ઇન્ડિયા પોસ્ટનો 'માસ્કોટ ડિઝાઇન કોન્ટેસ્ટ' શરૂ, વિજેતાઓને મળશે કુલ ₹2 લાખ સુધીના ઇનામ


ઇન્ડિયા પોસ્ટનો 'માસ્કોટ ડિઝાઇન કોન્ટેસ્ટ' શરૂ, વિજેતાઓને મળશે કુલ ₹2 લાખ સુધીના ઇનામ


સંચાર મંત્રાલય હેઠળના ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ્સે દેશભરના સર્જનાત્મક નાગરિકોને પ્રોત્સાહિત કરવા માટે 'ઇન્ડિયા પોસ્ટ માસ્કોટ ડિઝાઇન કોન્ટેસ્ટ' શરૂ કર્યો છે. આ સ્પર્ધા ઇનોવેટ ઇન્ડિયા માયગવ પ્લેટફોર્મ પર યોજાઈ રહી છે, જેમાં ભાગ લેનારોએ ઇન્ડિયા પોસ્ટ માટે એક મૂળ માસ્કોટ ડિઝાઇન, તેનું યોગ્ય નામ અને સંક્ષિપ્ત કોન્સેપ્ટ નોટ રજૂ કરવાની રહેશે.
સરકારના જણાવ્યા મુજબ, સ્પર્ધાનો મુખ્ય હેતુ એવો સત્તાવાર બ્રાન્ડ એમ્બેસેડર તૈયાર કરવાનો છે, જે ઇન્ડિયા પોસ્ટના વિશ્વસનીયતા, વિશ્વાસ, સર્વસમાવેશકતા, સેવા અને ડિજિટલ ઇનોવેશન જેવા મૂલ્યોને પ્રતિબિંબિત કરે. આ સ્પર્ધા તમામ ભારતીય નાગરિકો માટે ખુલ્લી છે અને પ્રવેશો 15 જુલાઈથી 15 ઓગસ્ટ સુધી સ્વીકારવામાં આવશે.
સ્પર્ધામાં માસ્કોટ ડિઝાઇન અને માસ્કોટ નેમિંગ એમ બે અલગ-અલગ કેટેગરી રાખવામાં આવી છે. માસ્કોટ ડિઝાઇન કેટેગરીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતાઓને અનુક્રમે ₹75 હજાર, ₹50 હજાર અને ₹25 હજારનું રોકડ ઇનામ આપવામાં આવશે. જ્યારે માસ્કોટ નેમિંગ કેટેગરીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનારને અનુક્રમે ₹25 હજાર, ₹15 હજાર અને ₹10 હજારનું ઇનામ મળશે. બંને કેટેગરી મળીને કુલ ₹2 લાખની ઇનામી રકમ ફાળવવામાં આવી છે. તમામ વિજેતાઓને પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવશે.
પસંદ કરાયેલ માસ્કોટ ઇન્ડિયા પોસ્ટનો સત્તાવાર બ્રાન્ડ એમ્બેસેડર બનશે અને તેનો ઉપયોગ પ્રચાર અભિયાનો, ફિલાટેલિક પ્રોડક્ટ્સ, જનજાગૃતિ કાર્યક્રમો, પ્રદર્શનો, સોશિયલ મીડિયા તેમજ અન્ય સત્તાવાર સંચાર માધ્યમોમાં કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ઇન્ડિયા પોસ્ટે નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં પ્રથમ વખત ₹4,008.95 કરોડની આવક નોંધાવી છે, જે વિભાગના સતત મજબૂત બની રહેલા નાણાકીય પ્રદર્શનનો મહત્વપૂર્ણ માઇલસ્ટોન માનવામાં આવે છે.




