હોર્મુઝ જળમાર્ગ પાર કરીને દહેજ પહોંચ્યું ભારતનું પ્રથમ LNG ટેન્કર 'દિશા', 62,370 મેટ્રિક ટન ગેસ સાથે આવ્યું



હોર્મુઝ જળમાર્ગ પાર કરીને દહેજ પહોંચ્યું ભારતનું પ્રથમ LNG ટેન્કર 'દિશા', 62,370 મેટ્રિક ટન ગેસ સાથે આવ્યું



ભરૂચ: પશ્ચિમ એશિયામાં છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલા તણાવ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર આવ્યા છે. ભારતનું LNG (લિક્વિફાઇડ નેચરલ ગેસ) ટેન્કર 'દિશા' ગુરુવારે સફળતાપૂર્વક હોર્મુઝ જળમાર્ગ (Strait of Hormuz) પાર કરીને ભરૂચ જિલ્લાના દહેજ LNG ટર્મિનલ પર પહોંચી ગયું છે.
62,370 મેટ્રિક ટન LNG લઈને આવેલું 'દિશા' છેલ્લા સાડા ત્રણ મહિનાથી વધુ સમયથી તણાવગ્રસ્ત રહેલા હોર્મુઝ જળમાર્ગમાંથી પસાર થનારું પ્રથમ ભારતીય LNG ટેન્કર બન્યું છે. ટેન્કર દહેજ બંદરે પહોંચ્યા બાદ ગેસ ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અહીંથી LNGનો પુરવઠો દેશના વિવિધ વિસ્તારોમાં કરવામાં આવશે.
'LNG કેરિયર દિશા'નું સંચાલન શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના નેતૃત્વ હેઠળના કન્સોર્ટિયમ દ્વારા કરવામાં આવે છે, જ્યારે તેને પેટ્રોનેટ LNG દ્વારા ચાર્ટર કરવામાં આવ્યું છે. અમેરિકા અને ઇરાન વચ્ચે પ્રાથમિક સમજૂતીની જાહેરાત બાદ હોર્મુઝ જળમાર્ગમાંથી પસાર થનારા પ્રથમ વ્યાવસાયિક જહાજોમાં પણ 'દિશા'નો સમાવેશ થાય છે.
કેન્દ્રીય બંદરો, જહાજરાણી અને જળમાર્ગ મંત્રાલયના ડિરેક્ટર ઉપેશ કુમાર શર્માએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 10 ભારતીય ધ્વજવાળા અને 5 વિદેશી ધ્વજવાળા મળીને કુલ 15 જહાજોએ હોર્મુઝ જળમાર્ગ સુરક્ષિત રીતે પાર કર્યો છે. ભારતીય નાવિકો અને જહાજોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ડાયરેક્ટોરેટ જનરલ ઓફ શિપિંગ, વિદેશ મંત્રાલય, વિદેશ સ્થિત ભારતીય મિશનો અને શિપિંગ કંપનીઓ સાથે સતત સંકલન રાખી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે 28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઇઝરાયલે ઇરાન પર કરેલા સૈન્ય હુમલા બાદ ઇરાને જવાબી કાર્યવાહી કરી હતી, જેના કારણે હોર્મુઝ જળમાર્ગમાં જહાજોની અવરજવર ગંભીર રીતે પ્રભાવિત થઈ હતી. આ જળમાર્ગ વૈશ્વિક ઊર્જા અને વેપાર માટે અત્યંત મહત્વનો માનવામાં આવે છે.

