સાંસદ રાઘવ ચઢ્ઢાને મળ્યું મહત્વનું પદ, રાજ્યસભામાં સંભાળશે આ મોટી જવાબદારી



સાંસદ રાઘવ ચઢ્ઢાને મળ્યું મહત્વનું પદ, રાજ્યસભામાં સંભાળશે આ મોટી જવાબદારી



Raghav Chadha: આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાયેલા રાજ્યસભા સાંસદ રાધવ ચઢ્ઢાને રાજ્યસભાની પિટિશન કમિટીના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાજ્યસભાના ચેરમેન સી.પી. રાધાકૃષ્ણને સમિતિની પુનર્ગઠન કરતી સૂચના જાહેર કરી છે.
રાજ્યસભા દ્વારા જાહેર કરાયેલા એક જાહેરનામામાં જણાવાયું છે કે, અધ્યક્ષે 20 મેથી લાગુ પડતી પિટિશન કમિટીનું પુનર્ગઠન કર્યું છે. પેનલમાં ગૃહના દસ સભ્યોનું નામ આપવામાં આવ્યું છે. તેમાં લખ્યું છે કે, ‘રાઘવ ચઢ્ઢાને ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.’
રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા ઉપરાંત હર્ષ મહાજન, ગુલામ અલી, શંભુ શરણ પટેલ, મયંકકુમાર નાયક, મસ્તાન રાવ યાદવ બીધા, જેબી માથેર હિશામ, સુભાષીષ ખુંટિયા, રવાંગરા નરઝારી અને સંતોષ કુમાર પી.ને પિટિશન કમિટીના સભ્ય બનાવવામાં આવ્યા છે.
આ સાથે રાજ્યસભા સચિવાલય દ્વારા જાહેર કરાયેલા અન્ય એક જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે 20 મે, 2026ના રોજ રાજ્યસભાના અધ્યક્ષે રાજ્યસભાના સભ્ય ડૉ. મેનકા ગુરુસ્વામીને 'કોર્પોરેટ કાયદા (સુધારા) બિલ, 2026' પર સંયુક્ત સમિતિના સભ્ય તરીકે નામાંકિત કર્યા છે.
આ દરમિયાન લોકસભા સચિવાલય તરફથી એક અલગ સૂચનામાં કહેવામાં આવ્યું છે કે, લોકસભાના અધ્યક્ષે અરવિદ ગણપત સાવંતને 21 મેથી ‘કોર્પોરેટ કાયદા (સુધારા) બિલ’ પર સંયુક્ત સમિતિ માટે નામાંકિત કર્યા છે.
નોંધનીય છે કે, રાઘવ ચઢ્ઢા AAPના બે તૃતીયાંશથી વધુ રાજ્યસભા સાંસદો સાથે ભાજપમાં જોડાયા હતા. તેમની સાથે હરભજન સિંહ, સ્વાતિ માલીવાલ, રાજેન્દ્ર ગુપ્તા, સંદીપ પાઠક, વિક્રમજીત સાહની અને અશોક મિત્તલ સહિત ઘણા અન્ય નેતાઓ જોડાયા હતા. તે સમયે રાધવ ચઢ્ઢાએ કહ્યું હતું કે, ‘છેલ્લા કેટલાક વર્ષોથી મને ખોટા પક્ષમાં સાચા વ્યક્તિ જેવું લાગ્યું છે. અમે બંધારણની જોગવાઈઓનો ઉપયોગ કરીને ભાજપમાં ભળી જવાનો નિર્ણય લીધો છે.’
તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટી, જેને તેમણે પોતાના લોહી અને પરસેવાથી ઉછર્યું હતું અને પોતાની યુવાનીનાં 15 વર્ષ સમર્પિત કર્યા હતા, તે હવે તેના સિદ્ધાંતો, મૂલ્યો અને મુખ્ય નૈતિકતાથી ભટકી ગઈ છે. તે હવે દેશના શ્રેષ્ઠ હિતમાં નહીં, પરંતુ પોતાના વ્યક્તિગત લાભ માટે કામ કરે છે.




