વાસ્તુના આ સરળ ઉપાયોથી દૂર થઈ શકે છે આર્થિક તંગી, ઘરમાં વધે છે સુખ-સમૃદ્ધિ



વાસ્તુના આ સરળ ઉપાયોથી દૂર થઈ શકે છે આર્થિક તંગી, ઘરમાં વધે છે સુખ-સમૃદ્ધિ



ઘણી વખત લોકો ફરિયાદ કરતા હોય છે કે તેઓ દિવસ-રાત મહેનત કરે છે, છતાં મહિનાના અંતે બચત થતી નથી. વાસ્તુશાસ્ત્ર અનુસાર તેની પાછળ માત્ર આવક-ખર્ચનું સંતુલન જ નહીં, પરંતુ ઘરની ઊર્જા અને દિશાઓ પણ જવાબદાર હોઈ શકે છે. વાસ્તુ નિષ્ણાતોના મતે ઘરમાં રહેલી નકારાત્મક ઊર્જા ધનના પ્રવાહને પ્રભાવિત કરે છે. કેટલાક સરળ ઉપાયો અપનાવીને આર્થિક સ્થિતિમાં સુધારો લાવી શકાય છે.
વાસ્તુશાસ્ત્રમાં ઘરના મુખ્ય દરવાજાને સકારાત્મક ઊર્જાનો પ્રવેશદ્વાર માનવામાં આવે છે. તેથી મુખ્ય દરવાજો હંમેશા સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવો જોઈએ. દરવાજા પાસે ગંદકી કે બિખરાયેલા ચંપલ-જૂતાં ન રાખવા. સાંજના સમયે દીવો પ્રગટાવવાથી સકારાત્મકતા વધે છે અને સમૃદ્ધિના માર્ગ ખુલતા હોવાનું માનવામાં આવે છે.
ધન અને કિંમતી વસ્તુઓ રાખવાની તિજોરી અથવા અલમારી દક્ષિણ-પશ્ચિમ દિશામાં રાખવી શુભ માનવામાં આવે છે. તિજોરીનું મુખ ઉત્તર દિશા તરફ ખુલતું હોય તો તે વધુ લાભદાયી ગણાય છે. ઉત્તર દિશાને ધનના દેવતા કુબેર સાથે જોડવામાં આવે છે.
વાસ્તુમાં પાણીને પણ ધનનું પ્રતિક માનવામાં આવે છે. ઘરમાં ક્યાંય નળ ટપકતો હોય અથવા પાણીનો બગાડ થતો હોય તો તેને તરત જ સુધારવો જોઈએ. ઉપરાંત ઘરની ઉત્તર દિશા સ્વચ્છ, ખુલ્લી અને હળવી રાખવી શુભ માનવામાં આવે છે.
જૂનો, તૂટેલો અથવા બિનજરૂરી સામાન ઘરમાં સંગ્રહિત રાખવાથી નકારાત્મકતા વધે છે. તેથી સમયાંતરે આવા સામાનને દૂર કરવો જરૂરી છે. રસોડું પણ હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ. રાત્રે સિંકમાં જૂઠાં વાસણો ન છોડવા અને રસોડામાં દવાઓ ન રાખવાની સલાહ આપવામાં આવે છે. વાસ્તુ અનુસાર આ નાની બાબતો ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જાળવવામાં મદદરૂપ બની શકે છે.




