સોના બાદ હવે ચાંદી પર પણ સરકારની સખ્તાઈ, આયાત માટે લાઇસન્સ ફરજિયાત



સોના બાદ હવે ચાંદી પર પણ સરકારની સખ્તાઈ, આયાત માટે લાઇસન્સ ફરજિયાત



Silver Import License India: ભારતમાં સોના બાદ હવે ચાંદીની આયાત પર પણ કેન્દ્ર સરકારે મોટી સખ્તાઈ દાખવી છે. સરકારે ચાંદીના આયાતને હવે “પ્રતિબંધિત કેટેગરી”માં મૂકવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. એટલે કે હવે ચાંદી આયાત કરવા માટે સરકાર પાસેથી ખાસ લાઇસન્સ લેવું ફરજિયાત રહેશે. અત્યાર સુધી ચાંદી “ફ્રી ઇમ્પોર્ટ” કેટેગરીમાં આવતી હોવાથી કોઈ વિશેષ મંજૂરી વગર આયાત થઈ શકતી હતી. સરકારનો આ નિર્ણય દેશના વધતા આયાત બિલ પર નિયંત્રણ મેળવવા અને કિંમતી ધાતુઓની આયાત પર વધુ દેખરેખ રાખવા માટે લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. ખાસ કરીને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને કાચા તેલના વધતા ભાવને કારણે ભારતના વેપાર સંતુલન પર દબાણ વધી રહ્યું છે.
સોના-ચાંદી પર આયાત શુલ્કમાં મોટો વધારો
સરકારે થોડા દિવસો પહેલા જ સોના અને ચાંદી પર આયાત શુલ્ક 6 ટકાથી વધારીને 15 ટકા કર્યું હતું. પ્લેટિનમ પર પણ ડ્યૂટી 6.4 ટકાથી વધારીને 15.4 ટકા કરવામાં આવી છે. સરકારનો હેતુ બિનજરૂરી આયાત ઘટાડવાનો અને કિંમતી ધાતુઓની ખરીદી પર નિયંત્રણ લાવવાનો છે.
સોના આયાત પર પણ લાગુ કરાયા નવા નિયમો
કેન્દ્ર સરકારે સોનાની આયાત માટે પણ 100 કિલોગ્રામની મર્યાદા નક્કી કરી છે. જો કોઈ પ્રથમ વખત આયાત માટે અરજી કરશે તો તેની ઉત્પાદન એકમનું ફિઝિકલ વેરિફિકેશન પણ કરવામાં આવશે. સરકાર ઉત્પાદન ક્ષમતા અને યુનિટની વાસ્તવિક સ્થિતિની તપાસ કર્યા બાદ જ મંજૂરી આપશે.
એપ્રિલમાં સોના-ચાંદીના આયાતમાં ભારે ઉછાળો
સરકારી આંકડાઓ મુજબ એપ્રિલ મહિનામાં ભારતનો સોનાનો આયાત 81.69 ટકા વધીને 5.62 અબજ ડોલર સુધી પહોંચ્યો હતો. જ્યારે ચાંદીનો આયાત 157 ટકા વધીને 41.1 કરોડ ડોલર રહ્યો હતો. વિત્ત વર્ષ 2025-26 દરમિયાન સોનાનો કુલ આયાત 71.98 અબજ ડોલર સુધી પહોંચ્યો છે, જ્યારે ચાંદીનો આયાત લગભગ 150 ટકા વધીને 12 અબજ ડોલર સુધી ગયો છે. વધતા આયાતને કારણે દેશની ટ્રેડ ડેફિસિટ પણ ત્રણ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી ગઈ છે.
અર્થતંત્ર પર શું પડશે અસર?
વિશેષજ્ઞોનું માનવું છે કે સરકારના આ પગલાંથી કિંમતી ધાતુઓની અનિયંત્રિત આયાતમાં ઘટાડો થશે. જોકે, આવનારા સમયમાં સોનાં અને ચાંદીના ભાવમાં વધુ વધારો થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. વેપારીઓ અને જ્વેલરી માર્કેટ પર પણ તેની સીધી અસર જોવા મળી શકે છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com



