Get News Alerts

Never miss breaking news updates.

Sharadiya Navratri 2026: માતા દુર્ગાને કયા દેવતાએ કયું અસ્ત્ર આપ્યું? શિવના ત્રિશૂલથી ઈન્દ્રના વજ્ર સુધી જાણો સંપૂર્ણ કથા

Sharadiya Navratri 2026: શારદીય નવરાત્રી દરમિયાન માતા દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. માતા દુર્ગાના હાથમાં રહેલા અલગ-અલગ અસ્ત્ર-શસ્ત્ર પણ તેમના શક્તિશાળી સ્વરૂપનું પ્રતીક માનવામાં આવે છે.
Nisha Parmar
Nisha ParmarUpdated on: 08 Oct 2026 04:13 PM IST
Sharadiya Navratri 2026: માતા દુર્ગાને કયા દેવતાએ કયું અસ્ત્ર આપ્યું? શિવના ત્રિશૂલથી ઈન્દ્રના વજ્ર સુધી જાણો સંપૂર્ણ કથાSharadiya Navratri 2026: માતા દુર્ગાને કયા દેવતાએ કયું અસ્ત્ર આપ્યું? શિવના ત્રિશૂલથી ઈન્દ્રના વજ્ર સુધી જાણો સંપૂર્ણ કથા

Sharadiya Navratri 2026

Sharadiya Navratri 2026: શારદીય નવરાત્રી દરમિયાન માતા દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. માતા દુર્ગાના હાથમાં રહેલા અલગ-અલગ અસ્ત્ર-શસ્ત્ર પણ તેમના શક્તિશાળી સ્વરૂપનું પ્રતીક માનવામાં આવે છે. પરંતુ શું તમને ખબર છે કે ધાર્મિક પરંપરા અનુસાર આ દિવ્ય અસ્ત્રો તેમને કયા દેવતાઓ પાસેથી મળ્યા હતા?

મહિષાસુરના વધ માટે પ્રગટ થયું દેવીનું દિવ્ય સ્વરૂપ

દેવી મહાત્મ્ય એટલે કે દુર્ગા સપ્તશતી અનુસાર, મહિષાસુર એક શક્તિશાળી અસુર હતો, જેના અત્યાચારથી દેવતાઓ પરેશાન હતા. દેવતાઓ તેને પરાજિત કરવામાં અસમર્થ બન્યા બાદ ભગવાન શિવ, ભગવાન વિષ્ણુ સહિત અન્ય દેવ શક્તિઓ પાસે પહોંચ્યા.

કથાનક અનુસાર દેવતાઓના ક્રોધ અને તેજમાંથી એક વિશાળ દિવ્ય શક્તિ પ્રગટ થઈ, જે આગળ જઈને દેવીના સ્વરૂપમાં પ્રગટ થઈ. ત્યારબાદ વિવિધ દેવતાઓએ દેવીને પોતાના દિવ્ય અસ્ત્ર-શસ્ત્ર અર્પણ કર્યા, જેથી તેઓ મહિષાસુર અને તેની સેનાનો સામનો કરી શકે.

ભગવાન શિવે આપ્યું ત્રિશૂલ

માતા દુર્ગાના સૌથી પ્રસિદ્ધ અસ્ત્રોમાં ત્રિશૂલનો સમાવેશ થાય છે. દેવી મહાત્મ્યની કથા અનુસાર ભગવાન શિવે દેવીને ત્રિશૂલ અર્પણ કર્યું હતું. ત્રિશૂલને શિવશક્તિનું પ્રતીક માનવામાં આવે છે અને માતા દુર્ગાના યુદ્ધ સ્વરૂપ સાથે તેને ખાસ રીતે જોડવામાં આવે છે.

ભગવાન વિષ્ણુએ આપ્યું સુદર્શન ચક્ર

ભગવાન વિષ્ણુએ દેવીને ચક્ર અર્પણ કર્યું હતું. આ દિવ્ય અસ્ત્રને વિષ્ણુના સુદર્શન ચક્ર સાથે જોડવામાં આવે છે. તેથી માતા દુર્ગાના કેટલાક સ્વરૂપોમાં ચક્ર પણ જોવા મળે છે.

