શેરબજારમાં સતત ત્રીજા દિવસે તેજી, સેન્સેક્સ 166 અંક ઉછળ્યો; રોકાણકારોને ₹3 લાખ કરોડનો ફાયદો


શેરબજારમાં સતત ત્રીજા દિવસે તેજી, સેન્સેક્સ 166 અંક ઉછળ્યો; રોકાણકારોને ₹3 લાખ કરોડનો ફાયદો


Indian Stock Market Today: વૈશ્વિક બજારના મિશ્ર સંકેતો અને ક્રૂડ ઓઈલની કિંમતોમાં ઘટાડા વચ્ચે ભારતીય શેરબજાર સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે સતત ત્રીજા સત્રમાં પણ તેજી સાથે બંધ રહ્યું. સેન્સેક્સ 166.49 અંક વધીને 78,094.64 પર બંધ થયો, જ્યારે નિફ્ટી 66.45 અંકની વૃદ્ધિ સાથે 24,383.60 પર પહોંચ્યો. વ્યાપક બજારમાં પણ સકારાત્મક માહોલ જોવા મળ્યો. નિફ્ટી મિડકેપ અને સ્મોલકેપ બંનેમાં 0.44 ટકા વધારો નોંધાયો. સેક્ટરલ ઈન્ડેક્સમાં નિફ્ટી મીડિયા 2 ટકા વૃદ્ધિ સાથે સૌથી આગળ રહ્યું. ત્યારબાદ ઓટો, ઓઈલ એન્ડ ગેસ, ફાર્મા, PSU બેંક, હેલ્થકેર અને રિયલ્ટી ક્ષેત્રના શેરોમાં પણ ખરીદી જોવા મળી.
બીજી તરફ, નિફ્ટી ITમાં 1.56 ટકા અને FMCGમાં 1.05 ટકાનો ઘટાડો નોંધાયો. વૈશ્વિક ચિપ શેરોમાં તેજી હોવા છતાં IT શેરોની પાંચ દિવસની સતત તેજી પર વિરામ લાગ્યો.
નિફ્ટી-50માં બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ, જિયો ફાઇનાન્સિયલ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરોમાં સૌથી વધુ ઉછાળો જોવા મળ્યો. જ્યારે TCS, ઇન્ફોસિસ, વિપ્રો, ITC અને મેક્સ હેલ્થકેરના શેરોમાં વેચવાલી જોવા મળી. બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન ₹483 લાખ કરોડથી વધીને ₹486 લાખ કરોડ થયું, જેના કારણે રોકાણકારોની સંપત્તિમાં એક જ દિવસમાં અંદાજે ₹3 લાખ કરોડનો વધારો નોંધાયો.
બજાર નિષ્ણાતોના જણાવ્યા મુજબ, કંપનીઓના પ્રથમ ત્રિમાસિક પરિણામો અપેક્ષા કરતાં સારા રહેતા બજારમાં વિશ્વાસ વધ્યો છે. જોકે અમેરિકા-ઈરાન વચ્ચેનું તણાવ, વૈશ્વિક વ્યાજદર અને ક્રૂડ ઓઈલના ભાવમાં વધઘટને કારણે બજારમાં સાવચેતીનો માહોલ યથાવત છે.




