પાચનથી લઈને શ્વસન તંત્ર માટે ફાયદાકારક છે સરળમત્સ્યાસન, આયુષ મંત્રાલયની સલાહ



પાચનથી લઈને શ્વસન તંત્ર માટે ફાયદાકારક છે સરળમત્સ્યાસન, આયુષ મંત્રાલયની સલાહ



આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026 (21 જૂન) નજીક આવી રહ્યો છે ત્યારે કેન્દ્ર સરકારનું આયુષ મંત્રાલય લોકોને યોગને દૈનિક જીવનનો ભાગ બનાવવા માટે પ્રોત્સાહિત કરી રહ્યું છે. મંત્રાલયે પીઠ અને ગરદનની જકડણ, પાચન સંબંધિત સમસ્યાઓ તેમજ શ્વસન તકલીફોમાં રાહત મેળવવા માટે સરળમત્સ્યાસન (Easy Fish Pose)ના નિયમિત અભ્યાસની ભલામણ કરી છે.
આજની વ્યસ્ત અને તણાવભરી જીવનશૈલીમાં ગેસ, અપચો, કબજિયાત જેવી પાચન સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે. ઉપરાંત અસ્થમા, બ્રોન્કાઇટિસ, શ્વાસ લેવામાં તકલીફ તેમજ પીઠ અને ગરદનના દુખાવાની ફરિયાદો પણ વધી રહી છે. આયુષ મંત્રાલયના જણાવ્યા અનુસાર સરળમત્સ્યાસન આ સમસ્યાઓમાં અસરકારક સાબિત થઈ શકે છે.
સરળમત્સ્યાસન પેટના અંગોને ખેંચાણ આપીને પાચનક્રિયા મજબૂત બનાવે છે. છાતીનો ભાગ ખુલવાથી ફેફસાંની કાર્યક્ષમતામાં પણ વધારો થાય છે આ ઉપરાંત શ્વાસ લેવામાં સરળતા રહે છે. ગરદનના ભાગમાં થતું ખેંચાણ થાઇરોઇડ ગ્રંથિને સક્રિય રાખવામાં મદદરૂપ બને છે. સાથે જ પીઠ અને ગરદનની માંસપેશીઓને આરામ મળતા જૂના દુખાવા અને જકડણમાં પણ રાહત મળે છે.
સરળમત્સ્યાસન કરવા માટે પીઠના બળે સૂઈ જવું, હાથને શરીરની નીચે રાખવા અને છાતીને ધીમે-ધીમે ઉપર ઉઠાવી માથાને પાછળ ઝુકાવવું. શરૂઆતમાં 15થી 30 સેકન્ડ સુધી આસન કરી શકાય છે અને બાદમાં સમય ધીમે-ધીમે વધારી શકાય છે.
યોગ નિષ્ણાતોના અનુસાર નિયમિત યોગાભ્યાસ માત્ર શારીરિક સ્વાસ્થ્ય જ નહીં, પરંતુ માનસિક શાંતિ અને લાંબા ગાળાના સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી સાબિત થાય છે. જોકે પીઠ કે ગરદનની ગંભીર ઈજા, હર્નિયા અથવા તાજેતર સર્જરી કરાવનાર લોકોએ નિષ્ણાતની સલાહ બાદ જ આ આસન કરવું જોઈએ.

