વિશ્વનું એકમાત્ર મંદિર જ્યાં હનુમાનજી સહિત તેમની પત્નીની થાય છે પૂજા, જાણો કહાણી



ફાઇલ તસવીર
વિશ્વનું એકમાત્ર મંદિર જ્યાં હનુમાનજી સહિત તેમની પત્નીની થાય છે પૂજા, જાણો કહાણી



ફાઇલ તસવીર
Hanuman Jayanti 2026: આજે દેશભરમાં હનુમાન જયંતિ ખૂબ જ ભક્તિભાવથી ઉજવવામાં આવી રહી છે. આ ખાસ દિવસ દર વર્ષે ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે આવે છે. આ દિવસે ભક્તો ભગવાન હનુમાનની પૂજા કરે છે અને શાંતિ અને સુખ માટે પ્રાર્થના કરે છે. શાસ્ત્રોમાં હનુમાનજીને બ્રહ્મચારી તરીકે વર્ણવવામાં આવ્યા છે, જેનો અર્થ છે કે તેમણે ક્યારેય લગ્ન કર્યા નથી.
જો કે, તમને જાણીને નવાઈ લાગશે કે ભારતમાં એક એવું મંદિર છે, જ્યાં ભગવાન હનુમાનની તેમની પત્ની સુવર્ચલા સાથે પૂજા કરવામાં આવે છે. આ મંદિર તેની અનોખી પરંપરા માટે જાણીતું છે અને દૂર-દૂરથી ભક્તો અહીં આવે છે. હવે પ્રશ્ન એ છે કે, આ મંદિર ક્યાં આવેલું છે અને તેની પાછળ શું માન્યતા છે.
શ્રી સુવર્ચલા હનુમાન મંદિરનું શું મહત્વ છે?
તેલંગાણાના ખમ્મમ જિલ્લાના એલાન્ડુ ગામમાં સ્થિત શ્રી સુવર્ચલા સહિત હનુમાન મંદિર એક એવું મંદિર છે, જ્યાં ભગવાન હનુમાનની સાથે સુવર્ચલા દેવીની પૂજા કરવામાં આવે છે. મંદિરના પૂજારીના જણાવ્યા મુજબ, આ દેશનું એકમાત્ર મંદિર છે, જ્યાં ભગવાન હનુમાનની તેમની પત્ની સાથે પૂજા કરવામાં આવે છે. આ મંદિર 2006માં બનાવવામાં આવ્યું હતું અને ત્યારથી ભક્તોને આકર્ષિત કરી રહ્યું છે.
દર વર્ષે જેઠ સુદ દશમના દિવસે હનુમાનજીના ખૂબ જ ધામધૂમથી લગ્ન કરવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં લોકો હાજરી આપે છે. રસપ્રદ વાત એ છે કે, ઉત્તર ભારતમાં ભગવાન હનુમાનજીને બ્રહ્મચારી માનવામાં આવે છે, પરંતુ આ મંદિરની પરંપરા ખૂબ જ અનોખી અને રસપ્રદ માનવામાં આવે છે. તો ચાલો જાણીએ તેની કહાણી.
સુવર્ચલા દેવી કોણ હતા?
દંતકથા અનુસાર, હનુમાનજી ભગવાન સૂર્યને પોતાના ગુરુ માનતા હતા અને તેમની પાસેથી શિક્ષણ મેળવતા હતા. એવું કહેવાય છે કે, સૂર્યદેવ પાસે નવ પ્રકારનું જ્ઞાન હતું જે હનુમાન શીખવા માગતા હતા. તેમણે શિક્ષણ શરૂ કર્યું અને તેમાંથી પાંચમાં નિપુણતા મેળવી. જો કે, જ્યારે હનુમાનજીએ બાકીના ચાર જ્ઞાન શીખવાની ઇચ્છા વ્યક્ત કરી, ત્યારે સૂર્યદેવે એક શરત મૂકી, તેમણે કહ્યું કે, આ ચાર જ્ઞાન ફક્ત તે વ્યક્તિને જ આપી શકાય છે, જે પારિવારિક જીવન જીવે છે. હનુમાનજી બ્રહ્મચારી હોવાથી આ શક્ય નહોતું.
હનુમાનજીએ સૂર્યદેવની પુત્રી સાથે લગ્ન કર્યા
આ પછી સૂર્યદેવે હનુમાનને એક ઉપાય આપ્યો. તેમણે તેમને કહ્યું કે, જો તેઓ લગ્ન કરે તો તેઓ સંપૂર્ણ શિક્ષણ મેળવી શકે છે. શરૂઆતમાં હનુમાન અનિચ્છા ધરાવતા હતા, કારણ કે તેઓ બ્રહ્મચારી હતા. પછી સૂર્યદેવે સમજાવ્યું કે, તેઓ તેમની પુત્રી સુવર્ચલા સાથે લગ્ન કર્યા પછી પણ બ્રહ્મચર્યનું વ્રત ચાલુ રાખી શકે છે. હનુમાન સંમત થયા અને તેમના લગ્ન સુવર્ચલા દેવી સાથે થયા. આમ, સૂર્યદેવે તેમની પુત્રીના લગ્ન હનુમાન સાથે કરાવ્યા હતા, જેથી તેઓ બાકીની ચાર વિદ્યાઓ તેમને આપી શકે. તેથી, આજે પણ આ વાર્તા સાથે જોડાયેલી શ્રદ્ધાને કારણે ભક્તો મોટી સંખ્યામાં શ્રી સુવર્ચલા સહિત હનુમાન મંદિરમાં આવે છે.




