વૈશ્વિક તણાવ વચ્ચે ભારતીય શેરબજાર મજબૂત, સપ્તાહ દરમિયાન સેન્સેક્સ-નિફ્ટીમાં તેજી, આઈટી શેરો રહ્યા અગ્રેસર


વૈશ્વિક તણાવ વચ્ચે ભારતીય શેરબજાર મજબૂત, સપ્તાહ દરમિયાન સેન્સેક્સ-નિફ્ટીમાં તેજી, આઈટી શેરો રહ્યા અગ્રેસર


ભારતીય શેરબજારે વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે પણ સપ્તાહનો અંત મજબૂતી સાથે કર્યો છે. અમેરિકા-ઈરાન વચ્ચે વધતા તણાવ, કાચા તેલના ભાવમાં ઉછાળો અને નબળા વૈશ્વિક સંકેતો છતાં કંપનીઓના સારા પ્રથમ ત્રિમાસિક પરિણામો અને કેન્દ્ર સરકારના મોટા ઉત્પાદન સંબંધિત નિર્ણયો બજાર માટે સકારાત્મક સાબિત થયા.
સપ્તાહ દરમિયાન એનએસઈ નિફ્ટી-50માં 127.40 અંક એટલે કે 0.5 ટકાનો વધારો નોંધાયો, જ્યારે બીએસઈ સેન્સેક્સ 582.06 અંક અથવા 0.8 ટકા મજબૂત રહ્યો. શુક્રવારે બજારમાં જોરદાર ખરીદી જોવા મળી હતી. નિફ્ટી 261.55 અંક વધીને 24,334.30 પર અને સેન્સેક્સ 964.58 અંકના ઉછાળા સાથે 78,151.45 પર બંધ થયો.
રોકાણકારોની નજર સમગ્ર સપ્તાહ દરમિયાન પશ્ચિમ એશિયાની ભૂરાજકીય પરિસ્થિતિ પર રહી. અમેરિકા દ્વારા ઈરાનના કેટલાક ઠેકાણાઓ પર કરાયેલા હુમલાના પગલે વૈશ્વિક બજારોમાં સાવચેતીનું વાતાવરણ સર્જાયું હતું. તેમ છતાં એચસીએલ ટેક્નોલોજીસ, ટેક મહિન્દ્રા, વિપ્રો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને જિયો ફાઇનાન્શિયલ સર્વિસિઝ જેવી અગ્રણી કંપનીઓના મજબૂત ત્રિમાસિક પરિણામોએ રોકાણકારોનો વિશ્વાસ વધાર્યો.
15 જુલાઈએ કેન્દ્ર સરકારે અંદાજે 1.9 લાખ કરોડ રૂપિયાની બે મોટી મેન્યુફેક્ચરિંગ યોજનાઓને મંજૂરી આપતા બજારને વધુ ટેકો મળ્યો. જોકે ઇન્ડિયા VIXમાં 7.3 ટકાનો વધારો નોંધાતા બજારમાં અસ્થિરતાના સંકેતો પણ જોવા મળ્યા.
સેક્ટરલ દૃષ્ટિએ નિફ્ટી આઈટી 4.3 ટકાના વધારા સાથે સૌથી આગળ રહ્યો. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, મીડિયા, પ્રાઇવેટ બેંક અને ઓઇલ એન્ડ ગેસ સેક્ટરમાં પણ તેજી જોવા મળી. બીજી તરફ રિયલ્ટી, મેટલ, ડિફેન્સ, એફએમસીઝી અને પીએસયુ બેંકિંગ શેરોમાં ઘટાડો નોંધાયો.
નિષ્ણાતોના મતે આગામી દિવસોમાં બજારની દિશા કંપનીઓના ત્રિમાસિક પરિણામો, મેનેજમેન્ટ ગાઇડન્સ, ચોમાસાની પ્રગતિ, કાચા તેલના ભાવ અને પશ્ચિમ એશિયાની સ્થિતિ પર નિર્ભર રહેશે. જો વૈશ્વિક તણાવ ઘટશે અને કોર્પોરેટ પરિણામો મજબૂત રહેશે તો ભારતીય શેરબજારમાં તેજીનું વલણ યથાવત રહી શકે છે.




