Vivah Panchami 2026: જાણો ક્યારે છે વિવાહ પંચમી, શ્રીરામ-સીતાના લગ્ન છતાં આ દિવસે દીકરીઓનાં લગ્ન કેમ નથી કરતા?


Vivah Panchami: વિવાહ પંચમીના દિવસે દીકરીનાં લગ્ન કેમ ટાળે છે?
Vivah Panchami 2026: જાણો ક્યારે છે વિવાહ પંચમી, શ્રીરામ-સીતાના લગ્ન છતાં આ દિવસે દીકરીઓનાં લગ્ન કેમ નથી કરતા?


Vivah Panchami: વિવાહ પંચમીના દિવસે દીકરીનાં લગ્ન કેમ ટાળે છે?
Vivah Panchami 2026: હિન્દુ ધર્મમાં વિવાહ પંચમીનું વિશેષ ધાર્મિક અને આધ્યાત્મિક મહત્ત્વ છે. આ પર્વ ભગવાન શ્રીરામ અને માતા સીતાના વિવાહની સ્મૃતિમાં ઉજવવામાં આવે છે. દર વર્ષે માર્ગશીર્ષ મહિનાના શુક્લ પક્ષની પંચમી તિથિએ વિવાહ પંચમી આવે છે. આ દિવસે અનેક મંદિરોમાં શ્રીરામ અને માતા સીતાના લગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે. ભક્તો શ્રદ્ધાપૂર્વક પૂજા-અર્ચના કરે છે અને ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લે છે.
પરંતુ આ પર્વ સાથે જોડાયેલી એક પરંપરા પણ છે. ભગવાન શ્રીરામ અને માતા સીતાના લગ્નની ઉજવણી થતી હોવા છતાં કેટલીક જગ્યાએ આ દિવસે લગ્ન કરવાનું ટાળવામાં આવે છે. ખાસ કરીને મિથિલાંચલ અને નેપાળના કેટલાક વિસ્તારોમાં લોકો વિવાહ પંચમીના દિવસે પોતાની દીકરીનાં લગ્ન કરવાનું શુભ માનતા નથી. તો ચાલો જાણીએ આ પરંપરા પાછળની ધાર્મિક માન્યતા.
વિવાહ પંચમી 2026માં ક્યારે છે?
પંચાંગ અનુસાર, વર્ષ 2026માં વિવાહ પંચમીનો પર્વ 14 ડિસેમ્બર, સોમવારે ઉજવવામાં આવશે. માર્ગશીર્ષ મહિનાના શુક્લ પક્ષની પંચમી તિથિએ આ પર્વ મનાવવાની પરંપરા છે. ધાર્મિક માન્યતા અનુસાર, ત્રેતાયુગમાં આ જ તિથિએ ભગવાન શ્રીરામ અને માતા સીતાનાં લગ્ન થયાં હતાં. તેથી આ દિવસને રામ-સીતા વિવાહોત્સવ તરીકે ઉજવવામાં આવે છે.
આ પ્રસંગે અનેક મંદિરોને શણગારવામાં આવે છે. ભગવાન શ્રીરામ અને માતા સીતાની પ્રતિમાઓને વર-વધૂની જેમ શણગારવામાં આવે છે. વિવિધ સ્થળોએ રામાયણની ચોપાઈઓનું પઠન, ભજન-કીર્તન અને રામ-સીતા વિવાહની ઝાંખીઓનું આયોજન પણ કરવામાં આવે છે.
વિવાહ પંચમીના દિવસે દીકરીનાં લગ્ન કેમ ટાળવામાં આવે છે?
ભગવાન શ્રીરામ અને માતા સીતાના લગ્ન ખૂબ જ ભવ્ય અને મંગળમય રીતે થયાં હતાં. પરંતુ ધાર્મિક કથાઓ અનુસાર લગ્ન બાદ માતા સીતાના જીવનમાં અનેક મુશ્કેલીઓ આવી હતી. તેમને વનવાસ સહન કર્યો, રાવણ દ્વારા અપહરણની પીડામાંથી પસાર થવું પડ્યું અને અંતે ભગવાન શ્રીરામથી વિયોગ પણ સહન કરવો પડ્યો.
આ જ ઘટનાઓને યાદ કરીને મિથિલાંચલ અને નેપાળના કેટલાક વિસ્તારોમાં વિવાહ પંચમીના દિવસે દીકરીનાં લગ્ન કરવાનું ટાળવામાં આવે છે. સ્થાનિક ધાર્મિક માન્યતા અનુસાર, માતા સીતાના લગ્નજીવનમાં આવેલી મુશ્કેલીઓ અને વિયોગની સ્મૃતિને કારણે આ દિવસે કન્યાઓનાં લગ્ન ન કરાવવાની પરંપરા છે. પરંતુ આ માન્યતા દરેક વિસ્તારમાં એકસરખી રીતે પ્રચલિત નથી.
મિથિલાંચલ અને નેપાળમાં આ પરંપરાનું વિશેષ મહત્ત્વ
મિથિલાંચલ અને નેપાળના જનકપુર વિસ્તારનું માતા સીતા સાથે ગાઢ ધાર્મિક અને સાંસ્કૃતિક જોડાણ છે. જનકપુરને માતા સીતાનું પિયર અને તેમના જીવન સાથે જોડાયેલું પવિત્ર સ્થળ માનવામાં આવે છે. અહીં વિવાહ પંચમીનો પર્વ ખૂબ જ ઉત્સાહ અને શ્રદ્ધા સાથે ઉજવવામાં આવે છે.
આ પ્રસંગે જનકપુરમાં ભગવાન શ્રીરામ અને માતા સીતાના વિવાહની ભવ્ય ઝાંખીઓ કાઢવામાં આવે છે તેમજ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાય છે. સ્થાનિક લોકો માતા સીતાને પોતાની દીકરી સમાન માને છે. તેમના લગ્નની ખુશી સાથે જીવનમાં પાછળથી આવેલી પીડાઓ અને વિયોગને પણ યાદ કરે છે. આ ભાવનાત્મક અને ધાર્મિક જોડાણને કારણે કેટલાક પરિવારો આ દિવસે પોતાની દીકરીનાં લગ્ન કરવાનું ટાળે છે.
Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓને આધારે છે, ગ્રોથ નાઉ ન્યુઝ તેની પુષ્ટિ કરતું નથી.




