Get News Alerts

Never miss breaking news updates.

અમદાવાદમાં વધુ એક ગેરકાયદે હુક્કા બાર પર પોલીસનો દરોડો, કેફેમાંથી 15 યુવકો ઝડપાયા

અમદાવાદમાં ગેરકાયદે હુક્કા બાર સામે પોલીસનો સકંજો વધુ કડક બન્યો છે. સરખેજ બાદ હવે સોલા પોલીસે છારોડી વિસ્તારમાં આવેલા એલિસિયમ કેફે પર દરોડો પાડી કેફેની આડમાં ચાલતા હુક્કા બારનો પર્દાફાશ કર્યો છે. કાર્યવાહી દરમિયાન 15 યુવકો હુક્કો પીતા ઝડપાયા હતા, જ્યારે બે સંચાલકોની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 05 Jul 2026 11:53 AM IST
અમદાવાદમાં વધુ એક ગેરકાયદે હુક્કા બાર પર પોલીસનો દરોડો, કેફેમાંથી 15 યુવકો ઝડપાયાઅમદાવાદમાં વધુ એક ગેરકાયદે હુક્કા બાર પર પોલીસનો દરોડો, કેફેમાંથી 15 યુવકો ઝડપાયા

ફાઈલ ફોટો

અમદાવાદ અમદાવાદમાં ગેરકાયદે હુક્કા બાર સામે પોલીસની કાર્યવાહી સતત ચાલુ છે. સોલા પોલીસે છારોડી વિસ્તારમાં આવેલા એક કેફે પર દરોડો પાડી હુક્કા પીતા 15 યુવકોને ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી હુક્કા, ફ્લેવર્ડ તમાકુ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી બે આરોપીઓની ધરપકડ કરી છે.

અમદાવાદના છારોડી વિસ્તારમાં આવેલા એલિસિયમ કેફે (Elysium Café) પર સોલા પોલીસે દરોડો પાડી ગેરકાયદે ચાલતા હુક્કા બારનો પર્દાફાશ કર્યો છે. દરોડા દરમિયાન કેફેના ઓપન એરિયામાં સાત ટેબલ પર 15 જેટલા યુવકો હુક્કો પીતા મળી આવ્યા હતા.

પોલીસ પૂછપરછમાં કેફેના મેનેજર વિવેક શર્માએ જણાવ્યું હતું કે હુક્કા બાર હર્ષદ પ્રજાપતિ દ્વારા ચલાવવામાં આવતો હતો. પોલીસના જણાવ્યા મુજબ, ગ્રાહકો પાસેથી 90 મિનિટના હુક્કા સેશન માટે પ્રતિ વ્યક્તિ ₹800 વસૂલવામાં આવતા હતા.

દરોડા દરમિયાન પોલીસે હુક્કા, ફ્લેવર્ડ તમાકુ અને હુક્કા પીવા માટે વપરાતો અન્ય મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે મેનેજર વિવેક શર્મા અને સંચાલક હર્ષદ પ્રજાપતિની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ છેલ્લા છ મહિનાથી ભાડે લીધેલી જગ્યામાં કેફેની આડમાં ગેરકાયદે હુક્કા બાર ચલાવતા હતા અને મોડી રાત સુધી ગ્રાહકોને સેવા આપતા હતા. આ સમગ્ર રેકેટમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલ છે કે નહીં તેમજ અન્ય કાયદાકીય ભંગ થયા છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ જ સરખેજ પોલીસે આંબલી વિસ્તારમાં આવેલા રોજાઝ કેફે પર દરોડો પાડી ગેરકાયદે હુક્કા બારનો પર્દાફાશ કર્યો હતો, જેમાં કેફેના માલિક પ્રફુલ ભરવાડની ધરપકડ કરવામાં આવી હતી. હવે શહેરમાં સતત બીજી કાર્યવાહીથી ગેરકાયદે હુક્કા બાર ચલાવતા સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.