કેલિફોર્નિયામાં US Air Forceનું B-52 બોમ્બર ક્રેશ, 8 ક્રૂ મેમ્બર્સના મોત



કેલિફોર્નિયામાં US Air Forceનું B-52 બોમ્બર ક્રેશ, 8 ક્રૂ મેમ્બર્સના મોત



અમેરિકા અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના મોજાવે રણ વિસ્તારમાં અમેરિકન એરફોર્સનું B-52 Stratofortress બોમ્બર વિમાન ક્રેશ થયું છે. આ ભયંકર દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ આઠ ક્રૂ મેમ્બર્સના મોત થયા છે.
વિમાન નિયમિત ટેસ્ટ મિશન પર હતું અને લોસ એન્જલસના ઉત્તર-પૂર્વમાં આવેલા મિલિટરી ઇન્સ્ટોલેશન નજીકથી લગભગ સવારે 11:20 વાગ્યે (સ્થાનિક સમય) ઉડાન ભરી હતી. થોડા જ સમય બાદ વિમાન અચાનક ક્રેશ થયું હતું.
એડવર્ડ્સ એરફોર્સ બેઝના અધિકારીઓ મુજબ, ક્રેશ બાદ સ્થળ પર ભારે આગ લાગી હતી અને દૂર સુધી કાળા ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા. KCAL દ્વારા પ્રસારિત વીડિયોમાં રનવે પર મોટું કાળું નિશાન અને ધુમાડો દેખાતો હોવાનું સામે આવ્યું છે.
અધિકારીઓએ જણાવ્યું કે હાલમાં ઘટનાસ્થળ પર રેસ્ક્યૂ ઓપરેશનને રિકવરી ઓપરેશનમાં બદલવામાં આવ્યું છે અને મૃતકોની ઓળખ તથા તેમના પરિવારોને જાણ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ક્રૂમાં સૈનિકો ઉપરાંત સરકારી નાગરિકો અને કોન્ટ્રાક્ટરોનો પણ સમાવેશ હોવાનું જણાવાયું છે.
પ્રાથમિક માહિતી મુજબ વિમાન રડાર આધુનિકીકરણ કાર્યક્રમના સમર્થનમાં ટેસ્ટ મિશન પર હતું. જોકે, ક્રેશનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી અને તેની તપાસ ચાલુ છે.
ઉલ્લેખનીય છે કે B-52 સ્ટ્રેટોફોર્ટ્રેસ અમેરિકન એરફોર્સનું સૌથી જૂનું અને લાંબા અંતરનું સ્ટ્રેટેજિક બોમ્બર છે, જે 1955થી સેવા માં છે અને આજે પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.




