કોકરોચ જનતા પાર્ટીનું આજે દિલ્હીમાં ફરીથી પ્રદર્શન, અભિજીત દીપકેએ થાળી અને ચમચી લાવવાની કરી અપીલ



કોકરોચ જનતા પાર્ટીનું આજે દિલ્હીમાં ફરીથી પ્રદર્શન, અભિજીત દીપકેએ થાળી અને ચમચી લાવવાની કરી અપીલ



પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓ અને NEET પેપર લીક મુદ્દે કોકરોચ જનતા પાર્ટી (CJP) આજે દિલ્હીના જંતર-મંતર ખાતે ફરી એકવાર વિરોધ પ્રદર્શન કરવા જઈ રહી છે. આ પ્રદર્શન માટે સંગઠનને દિલ્હી પોલીસ તરફથી મંજૂરી મળી હોવાનું જણાવાયું છે. બપોરે 1 વાગ્યે યોજાનારા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને યુવાનો જોડાય તેવી શક્યતા છે.
CJPના સ્થાપક અભિજીત દીપકેએ પ્રદર્શન પહેલાં એક વીડિયો સંદેશ દ્વારા સમર્થકોને પોતાના સાથે થાળી અને ચમચી લાવવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે, "જંતર-મંતર પર આવનારા દરેક વ્યક્તિએ થાળી અને ચમચી સાથે લાવવી જોઈએ. બાકીની વાત તો તમે જાણો જ છો." તેમની આ અપીલને 2020 દરમિયાન કોરોના મહામારી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી થાળી-તાળી વગાડવાની અપીલ સાથે જોડીને જોવામાં આવી રહી છે.
આ પ્રદર્શન દરમિયાન CJP દ્વારા કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરવામાં આવશે. સંગઠનનું કહેવું છે કે પરીક્ષા પ્રણાલીમાં થયેલી કથિત ગેરરીતિઓ માટે જવાબદારી નક્કી થવી જોઈએ અને વિદ્યાર્થીઓને ન્યાય મળવો જોઈએ.
ઉલ્લેખનીય છે કે 6 જૂને જંતર-મંતર પર યોજાયેલા વિરોધ પ્રદર્શન બાદ દિલ્હીમાં આ સંગઠનનું આ બીજું પ્રદર્શન છે. આ પહેલાં પુણે, લખનૌ, અમૃતસર, બેંગલુરુ, હૈદરાબાદ અને જયપુર સહિતના અનેક શહેરોમાં પણ વિરોધ કાર્યક્રમો યોજાયા હતા.
અભિજીત દીપકેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પરીક્ષા વિવાદોની વચ્ચે આત્મહત્યા કરનાર વિદ્યાર્થીઓના પરિવારોને 1 કરોડ રૂપિયાનું વળતર આપવાની પણ માંગ કરી છે. તેમણે દાવો કર્યો કે પરીક્ષા ગેરરીતિઓને કારણે અત્યાર સુધીમાં 11 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે, જેમાંથી પાંચના મોત છેલ્લા 48 કલાકમાં થયા હોવાનું કહેવાય છે. જોકે, આ દાવાઓની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.




