બંગાળમાં નવી સરકાર માટે ભાજપે કેમ પસંદ કરી 9મી તારીખ? જાણો કારણ



બંગાળમાં નવી સરકાર માટે ભાજપે કેમ પસંદ કરી 9મી તારીખ? જાણો કારણ



West Bengal New CM: ભારતીય જનતા પાર્ટીએ સોમવારે પશ્ચિમ બંગાળમાં શાનદાર વિજય મેળવ્યો છે અને પૂર્વ ભારતના એક મહત્વના ગઢમાં પ્રવેશ કરી લીધો છે. આ શાનદાર જીત બાદ બીજેપીએ નવી સરકારના શપથ સમારોહ માટે 9 મેની તારીખ નક્કી કરી છે. એવામાં લોકોને એ જાણવાની ઉત્સુકતા છે કે, તેમણે 9 મેની તારીખ જ કેમ પસંદ કરી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, બુધવારે રક્ષામંત્રી રાજનાથસિંહ કોલકાતા આવશે. ત્યાં જીતેલા ધારાસભ્યો સાથે વાતચીત કરશે. ત્યારપછી ધારાસભ્ય દળના નેતા અને બંગાળના નવા મુખ્યમંત્રીના નામનો નિર્ણય લેવામાં આવશે.
બંગાળ માટે 9 તારીખ છે ખાસ
9 મેના દિવસે ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરની જયંતી છે. બંગાળની સંસ્કૃતિ રવિન્દ્રનાથ ટાગોરના સંગીત અને સાહિત્ય સાથે ગાઢ રીતે જોડાયેલી છે. સમગ્ર ચૂંટણી પ્રચાર દરમિયાન તૃણમૂલ કોંગ્રેસ અને મમતા બેનર્જી એ આરોપ લગાવતી રહી કે, બીજેપી સત્તામાં આવશે તો બંગાળની સંસ્કૃતિને હાનિ પહોંચાડશે. એવામાં બીજેપીની નવી સરકારના શપથગ્રહણ સમારોહ માટે રવિન્દ્રનાથ ટાગોર જયંતીનો દિવસ નક્કી કરવામાં આવ્યો છે, જેથી તેઓ ટીએમસીના આરોપોનો જવાબ આપી શકે કે, બંગાળની સભ્યતા અને સંસ્કૃતિની તેઓ કદર કરે છે. પશ્ચિમ બંગાળ બીજેપી અધ્યક્ષ સમિક ભટ્ટાચાર્યએ પણ 9 મેની તારીખ પર મહોર મારી છે.
બંગાળમાં બીજેપીની જીતનું મહત્વ વધુ
પશ્ચિમ બંગાળમાં ભાજપન આ નિર્ણાયક જીત માત્ર ચૂંટણીના આંકડાઓ સુધી સિમિત નથી, જો કે, મમતા બેનર્જીની મજબૂત ગઢના કાંગરા ખેરવી નાંખનારી રાજનીતિનું નવું સ્વરૂપ માનવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેને જનતાની શક્તિ અને સુશાસનની જીત ગણાવી છે. 2014માં બહુ ઓછી સીટથી શરૂ થયેલી યાત્રા 2019માં વધુ સારી રીતે ઉભરી આવી હતી, 2021માં ઘણા પડકાર ઝીલ્યા બાદ હવે 2026માં સ્પષ્ટ જનાદેશ સુધી પહોંચી છે.
આ જીત રાષ્ટ્રીય સ્તરે ભાજપની મજબૂત રાજનૈતિક પકડ દર્શાવે છે. પાર્ટીએ તેની રણનીતિમાં રાષ્ટ્રીય સુરક્ષા, ઘુસણખોરી રોકવા, સરહદ પર ફેન્સિંગ, સિલીગુડી કોરિડોરની સુરક્ષા, CAA અને UGC જેવા મુદ્દાઓને મહત્વ આપ્યું છે. આ સાથે જ કાયદો-વ્યવસ્થા, ઔદ્યોગિક વિકાસ, મહિલાઓની સુરક્ષા અને કેન્દ્રની યોજનાઓના લાભ પર ભાર આપ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ જેવા પ્રમુખ નેતાઓના આક્રામક પ્રચારે સત્તાવિરોધી લહેરને ટેકો આપ્યો હતો. જો કે, જીત પછી ભાજપ સામે ધ્રુવીકૃત સમાજ, ક્ષેત્રીય ઓળખ અને તૃણમૂલ કોંગ્રેસ જેવો મજબૂત વિપક્ષ પડકાર રહેશે.
તેમ છતાં હાલના પરિણામ રાજનૈતિક બદલાવનો મોટો સંકેત છે, જેનાથી ભાજપને વિપક્ષમાંથી સત્તારૂઢ શક્તિમાં ફેરવી નાંખ્યો છે અને બંગાળની રાજનીતિમાં એક નવા સૂરજનો ઉદય થયો છે.




