બકરી ઈદ બાદ આજે ઉજવાઈ રહી છે ઈદ-એ-ગદીર, જાણો શિયા મુસ્લિમો માટે શા માટે છે ખાસ મહત્વ



બકરી ઈદ બાદ આજે ઉજવાઈ રહી છે ઈદ-એ-ગદીર, જાણો શિયા મુસ્લિમો માટે શા માટે છે ખાસ મહત્વ



Eid-e-Ghadir: બકરી ઈદ બાદ આજે વિશ્વભરના શિયા મુસ્લિમો દ્વારા ઈદ-એ-ગદીરનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. ઇસ્લામિક કેલેન્ડરના અંતિમ મહિના ઝિલહિજ્જાની 18મી તારીખે ઉજવાતો આ તહેવાર શિયા સમુદાય માટે અત્યંત મહત્વ ધરાવે છે. આ દિવસ હઝરત અલીની નેતૃત્વની જાહેરાતની યાદમાં ઉજવવામાં આવે છે.
શું છે ઈદ-એ-ગદીર?
ધાર્મિક માન્યતાઓ અનુસાર લગભગ 1450 વર્ષ પહેલાં, ઇસ્લામના પૈગમ્બર હજરત મોહમ્મદ પોતાના અંતિમ હજ બાદ મક્કાથી મદીના પરત ફરી રહ્યા હતા. માર્ગમાં "ગદીર ખુમ" નામના સ્થળે તેમને અલ્લાહ તરફથી વિશેષ સંદેશ પ્રાપ્ત થયો હતો.
ત્યારબાદ પૈગમ્બર મહંમદે હજ માટે આવેલા હજારો લોકોની હાજરીમાં હજરત અલીનો હાથ ઊંચો કરીને કહ્યું હોવાનું માનવામાં આવે છે કે, "જેનો હું મૌલા છું, તેનો અલી પણ મૌલા છે." શિયા પરંપરા મુજબ આ ઘટનાને હઝરત અલીને પૈગમ્બરના ઉત્તરાધિકારી તરીકે જાહેર કરવાના પ્રસંગ તરીકે જોવામાં આવે છે.
શિયા સમુદાય માટે કેમ છે ખાસ મહત્વ?
શિયા માન્યતા મુજબ આ ઘટનાથી ઇમામતની પરંપરાની શરૂઆત થઈ હતી. હઝરત અલીને પ્રથમ ઇમામ તરીકે સ્વીકારવામાં આવ્યા અને ત્યારબાદ ઇમામ હસન, ઇમામ હુસૈન સહિત ઇમામોની શ્રેણી આગળ વધી.
શિયા મુસ્લિમો માને છે કે તેમના 12મા ઇમામ હઝરત મેહદી હાલમાં ગૈબ (પર્દા)માં છે અને ભવિષ્યમાં પ્રગટ થશે.
કેવી રીતે ઉજવાય છે ઈદ-એ-ગદીર?
ઈદ-એ-ગદીરના દિવસે શિયા મુસ્લિમો ખાસ નમાઝ અદા કરે છે, એકબીજાને શુભેચ્છાઓ પાઠવે છે, દાન-ખૈરાત કરે છે અને ધાર્મિક સભાઓનું આયોજન કરે છે. ઘણા સ્થળોએ મજલિસ અને ધાર્મિક પ્રવચનો દ્વારા ગદીર ખુમની ઘટનાનું સ્મરણ કરવામાં આવે છે.
એકતા અને નેતૃત્વનો સંદેશ:
ઈદ-એ-ગદીર માત્ર ધાર્મિક તહેવાર જ નહીં પરંતુ નેતૃત્વ, ન્યાય, ભાઈચારા અને માનવતાના મૂલ્યોને યાદ કરાવતો પ્રસંગ પણ માનવામાં આવે છે. આ દિવસ શિયા સમુદાય માટે આસ્થા અને ઇતિહાસ સાથે જોડાયેલી મહત્વપૂર્ણ સ્મૃતિ તરીકે ઉજવાય છે.




