અમેરિકા-ઈરાન ડીલ પર પીએમ મોદીનું ટ્વિટ: કહ્યું-આ દુનિયામાં શાંતિ ફરી સ્થાપિત થશે



અમેરિકા-ઈરાન ડીલ પર પીએમ મોદીનું ટ્વિટ: કહ્યું-આ દુનિયામાં શાંતિ ફરી સ્થાપિત થશે



નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા ઐતિહાસિક શાંતિ કરારનું ખુલ્લા દિલથી સ્વાગત કર્યું છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને જણાવ્યું છે કે, પશ્ચિમ એશિયામાં લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષને ખતમ કરવા માટે બંને દેશો વચ્ચે જે સહમતિ બની છે, તે અત્યંત પ્રશંસનીય પગલું છે. પીએમ મોદીના મતે, આ યુદ્ધના કારણે સમગ્ર વિશ્વમાં ગંભીર આર્થિક સંકટ ઊભું થયું હતું, જેના કારણે અનેક દેશોને જાન-માલનું મોટું નુકસાન વેઠવું પડ્યું છે.
વૈશ્વિક વેપાર અને દરિયાઈ માર્ગો સુરક્ષિત બનશે
પીએમ મોદીએ આશા વ્યક્ત કરી છે કે આ શાંતિ કરાર લાગુ થવાથી સમગ્ર વિસ્તારમાં ફરી એકવાર સ્થિરતા આવશે. આ સાથે જ સમુદ્રમાં વ્યાપારી જહાજોની અવરજવર સુરક્ષિત બનશે અને વૈશ્વિક વેપારનો રસ્તો સાફ થશે. તેમણે વધુમાં ઉમેર્યું કે, ભારતને પૂરી આશા છે કે બાકી રહેલા મુદ્દાઓ પર પણ બંને દેશો આગળ વાતચીત ચાલુ રાખશે, જેથી ભવિષ્યમાં એક કાયમી અને મજબૂત અંતિમ કરાર થઈ શકે.
107 દિવસના ભીષણ યુદ્ધ બાદ શાંતિનો સૂર્યોદય
તમને જણાવી દઈએ કે, બંને દેશો વચ્ચે સતત 107 દિવસ સુધી ચાલેલા ભીષણ યુદ્ધ બાદ આખરે આ શાંતિ કરાર પર અંતિમ સહમતિ સધાઈ છે. ઈરાનના નાયબ વિદેશ મંત્રી કાઝેમ ગરીબાબાદીએ સરકારી ટીવી પર ફોન દ્વારા પુષ્ટિ કરી છે કે અમેરિકા સાથેની આ ડીલ હવે સંપૂર્ણપણે ફાઇનલ થઈ ગઈ છે. આગામી શુક્રવારે સ્વિટ્ઝર્લેન્ડમાં બંને દેશો વચ્ચે સત્તાવાર રીતે આ કરાર પર હસ્તાક્ષર થવાની સંભાવના છે.
ઈરાનના સરકારી મીડિયાના દાવા મુજબ, આ કરારમાં 14 મુદ્દાઓનો સમાવેશ થાય છે. જોકે, બંને દેશો દ્વારા હજી સુધી આ મુદ્દાઓની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આ નિર્ણયથી વૈશ્વિક તેલના વેપાર અને દરિયાઈ પરિવહનને મોટી રાહત મળશે. હવે આખી દુનિયાની નજર શુક્રવારે સ્વિટ્ઝર્લેન્ડમાં યોજાનારા ઐતિહાસિક હસ્તાક્ષર સમારોહ પર ટકેલી છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com



