શેરબજારમાં જોરદાર તેજી: સેન્સેક્સ 965 પોઇન્ટ ઉછળ્યો, નિફ્ટી 24,334ને પાર


શેરબજારમાં જોરદાર તેજી: સેન્સેક્સ 965 પોઇન્ટ ઉછળ્યો, નિફ્ટી 24,334ને પાર


Indian Stock Market Today: સપ્તાહના અંતિમ કારોબારી દિવસે ભારતીય શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી હતી. વૈશ્વિક બજારોમાંથી મળેલા મિશ્ર સંકેતો વચ્ચે રોકાણકારોની ખરીદીના કારણે બીએસઈ સેન્સેક્સ 964.58 પોઇન્ટ (1.25%) વધીને 78,151.45 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી-50 261.55 પોઇન્ટ (1.09%)ની તેજી સાથે 24,334.30ના સ્તરે બંધ રહ્યો હતો.
કારોબાર દરમિયાન સેન્સેક્સે દિવસનું ઉચ્ચ સ્તર 78,282.55 નોંધાવ્યું હતું, જ્યારે નિફ્ટી 24,367.30 સુધી પહોંચ્યો હતો. જોકે અમેરિકા-ઈરાન વચ્ચે વધતા તણાવ અને કાચા તેલના ઊંચા ભાવોની અસર મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં જોવા મળી હતી. નિફ્ટી મિડકેપમાં 0.41 ટકા અને સ્મોલકેપમાં 0.21 ટકાનો ઘટાડો નોંધાયો હતો. સેક્ટરલ ઈન્ડેક્સમાં સૌથી વધુ તેજી નિફ્ટી પ્રાઈવેટ બેન્કમાં 2 ટકા રહી હતી. ત્યારબાદ આઈટી, બેન્કિંગ, રિયલ્ટી અને ઓટો શેરોમાં પણ મજબૂત ખરીદી જોવા મળી હતી. બીજી તરફ ફાર્મા, હેલ્થકેર, મેટલ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરમાં નબળાઈ જોવા મળી હતી.
દિગ્ગજ શેરોમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, કોટક મહિન્દ્રા બેંક અને એક્સિસ બેંકના શેરોએ બજારને મજબૂત ટેકો આપ્યો હતો. જ્યારે નિફ્ટીમાં ટેક મહિન્દ્રા, કોટક મહિન્દ્રા બેંક, ટીસીએસ અને આઈસીઆઈસીઆઈ બેંકના શેરોમાં સૌથી વધુ વધારો નોંધાયો હતો. બજાર નિષ્ણાતોના જણાવ્યા અનુસાર છેલ્લા પાંચ દિવસથી ચાલી રહેલા કન્સોલિડેશન બાદ બજારે મજબૂત બ્રેકઆઉટ આપ્યો છે. ટેક્નિકલ સંકેતો પણ તેજીના પક્ષમાં જોવા મળી રહ્યા છે. નિષ્ણાતોનું માનવું છે કે આગામી દિવસોમાં નિફ્ટી 24,800ના સ્તર સુધી પહોંચી શકે છે, જ્યારે 24,200નો સ્તર મહત્વપૂર્ણ સપોર્ટ તરીકે રહેશે.




