સોલ્યુશન્સ વીજળી ટ્રાન્સમિશન, ડિસ્ટ્રિબ્યુશન અને સ્માર્ટ મીટરિંગના વ્યવસાયમાં પહેલેથી જ સક્રિય છે. ભારતમાં સ્માર્ટ મીટરનું બજાર ઝડપથી વિસ્તરવાની શક્યતા છે. ઉપલબ્ધ અંદાજ મુજબ, વર્ષ 2023માં ભારતનું સ્માર્ટ મીટર બજાર 219.7 મિલિયન ડોલરનું હતું, જે વર્ષ 2032 સુધીમાં વધીને 3,179.5 મિલિયન ડોલર થવાનો અંદાજ છે. આ દરમિયાન બજારનો વાર્ષિક વૃદ્ધિ દર 34.57 ટકા રહેવાની શક્યતા છે.
સ્માર્ટ મીટરથી ગ્રાહકોને વીજળીનો વપરાશ અને ખર્ચ રિયલ ટાઈમમાં જાણી શકાશે. ઓટોમેટિક રીડિંગને કારણે ખોટી અથવા અંદાજિત બિલિંગની શક્યતા પણ ઘટશે. પરિણામે મહિનાના અંતે આવતા અચાનક મોટા વીજળી બિલ એટલે કે 'બિલિંગ શોક'થી ગ્રાહકોને રાહત મળી શકે છે. આ અધિગ્રહણથી અદાણી ગ્રુપને દેશના ઝડપથી વિકસતા સ્માર્ટ મીટર બજારમાં પોતાની કામગીરી વિસ્તારવાની તક મળશે.
આ પણ વાંચો: NPCI UPI Vyapar Saksham Yojana: નાના વેપારીઓને ડિજિટલ પેમેન્ટ પર મળશે ડબલ ફાયદો




