Tulsi Vivah 2026: વૃંદાના શ્રાપથી પથ્થર બની ગયા હતા ભગવાન વિષ્ણુ! જાણો કેવી રીતે શરૂ થઈ તુલસી-શાલિગ્રામ વિવાહની પરંપરા

Tulsi Vivah 2026: વૃંદાના શ્રાપથી ભગવાન વિષ્ણુ શાલિગ્રામ બન્યા હતા. જાણો જાલંધર, વૃંદા અને ભગવાન વિષ્ણુ સાથે જોડાયેલી તુલસી વિવાહની પૌરાણિક કથા.
Nancy Shukal
Nancy Shukal
Tulsi Vivah 2026: તુલસી-શાલિગ્રામ વિવાહની કથા અને તેનું ધાર્મિક મહત્વTulsi Vivah 2026: તુલસી-શાલિગ્રામ વિવાહની કથા અને તેનું ધાર્મિક મહત્વ

Tulsi Vivah 2026: તુલસી-શાલિગ્રામ વિવાહની કથા અને તેનું ધાર્મિક મહત્વ

Tulsi Vivah 2026: સનાતન ધર્મમાં તુલસી વિવાહનું વિશેષ ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ છે. દર વર્ષે કારતક મહિનામાં દેવઉઠી એકાદશીથી તુલસી વિવાહના પર્વની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે તુલસીજી અને ભગવાન વિષ્ણુના શાલિગ્રામ સ્વરૂપના લગ્ન કરાવવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે ભગવાન વિષ્ણુને શિલા એટલે કે પથ્થરનું સ્વરૂપ શા માટે ધારણ કરવું પડ્યું હતું? તુલસી અને શાલિગ્રામના વિવાહની પરંપરા પાછળ વૃંદા અને દાનવરાજ જાલંધરની એક રસપ્રદ પૌરાણિક કથા જોડાયેલી છે.

કોણ છે ભગવાન શાલિગ્રામ?

ધાર્મિક માન્યતાઓ અનુસાર, શાલિગ્રામ ભગવાન વિષ્ણુનું જ સ્વરૂપ છે. આ વિશિષ્ટ પ્રકારની કુદરતી શિલાઓ નેપાળની ગંડકી નદીમાં મળી આવે છે. તેના પર જોવા મળતાં ચક્ર જેવા નિશાન ભગવાન વિષ્ણુ સાથે જોડાયેલા માનવામાં આવે છે. શાલિગ્રામને સ્વયંભૂ સ્વરૂપ માનવામાં આવે છે, તેથી તેની સ્થાપના માટે સામાન્ય મૂર્તિઓની જેમ પ્રાણપ્રતિષ્ઠાની જરૂર પડતી નથી. હિંદુ ધર્મમાં શાલિગ્રામની પૂજાને અત્યંત પવિત્ર માનવામાં આવે છે.

જાલંધરની શક્તિ પાછળ હતું વૃંદાનું પતિવ્રતા ધર્મ

પૌરાણિક કથા પ્રમાણે, વૃંદાનાં લગ્ન દાનવરાજ જાલંધર સાથે થયાં હતાં. વૃંદા પતિ પ્રત્યે ખૂબ જ સમર્પિત અને પતિવ્રતા સ્ત્રી હતાં. તેમની પતિવ્રતા શક્તિને કારણે જાલંધર અત્યંત શક્તિશાળી બની ગયો હતો. દેવતાઓ માટે તેને હરાવવો મુશ્કેલ બની ગયો હતો. જાલંધરના અત્યાચારથી પરેશાન દેવતાઓએ ભગવાન વિષ્ણુને મદદ માટે વિનંતી કરી હતી.

વૃંદાએ ભગવાન વિષ્ણુને આપ્યો હતો શ્રાપ

કથા અનુસાર, જાલંધરનો વધ કરવા માટે ભગવાન વિષ્ણુએ તેની પત્ની વૃંદાની પતિવ્રતા શક્તિ ભંગ કરવાની યોજના બનાવી હતી. તેમણે જાલંધરનું રૂપ ધારણ કરીને વૃંદાને ભ્રમિત કર્યાં હતાં. આ દરમિયાન જાલંધર યુદ્ધમાં માર્યો ગયો હતો. જ્યારે વૃંદાને ભગવાન વિષ્ણુની લીલા વિશે જાણ થઈ ત્યારે તેઓ ખૂબ જ ક્રોધિત થયાં અને ભગવાનને પથ્થર બની જવાનો શ્રાપ આપ્યો હતો.

વૃંદાના શ્રાપને કારણે ભગવાન વિષ્ણુ શાલિગ્રામ શિલાના સ્વરૂપમાં પૂજાવા લાગ્યા. ત્યારબાદ દેવતાઓની વિનંતીથી વૃંદાએ શ્રાપ પાછો ખેંચ્યો અને પોતાના શરીરનો ત્યાગ કર્યો. માન્યતા છે કે જ્યાં વૃંદાનું શરીર ભસ્મ થયું હતું, ત્યાં તુલસીનો છોડ ઊગી નીકળ્યો હતો. ભગવાન વિષ્ણુએ વૃંદાને પોતાની પૂજામાં વિશેષ સ્થાન આપવાનું વરદાન આપ્યું હતું.

શા માટે કરવામાં આવે છે તુલસી-શાલિગ્રામ વિવાહ?

ધાર્મિક માન્યતા પ્રમાણે, ભગવાન વિષ્ણુએ તુલસીને પોતાના માટે અત્યંત પ્રિય અને પૂજનીય ગણાવી હતી. ત્યારથી તુલસીજી અને શાલિગ્રામના વિવાહની પરંપરા શરૂ થઈ હોવાનું માનવામાં આવે છે. આ લગ્નને વૃંદા અને ભગવાન વિષ્ણુના દિવ્ય મિલનનું પ્રતીક માનવામાં આવે છે. તુલસી વિવાહ કરવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ આવે છે તેવી પણ ધાર્મિક માન્યતા છે.

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓને આધારે છે, ગ્રોથ નાઉ ન્યુઝ તેની પુષ્ટિ કરતું નથી.

આ પણ વાંચો: Dev Diwali 2026: કાર્તિક પૂર્ણિમાએ આ વસ્તુઓનું દાન કરવું માનવામાં આવે છે શુભ!