સોમનાથમાં PM મોદીનો ભવ્ય ધાર્મિક કાર્યક્રમ, 11 તીર્થના જળથી થયો કુંભાભિષેક



સોમનાથમાં PM મોદીનો ભવ્ય ધાર્મિક કાર્યક્રમ, 11 તીર્થના જળથી થયો કુંભાભિષેક



સોમનાથ નરેન્દ્ર મોદીના બે દિવસીય ગુજરાત પ્રવાસનો આજે બીજો અને અત્યંત મહત્વનો દિવસ રહ્યો હતો. જામનગર બાદ વડાપ્રધાન આજે પ્રથમ જ્યોતિર્લિંગ Somnath Temple પહોંચ્યા હતા, જ્યાં ‘સોમનાથ અમૃતપર્વ-2026’ અંતર્ગત ભવ્ય ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર સોમનાથ ભક્તિમય માહોલમાં રંગાઈ ગયું હતું.
સવારે સોમનાથ હેલિપેડ પર આગમન બાદ વડાપ્રધાને ભવ્ય રોડ-શો કર્યો હતો. હમીરજી સર્કલ સુધી યોજાયેલા રોડ-શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ દરમિયાન વાયુસેનાના સૂર્યકિરણ એર-શોએ આકાશમાં અદભૂત કરતબો રજૂ કરીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
ત્યારબાદ વડાપ્રધાન મોદીએ સોમનાથ મહાદેવ મંદિરમાં હોમાત્મક અતિરુદ્ર યજ્ઞની પૂર્ણાહુતિમાં ભાગ લીધો હતો. મંદિરના શિખર પર 11 પવિત્ર તીર્થોના જળથી ઐતિહાસિક કુંભાભિષેક કરવામાં આવ્યો હતો અને ધ્વજારોહણ વિધિ પણ સંપન્ન થઈ હતી. કુંભાભિષેક બાદ વડાપ્રધાને શિવલિંગને જળ અર્પણ કરીને વિશેષ પૂજા-અર્ચના કરી હતી.
મંદિર પરિસરમાં વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે યોજાયેલી આ ધાર્મિક વિધિઓમાં સંતો-મહંતો અને મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ‘સ્વાભિમાન પર્વ’ તરીકે ઉજવાયેલા આ કાર્યક્રમને લઈ સમગ્ર સોમનાથમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
ધાર્મિક કાર્યક્રમો પૂર્ણ થયા બાદ વડાપ્રધાન સદભાવના ગ્રાઉન્ડ ખાતે વિશાળ જનસભાને સંબોધિત કરશે. ત્યારબાદ તેઓ વડોદરા જવા રવાના થશે, જ્યાં ‘સરદારધામ-3’નું લોકાર્પણ અને જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે.




