એવું રહસ્યમયી મંદિર કે જ્યાં હનુમાનજી સાંકળોમાં કેદ છે! જાણો રોચક ઇતિહાસ



એવું રહસ્યમયી મંદિર કે જ્યાં હનુમાનજી સાંકળોમાં કેદ છે! જાણો રોચક ઇતિહાસ



Bedi Hanuman Temple: ઓરિસ્સાના પુરીમાં આવેલું ભગવાન જગન્નાથ મંદિર ચાર ધામ (ચાર પવિત્ર સ્થળો) માંથી એક માનવામાં આવે છે. આ મંદિર ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન શ્રીકૃષ્ણને સમર્પિત છે. ભગવાન અહીં તેમના મોટાભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે બિરાજમાન છે. ઘણા લોકો આ મંદિરથી પરિચિત હશે. પરંતુ શું તમે જાણો છો કે જગન્નાથ મંદિરનું રક્ષણ કોણ કરે છે? તમને જાણીને આશ્ચર્ય થશે કે, આ મંદિરની સેવા ભગવાન રામના પરમ ભક્ત અને મુશ્કેલીઓ દૂર કરનારા સંકટમોચન હનુમાનજી દ્વારા કરવામાં આવે છે.
લોકપ્રિય માન્યતા એવી છે કે, માળવાના રાજા ઇન્દ્રધુમે જગન્નાથ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. એવું કહેવાય છે કે, ભગવાન વિષ્ણુ તેમની સમક્ષ પ્રગટ થયા હતા અને તેમને આ મંદિર બનાવવાનો આદેશ આપ્યો હતો, જે આજે પણ ભગવાન હનુમાન દ્વારા સુરક્ષિત છે. એવું કહેવાય છે કે, હનુમાનજી મંદિરના દરેક કણમાં રહે છે.
જગન્નાથ મંદિરની નજીક ભગવાન હનુમાનને સમર્પિત એક મંદિર પણ છે, જે બેડી હનુમાન મંદિર તરીકે ઓળખાય છે. તમે વિચારી રહ્યા હશો કે, આ મંદિરને બેડી હનુમાન મંદિર કેમ કહેવામાં આવે છે. આ પાછળ એક લોક માન્યતા છે. એવું કહેવાય છે કે, પ્રાચીન સમયમાં સમુદ્રના મજબૂત મોજાઓએ ત્રણ વખત જગન્નાથ મંદિરનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ ભગવાન જગન્નાથે પવન પુત્ર હનુમાનને મંદિરની રક્ષા કરવા અને મોજાઓને નિયંત્રિત કરવા સૂચના આપી.
ભગવાન જગન્નાથના આદેશથી હનુમાનજીએ અદ્ભુત બહાદુરીથી કર્તવ્ય બજાવ્યું હતું. હનુમાનના રક્ષણથી સમુદ્રના પ્રબળ મોજાઓ થંભી ગયા. જો કે, જ્યારે પણ હનુમાનજી રામના નામનો જાપ કે તેમના કીર્તનનો અવાજ સાંભળતા, ત્યારે તેઓ બંધન છોડીને જતા રહેતા હતા. પરિણામે સમુદ્રના મોજા તક મળતાં જ ફરી એકવાર એક રાક્ષસી સ્વરૂપ ધારણ કરીને મંદિરમાં પ્રવેશ કરતા હતા. આ જ કારણ હતું કે, ભગવાન જગન્નાથજીએ હનુમાનજીને સોનાની સાંકળોથી બાંધી દીધા હતી, જેથી હનુમાન હંમેશા ત્યાં રહી શકે અને જગન્નાથ મંદિરનું રક્ષણ કરી શકે.
એવું માનવામાં આવે છે કે, હનુમાનજી આજે પણ ભગવાન જગન્નાથની આજ્ઞાનું પાલન કરે છે. તેઓ પુરીમાં જગન્નાથ મંદિરની સામે રહે છે, મંદિરનું રક્ષણ કરે છે.




