ફિફા વર્લ્ડ કપ 2026 : મટિયાસ ગાલાર્ઝાનો 64 સેકન્ડમાં ગોલ, નોંધાવી મોટી સિદ્ધિ



ફિફા વર્લ્ડ કપ 2026 : મટિયાસ ગાલાર્ઝાનો 64 સેકન્ડમાં ગોલ, નોંધાવી મોટી સિદ્ધિ



સેન ફ્રાન્સિસ્કો: પેરાગ્વેના મિડફિલ્ડર મટિયાસ ગાલાર્ઝાએ ફિફા વર્લ્ડ કપ 2026માં શાનદાર પ્રદર્શન કરીને રેકોર્ડ બુકમાં પોતાનું નામ નોંધાવ્યું છે. તુર્કિયે સામેની ગ્રુપ સ્ટેજ મેચમાં તેમણે માત્ર 64 સેકન્ડમાં ગોલ ફટકારી ટૂર્નામેન્ટનો અત્યાર સુધીનો સૌથી ઝડપી ગોલ કરવાનો રેકોર્ડ બનાવ્યો છે.
24 વર્ષીય ગાલાર્ઝા પેરાગ્વેની પ્રથમ મેચમાં રમ્યા નહોતા, પરંતુ તુર્કિયે સામે તેમને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળ્યું. તક મળતાં જ તેમણે મેચની શરૂઆતમાં જ બાજી મારી લીધી અને માત્ર 64 સેકન્ડમાં ડાબા પગથી જોરદાર શોટ ફટકારી ટીમને 1-0ની લીડ અપાવી દીધી.
આ પહેલાં મોરોક્કોના ઇસ્માઇલ સાયબારીએ સ્કોટલેન્ડ સામે 70 સેકન્ડમાં ગોલ કરીને સૌથી ઝડપી ગોલનો રેકોર્ડ બનાવ્યો હતો. જોકે ગાલાર્ઝાએ તે રેકોર્ડને છ સેકન્ડથી પાછળ ધકેલી નવો કીર્તિમાન સ્થાપ્યો. જોકે ગોલ બાદ બે મિનિટમાં જ ફાઉલ બદલ તેમને યેલો કાર્ડ પણ મળ્યું હતું.
પેરાગ્વેને ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં અમેરિકા સામે 1-4થી હારનો સામનો કરવો પડ્યો હતો. તેથી નોકઆઉટ સ્ટેજમાં પહોંચવાની આશા જીવંત રાખવા માટે તુર્કિયે સામેની મેચ બંને ટીમો માટે નિર્ણાયક માનવામાં આવી રહી છે. તુર્કિયેને પણ પોતાની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે 0-2થી પરાજય મળ્યો હતો.
ગાલાર્ઝાના શરૂઆતના ગોલના આધારે પેરાગ્વેએ મેચમાં આક્રમક શરૂઆત કરી હતી. મજબૂત ડિફેન્સના કારણે ટીમે હાફટાઇમ સુધી 1-0ની લીડ જાળવી રાખી હતી. તુર્કિયેએ પ્રથમ હાફ દરમિયાન ગોલ કરવાની અનેક તક ઊભી કરી હતી, પરંતુ પેરાગ્વેના ડિફેન્સને ભેદવામાં નિષ્ફળ રહી હતી.
ગ્રુપ Dમાં અમેરિકા પહેલેથી જ રાઉન્ડ ઓફ 32માં પોતાનું સ્થાન નિશ્ચિત કરી ચૂક્યું છે. અમેરિકાએ ઓસ્ટ્રેલિયાને 2-0થી હરાવીને આગામી રાઉન્ડમાં પ્રવેશ મેળવી લીધો છે.




