Get News Alerts

Never miss breaking news updates.

શ્રીલંકાના અખબારોમાં ‘ઓપરેશન સિંદૂર’ને સલામ, પહલગામ હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ

શ્રીલંકામાં ભારતના ઉચ્ચાયુક્ત સંજય ઝાએ આ અખબારોના પહેલા પેજની તસવીરો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરી હતી. આ જાહેરાતો કોલંબોમાં વસતા ભારતીય સમુદાયની પહેલ હેઠળ પ્રકાશિત કરવામાં આવી હોવાનું જણાવાયું છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 09 May 2026 03:03 PM IST
શ્રીલંકાના અખબારોમાં ‘ઓપરેશન સિંદૂર’ને સલામ, પહલગામ હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિશ્રીલંકાના અખબારોમાં ‘ઓપરેશન સિંદૂર’ને સલામ, પહલગામ હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ
નવી દિલ્હી: શ્રીલંકાના અખબારોએ પહલગામ આતંકી હુમલાના પીડિતોને અનોખી શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. ‘ઓપરેશન સિંદૂર’ની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે કોલંબોમાં પ્રકાશિત અંગ્રેજી, સિંહલી અને તમિલ ભાષાના અખબારોના પહેલા પેજ પર ખાસ જાહેરાતો પ્રકાશિત કરવામાં આવી હતી. જેમાં પહલગામ આતંકી હુમલામાં મોતને ભેટેલા 26 નિર્દોષ લોકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી તેમજ ભારતના ‘ઓપરેશન સિંદૂર’ની પ્રશંસા કરવામાં આવી હતી.

જાહેરાતોમાં લખવામાં આવ્યું હતું કે, “ઓપરેશન સિંદૂર... પહલગામમાં વહાયેલા નિર્દોષોના લોહીને ભૂલશો નહીં. ન્યાય અપાવનાર અમારા બહાદુરોને શ્રદ્ધાંજલિ. આતંકના આશ્રયદાતાઓ માટે આ એક પાઠ છે.” સાથે જ આતંકવાદ સામે ભારતની ઝીરો ટોલરન્સ નીતિને પણ ઉજાગર કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, 22 એપ્રિલ 2025ના રોજ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલામાં 26 લોકોનાં મોત નિપજ્યાં હતાં. પાકિસ્તાન સમર્થિત આતંકી સંગઠન ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’એ હુમલાની જવાબદારી સ્વીકારી હતી. હુમલા દરમિયાન આતંકીઓએ લોકોને ધર્મ પૂછ્યા બાદ ગોળી મારી હત્યા કરી હતી. મૃતકોમાં 25 પ્રવાસીઓ અને એક સ્થાનિક પોની રાઈડ ઓપરેટરનો સમાવેશ થતો હતો.

આ હુમલાના જવાબમાં ભારતીય સેનાએ 6 અને 7 મે 2025ના રોજ ‘ઓપરેશન સિંદૂર’ હાથ ધર્યું હતું. જેમાં પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આવેલા લશ્કર-એ-તૈયબા સહિતના આતંકી સંગઠનોના 9 મોટા કેમ્પને નિશાન બનાવી નષ્ટ કરવામાં આવ્યા હતા.

ભારતીય અધિકારીઓએ આ કાર્યવાહીને સુનિયોજિત અને આતંકવાદ વિરુદ્ધની કેન્દ્રિત સૈન્ય કાર્યવાહી ગણાવી હતી. ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા ભારતે આતંકવાદ સામેની પોતાની કડક નીતિ અને વ્યૂહાત્મક સૈન્ય ક્ષમતાનું પ્રદર્શન કર્યું હોવાનું પણ માનવામાં આવે છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.