Unjha Umiyadhamમાં 1001 બહેનોએ ઉતારી મહાઆરતી, ભક્તે માતાજીને અર્પણ કર્યો ₹13.11 લાખનો ડાયમંડ હાર



Unjha Umiyadham
Unjha Umiyadhamમાં 1001 બહેનોએ ઉતારી મહાઆરતી, ભક્તે માતાજીને અર્પણ કર્યો ₹13.11 લાખનો ડાયમંડ હાર



Unjha Umiyadham
Unjha Umiyadham: ઊંઝાના પ્રસિદ્ધ ઉમિયા માતાજી મંદિરમાં દુર્ગાષ્ટમી અને આસો સુદ આઠમના પાવન અવસરે ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. દુર્ગાષ્ટમીના પર્વે માતૃશક્તિ દ્વારા ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એકસાથે 1001 બહેનોએ માતાજીની આરતી ઉતારી હતી. બીજી તરફ, આસો સુદ આઠમના પવિત્ર દિવસે એક ભક્તે મા ઉમિયાના ચરણોમાં આશરે 8 કેરેટનો કિંમતી ડાયમંડ હાર અર્પણ કર્યો હતો, જેની કિંમત ₹13,11,000 હોવાનું જણાવાયું છે.
1001 દીવડાઓથી ઝળહળી ઊઠ્યું મંદિર પરિસર
શ્રી ઉમિયા માતાજી સંસ્થાન, ઊંઝા દ્વારા આયોજિત મહાઆરતી દરમિયાન માતાજીના ચાચર ચોકમાં 1001 બહેનોએ એકસાથે આરતી ઉતારી હતી. આ દરમિયાન 1001 દીવડાઓ પ્રગટાવવામાં આવતાં સમગ્ર મંદિર પરિસર ઝળહળી ઊઠ્યું હતું. જાણે આકાશના તારલા ધરતી પર ઉતરી આવ્યા હોય તેવો મનમોહક માહોલ સર્જાયો હતો. મા ઉમિયાના જયઘોષથી મંદિર પરિસર ગુંજી ઊઠ્યું હતું. આ ભવ્ય આયોજનમાં માતૃશક્તિની એકતા અને માતાજી પ્રત્યેની અતૂટ શ્રદ્ધાનાં દર્શન થયાં હતાં.
મા ઉમિયાના ચરણોમાં ₹13.11 લાખનો ડાયમંડ હાર અર્પણ
આસો સુદ આઠમના પાવન દિવસે એક ભક્તે કડવા પાટીદાર સમાજનાં કુળદેવી મા ઉમિયાના ચરણોમાં આશરે 8 કેરેટનો આકર્ષક ડાયમંડ હાર અર્પણ કર્યો હતો. ₹13,11,000ની કિંમત ધરાવતા આ હાર દ્વારા દાતા પરિવારે માતાજી પ્રત્યેની પોતાની અતૂટ શ્રદ્ધા અને ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો. શ્રી ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા આ દાન બદલ દાતા પરિવારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
ઊંઝા ઉમિયાધામ ખાતે યોજાયેલી ભવ્ય મહાઆરતી અને કિંમતી ડાયમંડ હારના અર્પણ સાથે ધાર્મિક શ્રદ્ધા, ભક્તિ અને સમર્પણનો માહોલ જોવા મળ્યો હતો.






