અમરેલીમાં લાઠી સિવિલ હોસ્પિટલ પાછળથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો



અમરેલીમાં લાઠી સિવિલ હોસ્પિટલ પાછળથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો



લાઠી: લાઠી શહેરમાં સિવિલ હોસ્પિટલના પાછળના ભાગેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાતા ચકચાર મચી ગઈ છે. લાઠી પોલીસે કાર્યવાહી કરીને એક ફોરવ્હીલ કારમાંથી કુલ 238 બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો છે, જેની કુલ કિંમત આશરે રૂપિયા 75,572 હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ, પોલીસને બાતમી મળતા સિવિલ હોસ્પિટલ પાછળ પાર્ક કરેલી શંકાસ્પદ કારની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કારમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ મળી આવતા પોલીસએ તરત જ જથ્થો કબજે કરી લીધો હતો.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ કાર હોસ્પિટલના ડાયલિસિસ વિભાગમાં કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા એક કર્મચારીની હોવાનું મનાય છે. જોકે, દારૂનો જથ્થો ચોક્કસપણે કોનો છે અને તે અહીં કેવી રીતે પહોંચ્યો તે અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી.
લાઠી પોલીસે સમગ્ર મુદ્દામાલ સાથે કાર જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસે સંડોવાયેલા વ્યક્તિઓ સુધી પહોંચવા તપાસનો વ્યાપ વધાર્યો છે.

