બંગાળમાં ભગવો લહેરાયો: અમિત શાહ કોલકાતા પહોંચ્યા, દક્ષિણેશ્વર કાલી મંદિરે પૂજા કરી



બંગાળમાં ભગવો લહેરાયો: અમિત શાહ કોલકાતા પહોંચ્યા, દક્ષિણેશ્વર કાલી મંદિરે પૂજા કરી



કોલકાતા : પશ્ચિમ બંગાળમાં ઐતિહાસિક જીત બાદ હવે નવી સરકારની રચનાની તૈયારીઓ તેજ બની ગઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શુક્રવારે કોલકાતા પહોંચ્યા હતા. નેતાજી સુભાષચંદ્ર બોઝ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બંગાળ ભાજપના પ્રદેશ પ્રમુખ સામિક ભટ્ટાચાર્ય અને સુવેન્દુ અધિકારીએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

એરપોર્ટથી સીધા મા કાલીના શરણે
અમિત શાહે એરપોર્ટથી સીધા જ ઉત્તર 24 પરગણા જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ દક્ષિણેશ્વર કાલી મંદિર પહોંચીને પૂજા-અર્ચના કરી હતી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર ફોટા શેર કરતા લખ્યું કે, "બંગાળની જનતાએ ભાજપ પર જે અપાર સ્નેહ, વિશ્વાસ અને સમર્થન વરસાવ્યું છે, તે બદલ હું બંગાળવાસીઓને નમન કરું છું."
આજે ધારાસભ્ય દળની બેઠક, નક્કી થશે પ્રથમ ભાજપી CMનું નામ
ગૃહમંત્રી ન્યૂ ટાઉન સ્થિત બિશ્વા બાંગ્લા કન્વેન્શન સેન્ટરમાં ભાજપના નવનિર્વાચિત ધારાસભ્યો સાથે મહત્વની બેઠક કરશે.
ઐતિહાસિક બહુમતી: તાજેતરમાં સંપન્ન થયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 293માંથી 207 બેઠકો જીતીને ઈતિહાસ રચ્યો છે.
નવા નેતાની પસંદગી: આ બેઠકમાં ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરવામાં આવશે, જે આઝાદી પછી પશ્ચિમ બંગાળના પ્રથમ ભાજપી મુખ્યમંત્રી બનશે.
રાજ્યપાલને મળવા જશે: નેતાની પસંદગી બાદ ભાવી મુખ્યમંત્રી લોકસભા ભવન જશે અને રાજ્યપાલ આર.એન. રવિને મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે.
શનિવારે બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં ભવ્ય શપથ ગ્રહણ
શનિવારે સવારે 10 વાગ્યાથી મધ્ય કોલકાતાના ઐતિહાસિક બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં શપથ ગ્રહણ સમારોહ યોજાશે.
VVIP ગેસ્ટ: આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને કેન્દ્રીય નેતાઓ હાજર રહેશે.
ચુસ્ત સુરક્ષા: સમારોહને ધ્યાનમાં રાખીને બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં અત્યારથી જ લોખંડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.




