મધ્ય પૂર્વમાં વધતા તણાવથી શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 77 હજારની નીચે સરક્યો


મધ્ય પૂર્વમાં વધતા તણાવથી શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 77 હજારની નીચે સરક્યો


Indian Stock Market Falls: મધ્ય પૂર્વમાં વધતા ભૌગોલિક અને રાજકીય તણાવની સીધી અસર ભારતીય શેરબજાર પર જોવા મળી છે. સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે બજાર ભારે ઘટાડા સાથે ખુલ્યું હતું. સવારે 9:18 વાગ્યે સેન્સેક્સ 649 અંક ઘટીને 76,920 પર પહોંચ્યો હતો, જ્યારે નિફ્ટી 184 અંકના ઘટાડા સાથે 24,022 પર કારોબાર કરી રહ્યો હતો.
બજારમાં વ્યાપક વેચવાલી જોવા મળી હતી. નિફ્ટી મિડકેપ-100માં 280 અંકનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે નિફ્ટી સ્મોલકેપ-100 પણ 66 અંક નીચે રહ્યો હતો.
સેક્ટરલ ઇન્ડેક્સમાં સૌથી વધુ દબાણ મેટલ, ફાઇનાન્શિયલ સર્વિસિસ અને કન્ઝમ્પશન સેક્ટરમાં જોવા મળ્યું હતું. ઉપરાંત ઓટો, ડિફેન્સ, પ્રાઇવેટ બેન્ક, પીએસયુ બેન્ક, કમોડિટીઝ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સર્વિસિસ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓઇલ એન્ડ ગેસ અને FMCG સેક્ટરના શેરોમાં પણ ઘટાડો નોંધાયો હતો.
જ્યારે બીજી તરફ આઈટી અને ફાર્મા સેક્ટરના શેરો લીલા નિશાનમાં કારોબાર કરતા જોવા મળ્યા હતા. સેન્સેક્સમાં TCS, HCL Tech, Power Grid અને NTPCના શેરોમાં તેજી જોવા મળી હતી, જ્યારે ટાટા સ્ટીલ, ઈન્ડિગો, મારુતિ સુઝુકી, એશિયન પેઇન્ટ્સ, બજાજ ફાઇનાન્સ, HDFC બેન્ક, L&T, ICICI બેન્ક, ભારતી એરટેલ, SBI અને ઈન્ફોસિસ સહિતના શેરોમાં ઘટાડો નોંધાયો હતો.
વિશ્લેષકોના જણાવ્યા અનુસાર અમેરિકા દ્વારા ઈરાન પર કરવામાં આવેલા તાજેતરના હુમલા અને તેના જવાબમાં ઈરાનની આક્રમક કાર્યવાહીથી મધ્ય પૂર્વમાં તણાવ વધ્યો છે. તેના કારણે રોકાણકારોમાં ચિંતા વધી છે અને વૈશ્વિક બજારો પર પણ તેની અસર જોવા મળી રહી છે.
આ દરમિયાન ક્રૂડ ઓઈલના ભાવમાં પણ મોટો ઉછાળો નોંધાયો છે. બ્રેન્ટ ક્રૂડ 4 ટકાથી વધુ વધીને પ્રતિ બેરલ 79 ડોલરની આસપાસ પહોંચ્યું છે, જ્યારે WTI ક્રૂડ પણ 4 ટકા જેટલું મજબૂત થઈ 74 ડોલર પ્રતિ બેરલની નજીક કારોબાર કરી રહ્યું છે.




