ટ્રેનમાં ધૂમ્રપાન કરનારાઓ સાવધાન, ટિકિટ જપ્ત થવા સાથે જેલની પણ જોગવાઈ



ટ્રેનમાં ધૂમ્રપાન કરનારાઓ સાવધાન, ટિકિટ જપ્ત થવા સાથે જેલની પણ જોગવાઈ



Train Rules: ભારતીય રેલવેએ મુસાફરોની સુરક્ષા, સ્વચ્છતા અને આરામદાયક મુસાફરી સુનિશ્ચિત કરવા માટે કડક નિયમો અમલમાં મૂક્યા છે. જન વિશ્વાસ અધિનિયમ-2026 અંતર્ગત રેલવે એક્ટની કેટલીક જોગવાઈઓમાં ફેરફાર કરીને ટ્રેનમાં ધૂમ્રપાન, બિનલાયસન્સ સામાનનું વેચાણ અને ભીખ માગવા જેવી પ્રવૃત્તિઓ સામે આકરી કાર્યવાહીનો નિર્ણય લેવામાં આવ્યો છે.
નવી જોગવાઈ મુજબ ટ્રેનમાં ધૂમ્રપાન કરતા ઝડપાયેલા વ્યક્તિને રૂ. 2,000 સુધીનો દંડ ફટકારવામાં આવશે. આ ઉપરાંત સંબંધિત મુસાફરની ટિકિટ અથવા પાસ જપ્ત કરવામાં આવી શકે છે અને જરૂરી જણાય તો તેને ટ્રેનમાંથી ઉતારી દેવાની સત્તા પણ રેલવે અધિકારીઓને આપવામાં આવી છે.
રેલવે તંત્રના જણાવ્યા અનુસાર, ધૂમ્રપાનથી અન્ય મુસાફરોના આરોગ્ય પર પ્રતિકૂળ અસર થાય છે તેમજ આગ લાગવાનો ખતરો પણ રહે છે. તેથી મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
બિનલાયસન્સ વેચાણ અને ભીખ માંગવા પર પણ કડક કાર્યવાહી
રેલવે એક્ટની કલમ-144 હેઠળના સંશોધન મુજબ ટ્રેનમાં માત્ર અધિકૃત લાયસન્સ ધરાવતા વેપારીઓને જ સામાન વેચવાની મંજૂરી રહેશે. બિનલાયસન્સ વેચાણ અથવા ભીખ માંગતા ઝડપાયેલા વ્યક્તિ સામે રૂ. 2,000નો દંડ ફટકારવામાં આવશે.
જો દંડ ભરવામાં નહીં આવે તો મામલો કોર્ટ સુધી પહોંચી શકે છે, જ્યાં ત્રણ મહિનાની કેદ અને વધારાના દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે. વારંવાર નિયમોનો ભંગ કરનારાઓ માટે વધુ કડક સજાની વ્યવસ્થા રાખવામાં આવી છે.
મુસાફરોને મળશે વધુ સુરક્ષિત-સ્વચ્છ વાતાવરણ
રેલવે વિભાગનું માનવું છે કે, નવા નિયમોથી ટ્રેનમાં સ્વચ્છતા, શાંતિ અને સુરક્ષાનું વાતાવરણ વધુ મજબૂત બનશે. મુસાફરોને અનિચ્છનીય પ્રવૃત્તિઓથી મુક્ત અને આરામદાયક મુસાફરીનો અનુભવ મળે તે માટે આ પગલું મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. રેલવે દ્વારા કર્મચારીઓને પણ નિયમોના અસરકારક અમલ માટે વિશેષ તાલીમ આપવામાં આવી રહી છે, જેથી નિયમભંગ કરનારાઓ સામે તાત્કાલિક કાર્યવાહી થઈ શકે.




