શેરબજારમાં સતત બીજા દિવસે તેજી, સેન્સેક્સ 274 અંક ઉછળ્યો અને નિફ્ટી 24,300ની પાર


AI Generated Images
શેરબજારમાં સતત બીજા દિવસે તેજી, સેન્સેક્સ 274 અંક ઉછળ્યો અને નિફ્ટી 24,300ની પાર


AI Generated Images
Sensex Nifty Market Rally: વૈશ્વિક બજારોમાંથી મળેલા મિશ્ર સંકેતો વચ્ચે ભારતીય શેરબજારે ગુરુવારે સતત બીજા ટ્રેડિંગ સેશનમાં પણ તેજી નોંધાવી હતી. દિવસના અંતે સેન્સેક્સ 273.55 અંકના વધારા સાથે 77,928.15 પર બંધ રહ્યો, જ્યારે નિફ્ટી 66.95 અંક ઉછળી 24,317.15ના સ્તરે પહોંચ્યો. મુખ્ય સૂચકાંકોમાં તેજી જોવા મળી હોવા છતાં વ્યાપક બજારનું પ્રદર્શન થોડું નબળું રહ્યું. નિફ્ટી મિડકેપ 100માં 0.35 ટકા અને સ્મોલકેપ 100માં 0.56 ટકાનો ઘટાડો નોંધાયો.
ઓટો સેક્ટરમાં સૌથી વધુ તેજી
સેક્ટર મુજબ જોવામાં આવે તો નિફ્ટી ઓટોમાં સૌથી વધુ 1.63 ટકાનો વધારો નોંધાયો. ઉપરાંત ઓઇલ એન્ડ ગેસ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, મીડિયા અને આઈટી સેક્ટરના શેરોમાં પણ ખરીદી જોવા મળી. બીજી તરફ નિફ્ટી રિયલ્ટીમાં સૌથી વધુ 2 ટકાનો ઘટાડો નોંધાયો. આ ઉપરાંત ફાઇનાન્શિયલ સર્વિસિસ, FMCG, પ્રાઇવેટ બેંક અને ફાર્મા સેક્ટરમાં પણ નબળાઈ જોવા મળી.
આ શેરોએ અપાવ્યો સૌથી વધુ નફો
નિફ્ટી-50માં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (M&M), કોલ ઈન્ડિયા, આઈશર મોટર્સ, મારુતિ સુઝુકી, TMPV અને વિપ્રોના શેરોએ સૌથી વધુ તેજી દર્શાવી હતી. જ્યારે HDFC લાઇફ, શ્રીરામ ફાઇનાન્સ, SBI લાઇફ, જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસ અને ઇન્ડિગોના શેરોમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો.
બજારમાં ઉતાર-ચઢાવ કેમ રહ્યો?
બજાર નિષ્ણાતોના જણાવ્યા અનુસાર અમેરિકાની ફેડરલ રિઝર્વે વ્યાજદર યથાવત રાખવાનો નિર્ણય લીધો હતો, પરંતુ મોંઘવારી સામે કડક વલણ યથાવત રાખતા વૈશ્વિક રોકાણકારોમાં સાવચેતીનો માહોલ રહ્યો. આ ઉપરાંત પશ્ચિમ એશિયામાં વધતા તણાવને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં વધઘટ અને અમેરિકી બોન્ડ યિલ્ડમાં વધારો પણ વૈશ્વિક બજારો માટે ચિંતાનો વિષય રહ્યો.
ભારતીય બજારને મળ્યો મજબૂત ટેકો
વૈશ્વિક પડકારો વચ્ચે પણ ભારતીય અર્થતંત્રના મજબૂત ફંડામેન્ટલ્સે બજારને ટેકો આપ્યો. ઉપરાંત વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII)ની સતત ખરીદી, રૂપિયાની મજબૂતી અને નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિકના સારા પરિણામોને કારણે રોકાણકારોમાં વિશ્વાસ વધ્યો અને બજારને મજબૂતી મળી.