વરુણ દેવનો શંખ અને અગ્નિ દેવની શક્તિ

વરુણ દેવે માતાને શંખ આપ્યો હતો, જ્યારે અગ્નિ દેવે ‘શક્તિ’ નામનું અસ્ત્ર અર્પણ કર્યું હતું. શંખને હિન્દુ પરંપરામાં પવિત્રતા અને શુભતાનું પ્રતીક માનવામાં આવે છે. બીજી તરફ અગ્નિ પાસેથી મળેલી શક્તિ દેવીના તેજ અને યુદ્ધ શક્તિ સાથે જોડાયેલી છે.

વાયુ દેવે આપ્યું ધનુષ અને બે તરકશ

દેવી મહાત્મ્ય અનુસાર વાયુ દેવે દેવીને ધનુષ અને બાણોથી ભરેલા બે તરકશ આપ્યા હતા. આ અસ્ત્રો દેવીની યુદ્ધ ક્ષમતાનું પ્રતીક માનવામાં આવે છે.

ઈન્દ્રે આપ્યું વજ્ર અને ઐરાવતની ઘંટડી

દેવરાજ ઈન્દ્રે પોતાનું પ્રસિદ્ધ વજ્ર દેવીને અર્પણ કર્યું હતું. આ ઉપરાંત તેમના વાહન ઐરાવત હાથીની ઘંટડી પણ દેવીને આપવામાં આવી હતી. વજ્રને ઈન્દ્રના અત્યંત શક્તિશાળી દિવ્ય અસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે.

યમરાજે આપ્યો કાળદંડ

મૃત્યુના દેવતા યમરાજે પોતાના કાળદંડમાંથી દંડ કાઢીને દેવીને આપ્યો હોવાનું દેવી મહાત્મ્યમાં વર્ણન મળે છે. તેથી માતા દુર્ગાના હાથમાં જોવા મળતા દંડને યમરાજ સાથે જોડવામાં આવે છે.

બ્રહ્માએ આપ્યું કમંડળ અને સ્ફટિકની માળા

ભગવાન બ્રહ્માએ દેવીને કમંડળ અને સ્ફટિકની માળા અર્પણ કરી હતી. ધાર્મિક પરંપરામાં કમંડળને પવિત્ર જળ અને સાધના સાથે જોડવામાં આવે છે, જ્યારે માળા જપ અને આધ્યાત્મિક સાધનાનું પ્રતીક માનવામાં આવે છે.

કાળ પાસેથી મળી તલવાર અને ઢાલ

કથામાં કાળે દેવીને ચમકતી તલવાર અને ઢાલ અર્પણ કરી હતી. તલવારને શત્રુ સામે લડવાની શક્તિનું જ્યારે ઢાલને રક્ષણનું પ્રતીક માનવામાં આવે છે.

વિશ્વકર્માએ આપ્યું ફરશુ અને કવચ

દેવશિલ્પી ભગવાન વિશ્વકર્માએ દેવીને નિર્મળ ફરશુ, વિવિધ અસ્ત્રો અને અભેદ્ય કવચ અર્પણ કર્યા હતા. આ દિવ્ય શસ્ત્રો દેવીની રક્ષણાત્મક અને યુદ્ધ શક્તિ સાથે જોડાયેલા છે.

હિમાલયે આપ્યું સિંહ

માતા દુર્ગાના વાહન સિંહ અંગે પણ દેવી મહાત્મ્યમાં મહત્વપૂર્ણ વર્ણન મળે છે. કથા અનુસાર હિમાલયે દેવીને સવારી માટે સિંહ અને વિવિધ રત્નો અર્પણ કર્યા હતા. આ કારણે માતા દુર્ગાને ‘સિંહવાહિની’ તરીકે પણ ઓળખવામાં આવે છે. સિંહને શક્તિ, સાહસ અને નિર્ભયતાનું પ્રતીક માનવામાં આવે છે.

આ રીતે ધાર્મિક કથાઓમાં માતા દુર્ગાનું સ્વરૂપ માત્ર એક દેવતાની શક્તિ નહીં, પરંતુ અનેક દેવતાઓના દિવ્ય તેજ અને શક્તિના સંયુક્ત સ્વરૂપ તરીકે વર્ણવવામાં આવે છે. તેમના દરેક અસ્ત્ર પાછળ એક અલગ ધાર્મિક અને પ્રતીકાત્મક અર્થ જોડાયેલો છે.

આ પણ વાંચો : Shardiya Navratri 2026: પદયાત્રીઓનું ઘોડાપૂર, ઠેર-ઠેર સેવાકીય કેમ્પોથી માઈભક્તોની સેવા

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.